જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિની પેરાશૂટ નિમણુંક સામે વિવાદો વધુ વકર્યા

0

જૂનાગઢના જાગૃત નાગરિક તરીકેની છાપ ધરાવતા વિરલ જાેટવાએ છેલ્લા ગણતરીના સમયથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ તરીકે વી.પી. ચોવટિયાની નિમણુંક બાબતે અઘરા સવાલો ઉઠાવતા કૃષિ યુનિવર્સિટી કર્મચારી વર્તુળો ઉપરાંત સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બાબતની મેટર કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં કુલપતિ તરીકે વિઠ્ઠલ ચોવટીયાની નિમણુંક થતા જાણકાર સૂત્રોમાં આશ્ચર્યની લાગણી પ્રવર્તી રહી છે. સાથે સાથે વિઠ્ઠલ ચોવટિયાએ પોતાનો પન્નો છેક સુધી લાંબો કર્યો હોવાની ચર્ચાના કારણે રાજકારણમાં નખશિષ ઈમાનદારીના ગાણા ગાતા સત્તાધારીઓ સામે શંકાની નજરો મંડાણી છે. આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિની નિમણુંક સામે લાંબા સમયથી વ્હિસલ બ્લોઅર દરજ્જે અનેક રજૂઆતો અને ફરિયાદ કરનાર વિરલ જાેટવાએ વધુ એક એસીબીમાં ઉચ્ચ કક્ષાએ આ સંદર્ભે ફરિયાદ કરતા મામલો વધુ ગરમાયો છે. તેમણે રાજ્યના ગૃહમંત્રી, એ.સી.બી.નિયામક, અધિક નિયામક, એ.સી.બી. પોલીસ સ્ટેશન, જૂનાગઢ પોલીસ ઇન્સ્પેક્ટર એ.સી.બી. પોલીસ સ્ટેશન, જૂનાગઢ સહિતનાઓને પોતાની લેખિત ફરિયાદ આપી જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે આપેલ દિશા નિર્દેશ તેમજ સરકારનાં દિશા નિર્દેશ વિરૂધ જઈ અને જવાબદાર સત્તાધીશો દ્વારા સત્તાના દુરૂપયોગ કરી અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલર તરીકે વિઠ્ઠલ ચોવટિયાની નિમણુંક કરવા બદલ જવાબદાર કૃષિ મંત્રી રાઘવજી પટેલ તથા કૃષિ સચિવ તથા અન્ય જવાબદારો સામે પ્રિવેન્શન ઓફ એન્ટી કરપ્શન એક્ટ હેઠળ સત્વરે ગુનો દાખલ કરવા ફરિયાદ કરવામાં આવી છે. તેમણે પોતાની રજૂઆતમાં ઉમેર્યું હતું કે, તેઓ લાંબા સમયથી જૂનાગઢનાં પૂર્વ ઇન્ચાર્જ વાઈસ ચાન્સેલર સામે અનેક ફરીયાદો કરેલ હતી જે ફરિયાદમાં તત્કાલીન પૂર્વ વાઈસ ચાન્સેલર વિઠ્ઠલભાઈ ચોવટિયા અને તેમના મળતિયા દ્વારા આ પૂર્વ વાઈસ ચાન્સેલર વિઠ્ઠલભાઈ ચોવટિયાનાં પુત્ર જય ચોવટીયાને યોગ્ય શૈક્ષણિક લાયકાત ન હોવા છતાં દલા તરવાડી વાડી નીતિ અપનાવવી આસી. પ્રોફેસર તરીકે નોકરી અપાવવા બાબતે ગંભીર આક્ષેપ કર્યા હતા અને જેમની ફોજદારી ઈન્કવાયરી જૂનાગઢ કોર્ટમાં હાલ ચાલી રહી છે અને કોર્ટે આ સંદર્ભે તપાસના આદેશો પણ આપ્યા છે. આ ઉપરાંત તેમણે ડો. ચોવટિયાના કાર્યકાળ દરમ્યાન સીસીસી પરીક્ષા પાસ કરેલ ન હોય અને સીસીસી પરીક્ષા પાસ ન કરવા બદલ સરકારનો વર્ષ-૨૦૦૬નો સ્પષ્ટ પરિપત્ર છે કે, આવા લોકોને નોકરીમાંથી બરતરફ પણ કરી શકાય તેમ છતાં ડો. ચોવટીયાએ ઇન્ચાર્જ કુલપતિ તરીકે હોય પોતાની સત્તાનો દુરૂપયોગ કરી અન્ય પરિપત્રોનો સહારો લઇ અને ગેરકાયદેસર રીતે અનેક લાભો મેળવેલા હોય તેવા પણ તેમણે ગંભીર આક્ષેપો પુરાવા સાથે કરેલ છે. ઉપરાંત અમોએ તારીખ ૨૩મી મે ૨૦૨૨નાં રોજ તેમણે વિઠ્ઠલ ચોવટિયા અને તેમના મળતિયા વિરૂધ્ધ અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમાં ડો. ચોવટિયાને સને ૨૦૦૫માં સીધી ભરતીથી પ્રાધ્યાપકમાં નિમણુંક કરવામાં આવેલ. પ્રાધ્યાપકની નિમણુંક માટે જે તે સમયે સહપ્રધ્યાપક તરીકેનો સીધી ભરતીનો ઓછામાં ઓછો ૫ પાંચ વર્ષનો અનુભવ ફરજીયાત હતો. ડો. ચોવટિયાની સીધી ભરતીથી ક્યારેય સહ પ્રાધ્યાપક તરીકે નિમણુંક થયેલ નથી. તેમ છતાં તેને નજર અંદાજ કરી તેમને ગેરકાયદેસર રીતે પ્રાધ્યાપક તરીકે નિમણુંક આપવામાં આવી છે. આ અંગે સ્પષ્ટતા કરવાની કે, ડો. ચોવટિયાને સહપ્રધ્યાપકનું જ ઉચ્ચતર પગાર ધોરણ મળેલ હતું. હોદો નહિ અને જે તે સમયના ભરતીના અન્ય નિયમ મુજબ સીધી ભરતીનો સહપ્રધ્યાપક તરીકેનો અનુભવ પ્રાધ્યાપક થવા માટે અતિ આવશ્યક હતો. તેમ છતાં તેમને ડીસેમ્બર ૨૦૦૫માં ખોટી રીતે પ્રાધ્યાપક તરીકે નિમણુંક આપવામાં આવેલી. આ અંગેની ખરાઈ માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી પાસેથી ડો. ચોવટિયાનો સહપ્રધ્યાપકની નિમણુંકનો આદેશ, જાહેરાતની નકલ, તેમજ તેને સંલગ્ન તમામ દસ્તાવેજી પુરાવાઓ તપાસનીસ અધિકારી મેળવી અને તેની ચકાસણી કરશે તો ખાતરી થશે કે ડો. ચોવટિયા સહપ્રધ્યાપકમાં સીધી ભરતીથી નિમણુંક ક્યારેય પામેલ જ નથી. યુનિવર્સિટીના સ્ટે મુજબ કુલપતિ થવા માટે પ્રાધ્યાપક તરીકેનો ઓછામાં ઓછા ૧૦ વર્ષનો અનુભવ જરૂરી છે, ત્યારે ડો. ચોવટિયાની પ્રધ્યાપક તરીકેની નિમણુંક જ ખોટી હોય તેમનો અનુભવ કુલપતિ થવા માટે માન્ય ગણાય ? ડો. ચોવટિયા પ્રાધ્યાપક તરીકેની સીધી ભરતીથી નિમણુંક થયેલ હોય તેઓએ સરકારના નિયમો મુજબ સીસીસી પ્લસ પરીક્ષા પાસ કરવી ફરજીયાત હોય છે. પરંતુ ડો. વી.પી. ચોવટિયાએ સીસીસી પરીક્ષા પાસ કરી નથી, સીસીસી પ્લસ પરીક્ષમાં ડો. વી.પી. ચોવટિયાને થીયરી અને પ્રેક્ટીકલ મળી કુલ ૫૦ ગુણ મળવા જાેઈતા હતા તેમના બદલે તેમને કુલ ૪૯ માર્ક્‌સ મળેલ છે. આથી નિયમો આગળ ધરી તેમણે જણાવ્યું હતું કે, તેની પ્રધ્યાપક તરીકેની સેવા નિયમિત કરી શકાય નહિ. ડો. ચોવટિયાના પ્રાધ્યાપકના અનુભવને ધ્યાને લઈ તેમને જાન્યુઆરી-૨૦૧૩માં સીધી ભરતીથી કૃષિ મહાવિદ્યાલય અમરેલીમાં આચાર્ય તરીકે નિમણુંક આપવામાં આવેલી. સીધી ભરતીથી નિમણુંક પામેલ હોય તો નિયમસર પ્રોબેસન દરમ્યાન તેમને સરકારના નિયમો મુજબ સીસીસી પ્લસ પરીક્ષા પાસ કરવી ફરજીયાત હોય છે. પરંતુ ડો. વી.પી. ચોવટિયાએ સીસીસી પ્લસ પરીક્ષા પાસ કરેલ નથી. તેમણે ગંભીર આક્ષેપો સાથે જણાવ્યું હતું કે, જે તે સમયના કુલપતિ ડો. પાઠકની દયાથી તેમનો પ્રોબેસન ક્લીયર કરવામાં આવેલ જે પણ નિયમ વિરૂધ્ધ છે. આમ ડો. ચોવટિયાનો આચાર્ય તરીકેનો અનુભવ પણ કુલપતિ થવા માટે ધ્યાને લઈ શકાય તેઓ નથી. ડો. ચોવટિયાને જુન-૨૦૧૮માં તેમની સીધી ભરતી સંશોધન નિયામક તરીકે નિમણુંક કરવામાં આવેલી. સીધી ભરતીથી નિમણુંક પામેલ હોય તો નિયમસર પ્રોબેસન દરમ્યાન તેમને સરકારના નિયમો મુજબ સીસીસી પ્લસ પરીક્ષા પાસ કરવી ફરજીયાત હોય છે. પરંતુ ડો. વી.પી. ચોવટિયાએ સીસીસી પ્લસ પરીક્ષા પાસ કરી નથી. તેમજ ડો. પાઠકનો કુલપતિ તરીકેનો સમય પૂરો થતો હોય યુનિવર્સિટીમાં જે તે સમયે અન્ય ડીન સીનીયર હોવા છતાં ડો. ચોવટિયા સંશોધન નિયામક તરીકે પ્રોબેશનમાં હોય તેમ છતાં ડો. પાઠકની દયા દ્રષ્ટિથી ડો. વિઠ્ઠલભાઈ ચોવટિયાને કુલપતિ તરીકેનો ચાર્જ આપવામાં આવેલ તે પણ નિયમ વિરૂધ્ધ ગણાવ્યો હતો. તે દરમ્યાન જુન-૨૦૨૦માં ડો. ચોવટિયાએ પોતાના સંશોધન નિયામકના સ્વમુલ્યાંકન પોતાની રીતે પોતાની સહીથી રજુ કરી સંશોધન નિયામકની સેવા નિયમિત કરી દલાતરવાડી વાળી કરી હોવાના સણસણતા આક્ષેપો કર્યા હતા. આમ ડો. ચોવટિયાનો સંશોધન નિયામક તરીકેનો તેમજ ઇન્ચાર્જ કુલપતિના સમગાળામાં બનેલ બાયોડેટા કુલપતિ થવા માટે ધ્યાને ન લેવા તેમના દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું. ડો. ચોવટિયાને કુલપતિ થવા માટેની જરૂરી લાયકાત કોઈપણ રીતે પૂર્ણ કરતા ન હોય તેમની કુલપતિ માટેની અરજી અમાન્ય ઠેરવી તેની સામે ફોજદારી રહે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. ડો. વી.પી. ચોવટિયાની સામે ફરિયાદી દ્વારા તેમના પુત્ર ડો. જય ચોવટિયા કે જેઓ યુનિવર્સિટીના સ્ટે ૧૧૫ મુજબ મદદનીશ પ્રાધ્યાપક થવા માટે કૃષિ ફેકલ્ટીની માસ્ટર ડીગ્રી ધરાવતા નથી. પરંતુ ધીરૂભાઈ અંબાણી યુનિવર્સિટી, ગાંધીનગરમાંથી રૂરલ ડેવલોપમેન્ટ વિષયની માસ્ટર ડીગ્રી ધરાવે છે જેની ભરતી બાબતે લાંચ રૂશ્વત વિરોધી ખાતામાં તા.૩ જૂલાઇ ૨૦૨૧ના રોજ ફરિયાદ કરવામાં આવેલ છે જેના અનુસાંધાને જૂનાગઢ જીલ્લા કોર્ટે ક્રિમીનલ ઈન્કવાયરી નં.૦૯/૨૦૨૧થી પોલીસ અધિકારી, લાંચ રૂશ્વત વિરોધી ખાતાને તપાસ પણ સોંપેલી છે. જે હાલ ચાલુ છે. પૂર્વ કુલપતિ ડો. એ.આર. પાઠક અને પૂર્વ સંશોધન નિયામક અને ઇન્ચાર્જ કુલપતિ ડો. વી.પી. ચોવટિયા સાથે મળી ડો. ચોવટીયાની મીલીભગતથી વેરાવળ ફિશરીઝ કોલેજ(હાલ કામધેનું યુનિવર્સિટીમાં તબદીલ)ના હલાણ માટેની જમીન ખાનગી પાર્ટી પાસેથી રૂપિયા ૪૫.૦૦ લાખ જેવી માતબર રકમ આપી વિવાદિત જમીન ખરીદ કરેલ જેની પણ તપાસ કરવા તેમણે પોતાની ફરિયાદમાં માંગ કરી છે. ડો. ચોવટિયાએ જીઈએમએસ દ્વારા થતી ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલ છે. જેમાં અમરેલી જીલ્લાના વતની અને કૃષિ કોલેજ અમરેલીમાં ફરજ બજાવતા નલીયાદરાને બદલી કરી સંશોધન નિયામક ઓફીસમાં લાવેલ અને ખરીદીનું ટેબલ સંભાળેલ અને તેના સંબંધીના નામે એજન્સી ખોલી જીઈએમએસમાં રેટ કોન્ટ્રાક્ટ કરી અને તેને જ ખરીદીનો ઓર્ડેર આપી સરકારના લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ હોવાના સણસણતા આક્ષેપો પોતાની રજૂઆતમાં કર્યા છે. ફરિયાદોનો દોર શરૂ થતા હાલ નલીયાદરાની બદલી અન્ય કેન્દ્રમાં કરેલ હોવાના અહેવાલો પણ તેમને મળ્યા હતા. વધુમાં રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલને પણ મહત્તમ રૂપિયા ૨૦ હજાર સુધીનો મોબાઇલ ખરીદ કરવાની જાેગવાઈ છે તેમ છતાં પૂર્વ કુલપતિ ડો. પાઠકને ડો. ચોવટિયા દ્વારા કચેરીએથી રૂપિયા ૪૦ હજારની કિંમતનો મોબાઇલ આપેલ. નવાઈની વાત તો એ છે કે, ડો. પાઠક નવસારી યુનિવર્સિટીમાં ફરજ બજાવતા ત્યાં પણ રૂપિયા ૪૦ હજારનો મોબાઈલ ખરીદ કરેલ તે પણ નવસારી જમા કરાવેલ નથી અને ડો. ચોવટિયાએ બીજાે રૂપિયા ૪૦ હજારની મોબાઈલ ખરીદ કરેલ જે પણ નિયમ વિરૂધ્ધ હોય ન્યાયિક તપાસ કરવા માંગ કરવામાં આવી છે. ડો. પાઠક અને ડો. ચોવટિયાએ મીલીભગતથી સરકારના નિયમ વિરૂધ્ધ યુનિવર્સિટીની તમામ કચેરીના અધિકારી અને કર્મચારીના રૂમમાં એ.સી.ની મંજુરી આપી છે. ખરેખર તેને પણ નિયમ વિરૂધ્ધ ગણાવી સરકારના લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ છે. ઉપરોક્ત આક્ષેપો અને નામદાર કોર્ટની ઇન્કવાયરી પેન્ડિંગ હોય, ઉપરાંત નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ ગંભીર દાન ગઢવી વિરૂદ્ધ સ્ટેટ ઓફ ગુજરાતમાં આપેલ ચુકાદાના દિશા નિર્દેશ મુજબ ડો. વિઠ્ઠલભાઈ ચોવટીયાની વીસી તરીકે નીમણુંક આપી શકાય નહી તેમ છતાં આ કિસ્સામાં કૃષિમંત્રી, સચિવ કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર તથા સુધીર ઉપાધ્યાય નાયબ સચિવ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહાકાર વિભાગ ગાંધીનગર દ્વારા પોતાની સત્તાનો દુરૂપયોગ કરી અને સરકાર તેમજ નામદાર સુપ્રીમ કોર્ટે આપેલ દિશા નિર્દેશથી વિરૂધ્ધ જઈ અને યોગ્ય શૈક્ષણિક લાયકાત વિનાના અને જેમના ઉપર ભ્રષ્ટાચારનાં ગંભીર આક્ષેપો છે અને જેમના વિરૂધ્ધ ફોજદારી તપાસ ન્યાયાલયને વિચારાધીન છે તેવા વિઠ્ઠલ ચોવટિયાને નિમણુંક આપી અને કૃષિ વિભાગના મંત્રી સહિતના ખેડૂત કલ્યાણ અને સહાકાર વિભાગ ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોતાની સત્તાનો દુરૂપયોગ કરી અને ગેરકાયદેસર રીતે અને કાયદા વિરૂધ્ધ જૂનાગઢ કૃષિ યુની.નાં વાઈસ ચાન્સેલર તરીકે વિઠ્ઠલ ચોવટિયાની નિમણુંક આપી અને ગંભીર ગુનો આચરતા હોવાના આક્ષેપો કરી જવાબદાર અધિકારીઓ વિરૂધ્ધ પ્રિવેન્શન ઓફ એન્ટી કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવા માંગ કરી છે. તેમણે પોતાની રજૂઆત રાજ્યના મુખ્યમંત્રી, મુખ્યમંત્રીનાં અગ્ર સચિવ, રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમજ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતને પોતાની રજૂઆત જાણ અર્થે મોકલી હતી.

error: Content is protected !!