જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં હવે દર્દીઓને એન્ડોસ્કોપીની સારવાર મળશે

0

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. આ દર્દીઓને પુરતી સારવાર મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવે છે. ત્યારે દર્દીઓને સારવારમાં વધારો કરવામાં આવ્યો છે અને હવે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં એન્ડોસ્કોપીની સારવાર વિનામૂલ્યે મળશે. જેથી દર્દીઓને હવે રાજકોટ, અમદાવાદ જવાના ધક્કામાંથી મુક્તિ મળશે. જૂનાગઢ જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ એન્ડ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. નયનાબેન લકુમ એ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ ખાતે અનેક પ્રકારની સારવાર સાથે સુવિધા ઉપલબ્ધ છે. જેમાં હવે સિવિલમાં દર્દીઓને એન્ડોસ્કોપીની સારવાર મળશે. આ મશીન દ્વારા લોકોના પેટની તકલીફ જેવી કે અન્નનળી, આંતરડા, લિવર, પિતાશય, સ્વાદ પિંડુ, આંતરડાંમાં ચાંદા, કેન્સર જેવા રોગની તપાસ કરવામાં આવશે. આવી તપાસો ખાનગી હોસ્પિટલમાં અંદાજિત રૂપિયા ૩૦૦૦ થી ૫૦૦૦ સુધીમાં થાય છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે કરી દેવામાં આવશે. જાે આવા પ્રકારની કોઈપણ વ્યક્તિને તકલીફ હોય તો જૂનાગઢ જીએમઇઆરએસ મેડિકલ કોલેજના હોસ્પિટલ વિભાગમાં બીજા માળે, સર્જીકલ ઓપીડીના રૂમ નંબર-૨૧૩ માં સર્જનનો સંપર્ક સાધવા અંતે જણાવ્યું હતું. સામાન્ય રીતે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી અને રાજકોટ જિલ્લામાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. ત્યારે હવે સિવિલમાં એન્ડોસ્કોપીની સારવાર પણ ઉપલબ્ધ થતા દર્દીઓને રાજકોટ, અમદાવાદ સહિતના મોટા શહેરના ધક્કામાંથી મુક્તિ મળશે અને સિવિલમાં જ વિનામૂલ્યે એન્ડોસ્કોપીની સારવાર મળી રહેશે.

error: Content is protected !!