બિલખાનાં થુંબાળા ગામે બે જુથ વચ્ચે અંગત અદાવતને લઈને સામ-સામે હથિયારો વડે મારામારી થતા બંને પક્ષનાં ચાર વ્યકિતઓ ઘાયલ થયા હતા, જેમાંથી બે વ્યકિતની હાલત ગંભીર હોવાથી રાજકોટ રીફર કરવામાં આવ્યા છે. હાલ તો પોલીસે નિવેદનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી પ્રાથમિક માહિતી મુજબ, બિલખાનાં થુંબાળા ગામે ગઈકાલે બપોર બાદ અચાનક બે જુથ વચ્ચે જુના મનદુઃખ અને અંગત અદાવતને કારણે હથિયારો વડે સામ-સામે મારામારી થતા ઘનશ્યામ ચના નાગેશ્રી(ઉ.વ.પ૧), રાજેશ ઘુસા નાગેશ્રી(ઉ.વ.૪૦), કમલેશ ઘનશ્યામ નાગેશ્રી(ઉ.વ.૩૦) અને સામે પક્ષેથી દીપક અરજણ રાવટીયા(ઉ.વ.૩પ)ને ગંભીર રીતે ઘાયલ થતા ચારેયને સારવાર માટે ૧૦૮માં જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી બે વ્યકિતને વધુ સારવાર અર્થે રાજકોટ જયારે એક વ્યકિતને ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. હાલ તો બિલખા પોલીસ દ્વારા નિવેદનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.