સમર્પિત વ્યકિતત્વ – રતુભાઈ અદાણી

0

રતુભાઇ અદાણીએ ગાંધીજીની હાકલ સાંભળીને માત્ર ૧૬ વર્ષની તરૂણ વયે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવ્યું. અનેક સંઘર્ષો વેઠ્‌યા, અનેક યાતનાઓ સહન કરી, અંગ્રેજાેની કષ્ટદાયક જેલોમાં જેલવાસ કર્યો અને સત્યાગ્રહની તહકુબી દરમ્યાન ગાંધીજીનો સંદેશ ઝીલીને ગામડાંઓમાં ધરબાઇ જઈને લોકજાગૃતિ અને લોકશિક્ષણનો યજ્ઞ માંડયો. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટેના આઝાદીના આખરી સંગ્રામમાં ક્રાંતિદળની રચના કરીને ક્રાંતિકારી કાર્યક્રમો હાથ ધર્યા તથા આરઝી હકૂમતના સરસેનાપતિ તરીકે તેઓએ જૂનાગઢને પાકિસ્તાનમાં ભળી જતું અટકાવવા માટે જીવ સટોસટનાં શૌર્યપૂર્ણ સાહસો ખેલ્યાં. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી જાહેર જીવનમાં ઝંપલાવીને પ્રજાના જાગૃત પ્રતિનિધિ તરીકે રતુભાઇએ સૌરાષ્ટ્ર રાજ્ય, બૃહદ મુંબઇ રાજ્ય અને ગુજરાત રાજ્ય એમ ત્રણ-ત્રણ રાજ્યોનાં મંત્રી મંડળમાં મહત્વનાં ખાતાંઓની જવાબદારી સંભાળી, અનેક શકવર્તી ર્નિણયો લઇને આ રાજયોની રચના, વિકાસ અને ભાવી આયોજનમાં અપ્રતિમ યોગદાન આપીને આદરભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. રતુભાઇના જીવનપ્રવાહમાં જાહેર જીવનની સાથે સાથે રચનાત્મક પ્રવૃત્તિ સમાંતર રીતે વહેતી રહી. રચનાત્મક પ્રવૃત્તિ તરફના એમના વિધેયક અભિગમના પરિણામે અનેક સેવા સંસ્થાઓનું સંસ્થાપન થયું અને એનો વિકાસ થયો. ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, ગૌસેવા, નશાબંધી, કુટિર ઉદ્યોગો, કૃષિ, સાહિત્ય અને આરોગ્ય જેવાં અનેક ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું. એમનાં સમર્થ નેતૃત્વ હેઠળ અનેક સંસ્થાઓએ રચનાત્મક ક્ષેત્રે આગવી ઓળખ સ્થાપિત કરી છે. સમાજના દરેક સ્તરના લોકોને એનો લાભ આજે પણ મળી રહ્યો છે. આમ રચનાત્મક પ્રવૃત્તિ એ એમનું મૂળ પોત અને સ્થાયી ભાવ ! સ્વાતંત્ર્ય સંગ્રામ, આરઝી હકૂમત તથા રચનાત્મક ક્ષેત્રનાં એમનાં સંસ્મરણો એમની કલમે આલેખાયાં છે. સમાજમાં વ્યાપેલા કુરિવાજાે, અંધશ્રધ્ધા તથા અન્ય દૂષણો પ્રત્યે આકરા પ્રહારો કરીને એમણે જાગૃતિ કેળવવાના પ્રયાસો કર્યા છે. તેઓની સિધ્ધહસ્ત કલમ દ્વારા સત્યાગ્રહ સંગ્રામ તથા આરઝી હકૂમતનાં સંસ્મરણો ‘સત્યાગ્રહનાં સમરાંગણમાં ભાગ-૧ અને ૨’ તથા ‘આઝાદીના આખરી સંગ્રામમાં’ તેમજ ‘સોરઠની લોકક્રાંતિનાં વહેણ અને વમળ ભાગ-૧ અને ૨’ નામના ગ્રંથોમાં આલેખાયાં છે. તત્કાલિન સમાજજીવન, ગાંધીજીનો પ્રભાવ, દેશભકિત, રાષ્ટ્રપ્રેમનો જુવાળ, સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટે ફનાગીરીની ભાવના વિગેરે આ ગ્રંથોમાં સુપેરે આલેખવામાં આવેલ છે. આમ એક સિધ્ધહસ્ત લેખક તરીકે પણ તેઓએ આગવી સિધ્ધી હાંસલ કરી હતી. રતુભાઇ અદાણી પોતાનું સમગ્ર જીવન ગુજરાત અને ગુજરાતની પ્રજાના સર્વાંગી વિકાસ માટે સમર્પિત કરી, અકિંચનપણે છતાં ખૂમારીપૂર્વક અને અનાસક્ત ભાવે એમનું જીવનકાર્ય પૂર્ણ કરીને તા.૫-૯-૧૯૯૭ના રોજ અનંતમાં વિલિન થઇ ગયા. આજે એમની ૨૫મી પૂણ્યતિથિ પ્રસંગે એમનું પૂણ્ય સ્મરણ અનેક લોકો માટે પ્રેરણાદાયી બની રહેશે. એમના જેવા અનેક અગ્રણીઓએ ગુજરાતના વિકાસ માટે અનન્ય યોગદાન આપ્યું છે એનો ઋણ સ્વીકાર કરી એમનાં સેવા કાર્યોને ગૌરવાન્વિત કરવાની આપણી ફરજ છે.

error: Content is protected !!