લોકોની યાતનાનો અંત આવશે : અક્ષરવાડીથી સરદાર પટેલની પ્રતિમા સુધીનાં માર્ગને ડામરથી મઢવાની કામગીરીનો પ્રારંભ

0

જૂનાગઢ મહાનગરપાલિકાનાં સ્ટેન્ડીંગ કમિટિનાં ચેરમેન હરેશભાઈ પરસાણાએ જૂનાગઢ શહેરનાં રસ્તાઓને રીપેર કરવા બાબતેની અને ખાસ કરીને અક્ષરવાડી થી સરદાર પટેલની પ્રતિમા સુધીનાં માર્ગને વરસાદનું વિઘ્ન નહી આવે તો તુરંત રીપેર કરવાની કામગીરી કરવામાં આવશે અને આ અંગે મનપા તંત્ર સજ્જ બની ગયા હોવાનું એક નિવેદન બે દિવસ પહેલા જ આપ્યું હતું અને ત્યારબાદ ગઈકાલે રાત્રીનાં અક્ષરવાડીથી રસ્તાને ડામરથી મઢવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જૂનાગઢ શહેરમાં અક્ષરવાડી થી સરદાર પટેલની પ્રતિમા સુધીનાં માર્ગ ઉપર ડામર મઢવાની કામગીરીનો શુભ આરંભ કરવામાં આવેલ છે અને જાે કોઈપણ પ્રકારનું વિઘ્ન ન આવે તો વહેલી તકે કામગીરી પૂર્ણ થાય તેવા નિર્દેશો મળી રહ્યા છે. જૂનાગઢ શહેરનાં લોકોની રસ્તા સહિતનાં મુદ્દાની સમસ્યાને અક્ષરસઃ વાચા આપનારા સોૈરાષ્ટ્ર ભૂમિ દૈનિકમાં રસ્તાનાં પ્રશ્ને અહેવાલ મુકવામાં આવેલ હતા અને એટલું જ નહી ખરાબ રસ્તાનાં કારણે ધુળની ડમરીઓ ઉડે છે અને જેને લઈને લોકો ત્રાસી છુટયા છે ત્યારે મનપા તંત્ર પાસે તાત્કાલીક કામગીરીની અપેક્ષા રાખવામાં આવી હતી. આ ઉપરાંત લોકોએ ફરિયાદો, રજૂઆતો અને રસ્તા ઉપર ઉતરી જવા સહિતનાં કાર્યક્રમો પણ યોજીયા હતા. રસ્તાનાં મુદ્દે મહાનગરપાલિકાનાં સ્ટેન્ડીંગ કમિટિનાં ચેરમેન હરેશભાઈ પરસાણાએ પણ જૂનાગઢ શહેરનાં રસ્તાઓ અંગે મનપા તંત્ર પણ કઈક કામગીરી કરવા માટેની તૈયારી દર્શાવી છે અને તાત્કાલીક કામગીરી કરવામાં આવશે તેવું નિવેદન પણ આપ્યું હતું. દરમ્યાન વરાપ જેવું વાતાવરણ અને વરસાદ રહી જતા ગઈકાલે રાત્રીનાં અક્ષરવાડી થી સરદાર પટેલની પ્રતિમા સુધીનાં રસ્તાની બે દિવસથી સફાઈ ચાલી રહી હતી અને ત્યારબાદ ગઈકાલે આ રસ્તાને પેવર ડામરથી મઢવાની કામગીરીનો શુભ આરંભ કરવામાં આવેલ છે. આ તકે શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, મહાનગપરપાલિકાનાં મેયર ગીતાબેન પરમાર, મોહનભાઈ પરમાર તેમજ સ્ટેન્ડીંગ કમિટિનાં ચેરમેન હરેશભાઈ પરસાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અક્ષર વાડીથી રસ્તાને ડામરથી મઢવાની કામગીરી શરૂ થઈ છે ત્યારે આ કામગીરી ઝડપભેર અને વહેલી તકે પૂર્ણ થાય તેવી લોકો આશા રાખી રહ્યા છે.

error: Content is protected !!