જૂનાગઢમાં દુકાનનાં બોર્ડ મામલે વેપારી યુવાનને બે શખ્સોએ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જૂનાગઢ એ ડીવીઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, આ કામનાં આરોપીઓ સાહીલ કમરૂદીન મલેક(રહે.જુલાઈવાડા) અને સાહીલ જુબેરભાઈ હમદાન(રહે.મેમણવાડા)એ ફરિયાદી મયુરભાઈ રમણીકભાઈ પાઘડાર(રહે.અંબીકા ચોક)ની મોર્ડન ચોકમાં મનહર ભેળ નામની દુકાને જઈ અને કહેલ કે, અમારી દુકાનનું બોર્ડ શું કામે ઉતરાવેલ છે અને દુકાન શું કામે ખાલી કરાવેલ છે ? એવી બોલાચાલી કરી મયુરભાઈને લાકડી તથા ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં પોલીસે બંને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.
જૂનાગઢનાં ચોબારી રોડ ઉપર બે બાઈકની ટક્કર, બેને ઈજા
જૂનાગઢનાં ચોબારી રોડ ઉપર બે બાઈકની ટક્કર થતા બે વ્યકિતને ઈજા પહોંચી હતી. જૂનાગઢ બી ડીવીઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, હોન્ડા એકટીવા સ્કુટર નંબર જીજે-૧૧-સીવી-૬૮ર૦નાં ચાલકે ચોબારી રોડ, વેણુ રેસીડેન્સીની સામે પોતાનાં હવાલાનું સ્કુટર બેફીકારઈ અને ગફલતભરી રીતે ચલાવી બજાજ પ્લેટીના બાઈક નંબર જીજે-૧૧-એનએન-૮૯ર૯ને હડફેટે લઈ અકસ્માત સર્જતા ફરિયાદી હરસુખભાઈ ભીખાભાઈ જેઠવા સહિત બેને ઈજા પહોંચી હતી. આ બનાવમાં પોલીસે સ્કુટરચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ચોરવાડ બંદર રોડ ઉપર છકડો રીક્ષાની હડફેટે બાઈકચાલકને ગંભીર ઈજા
ચોરવાડ બંદર રોડ ઉપર કેનાલ પાસે છકડો રીક્ષા નંબર જીજે-૧૧-ડબ્લ્યુ-૯પ૩૩નાં ચાલકે અકસ્માત સર્જતા બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, ફરિયાદી ભીખાભાઈ રણમલભાઈ વાઢેર પોતાનું બાઈક નંબર જીજે-૧૧-ડીએસ-૩૧૭૩ને લઈ ચોરવાડ ઝુંડનાં મેળામાંથી પરત પોતાનાં ગામ ચોરવાડ આવતા હતા ત્યારે બંદર રોડ કેનાલ પાસે છકડો રીક્ષા નંબર જીજે-૧૧-ડબ્લ્યુ-૯પ૩૩નાં ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેદરકારીથી ચલાવી બાઈકને ઠોકર મારી દેતા ભીખાભાઈને કમર, છાતી અને વાંસાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. પોલીસે છકડો રીક્ષા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.
માખીયાળામાં અગાઉનાં મનદુઃખે માર માર્યો
જૂનાગઢ તાલુકાનાં માખીયાળા ગામે રહેતા હિતેશભાઈ વલ્લભભાઈ ગજેરા(ઉ.વ.૪૬)ને આરોપી જીગ્નેશભાઈ કાંતીભાઈ ગજેરા સાથે અગાઉનું મનદુઃખ થયેલ તે બાબતે તથા ગટરલાઈન કનેકશન અપાવેલ ન હોય જે અંગે કહેતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ હિતેશભાઈને ગાળો બોલી, ઝપાઝપી કરી, લાકડીથી હુમલો કરી, જમણા હાથનાં અગુંઠામાં ઈજા પહોંચાડી હતી. આ બનાવમાં તાલુકા પોલીસે ફરિયાદ નોંધી હતી.
માણાવદરનાં સણોસરાની સીમમાં ખેતરમાં જુગાર રમતા ૬ ઝડપાયા
માણાવદરનાં સણોસરા ગામે દગડીયા ખુણા વાળી સીમમાં આવેલ વ્રજલાલભાઈ મોહનભાઈ નાંદપરાનાં ખેતરમાં જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે પોલીસે આ સ્થળે રેડ કરી જાહેરમાં જુગાર રમતા સણોસરાનાં ચંદ્રકાંતભાઈ રવજીભાઈ આરદેસણા, જીલાણાનાં સીરીષભાઈ પરસોતમભાઈ મેંદપરા, સણોસરાનાં પ્રકાશભાઈ આંબાવીભાઈ કોરડીયા, માણાવદરનાં યોગેશભાઈ રમણીકભાઈ પરસાણીયા, ચંદ્રેશભાઈ વલ્લભભાઈ વિરોજા અને આશીષભાઈ અમૃતલાલ અગ્રાવતને ઝડપી લઈ સ્થળ ઉપરથી રોકડ અને બે મોબાઈલ સહિત કુલ રૂા.૪ર,૮૬૦નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરૂધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
કુકસવાડામાં મોટર ચાલુ કરવા મુદ્દે સસરાએ પુત્રવધુને ઢીકાપાટુથી ઢીબી નાખી
માળીયા હાટીના તાલુકાનાં કુકસવાડા, ધોરીવાવ વિસ્તારની આ ઘટનામાં આરોપી રામજીભાઈ કરશનભાઈ ભાદરકાએ ફરિયાદી ભારતીબેન રમેશભાઈ ભાદરકા(ઉ.વ.૩પ)ને ખેતરમાં પાણીની મોટર ચાલું કરવા બાબતે તેની સાથે બોલાચાલી કરી જેમ ફાવે તેમ બિભત્સ ગાળો બોલી અને શરીરે આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ બનાવમાં પોલીસે રામજીભાઈ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.