દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાની અવિરત સવારી : ખંભાળિયામાં દોઢ ઈંચ વરસાદ

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સપ્તાહથી મેઘરાજાનો મુકામ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ નિયમીત રીતે મેઘરાજા તેમનું હળવું વ્હાલ વરસાવે છે. ખંભાળિયા પંથકમાં ગઈકાલે સોમવારે રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે હળવા ઝાપટા રૂપે ૬ મિલિમિટર પાણી પડી ગયું હતું. આ ઉપરાંત આજે સવારથી છવાયેલા ઘટાટોપ વરસાદી વાતાવરણ વચ્ચે સાડા આઠેક વાગ્યાથી શરૂ થયેલો વરસાદ સતત એકાદ કલાક સુધી વરસ્યો હતો અને વધુ દોઢ ઈંચ ૩૬ મી.મી. પાણી વરસાવી દીધું હતું. છેલ્લા ૧૨ કલાકના સમયગાળામાં ૪૨ મિલીમીટર સાથે ખંભાળિયા તાલુકાનો મોસમનો કુલ વરસાદ સાડા ૫૦ ઈંચ(૧૨૬૦ મિલીમીટર) થવા પામ્યો છે. આ ઉપરાંત ભાણવડ પંથકમાં પણ ગતરાત્રિના ૨૭ મિલીમીટર વરસાદ બાદ આજે સવારે પણ વધુ ૧૨ મિલીમીટર પાણી પડી ગયું છે. ભાણવડ તાલુકાનો મોસમનો કુલ વરસાદ ૬૨૮ મિલીમીટર થવા પામ્યો છે. કલ્યાણપુર તાલુકામાં રાત્રે ૯ મિલીમીટર તથા આજે સવારે વધુ ૧૪ મિલીમીટર મળી કુલ ૨૩ મિલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે દ્વારકા પંથકમાં આજે સવાર સુધી ૯ મિલીમીટર પાણી વરસી ગયું છે. સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૫૧ ટકા અને અને સૌથી ઓછો ભાણવડ તાલુકામાં ૮૫ ટકા સાથે જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ ૧૧૯.૩૪ ટકા થયો છે.

error: Content is protected !!