માંગરોળ, કુકસવાડા, ચોરવાડનાં યુવાનોએ સારસંભાળ લઈ ર૭ પશુઓને સાજા કર્યા

0

લમ્પી વાયરસે કહેર વર્તાવ્યો છે. આ રોગની ઝપટે ચઢતા અનેક પશુઓ દરરોજ તડપીને દમ તોડી રહ્યા છે. ત્યારે માંગરોળ, કુકસવાડા અને ચોરવાડના યુવાનોની ટીમે રોગગ્રસ્ત ગૌવંશોને માર્કેટિંગ યાર્ડ ખાતે રાખી તેઓને બચાવવા શક્ય એવી માવજત, સારસંભાળ લઈ છેલ્લા સાત દિવસમાં ૨૭ પશુઓને સાજા કર્યા છે. ગાય, વાછરડા, બળદમાં જાેવા મળતા લમ્પી વાયરસને લીધે પશુપાલકો કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે. તાલુકામાં પશુઓની સારવાર માટે ૪ એમ્બ્યુલન્સ(૧૯૬૨) ફરી રહી છે. આ ઉપરાંત જૂનાગઢ યુનિ.ની એક ટીમ પણ ગ્રામ્ય પંથક કવર કરી રહી છે. તેમ છતાં અહીના પશુ દવાખાનામાં લમ્પી વાયરસના લક્ષણો ધરાવતા દરરોજ આઠથી દસ કેસો આવી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે રસ્તે રઝળતા અને રોગમાં પટકાયેલા ગાય, વાછરડા, ધણખુંટ સહિતના ગૌવંશને સાચવવા અને સારવાર માટે થોડો સમય જગ્યા આપવા યુવાનોએ માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારો પાસે માંગ કરી હતી. હોદેદારોએ પણ માનવતા દાખવી કંપાઉન્ડની જગ્યાની વ્યવસ્થા કરી આપી હતી. ત્યારબાદ હાલ તાવ, પગ અને ગળામાં સોજા, લિવર, કિડનીમાં ઈન્ફેક્શન તેમજ શરીરે ફોડલા જેવા લક્ષણો ધરાવતા ૪૫થી વધુ ગાય, વાછરડા સહિતના ગૌવંશના ૧૦૦ પશુઓને અહીં રાખવામાં આવ્યા છે. યુવાનોએ આ રોગગ્રસ્ત જીવોને માત્ર સાચવ્યા જ નથી, પરંતુ તેઓની દિલથી સારસંભાળ રાખી રહ્યા છે. અહીં રાખવામાં આવેલા ગૌવંશોને કપુર અને ફટકડીના પાણીથી દરરોજ નવડાવવામાં આવે છે. પશુઓમાં રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે દસ ઔષધીમાંથી બનતો આયુર્વેદિક ઉકાળો પીવડાવવામાં આવે છે. આ ઉપરાંત શ્વાસોશ્વાસમાં તકલીફ ઓછી પડે તે માટે દરેકને નાકમાં અજમા અને કપુરની ધુમાડી આપવામાં આવે છે. યુવાનોની જહેમત વચ્ચે વેટરનરી ઓફીસર ડો. ડાભી તથા પશુધન નિરિક્ષક પણ દરરોજ બિમાર પશુઓની તપાસ અર્થે આવે છે. આટલી માવજત બાદ છેલ્લા સાતેક દિવસમાં ૨૭ ગૌવંશ રોગમુક્ત થયા છે. તો ૮ના મોત થયા છે. આજે માણસને માણસ માટે સમય નથી ત્યારે યુવાનોની ગાયો, ગૌવંશ માટેની સેવા કાબિલેદાદ છે.

error: Content is protected !!