જૂનાગઢ તાલુકા હેલ્થ ઓફીસર ગિરિશભાઈ કુવારજીભાઈ ચાવડા(ઉ.વ.પ૦)એ ગાંધીગ્રામ, ઈવનગર રોડ, આર્શીવાદ ટેનામેન્ટ, બ્લોક નં.૬માં રહેતા દેવેન્દ્રભાઈ પ્રેમશંકરભાઈ પંડયા(ઉ.વ.પ૦) સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપીએ ગેરકાયદેસર રીતે કોઈ ડીગ્રી ન હોવા છતાં પોતાની ઓળખ ડોકટર તરીકે આપી, બોગસ દવાખાનું ચલાવી અને તપાસ દરમ્યાન તેનાં દવાખાનામાંથી દવાઓ, ઈન્જેકશનનો જથ્થો રૂા.૬૩૪૬.રપનો ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ : અપમૃત્યુંનાં બનાવો
જૂનાગઢ તાલુકાનાં તલીયાધર ગામે રહેતા હિનાબેન જગમાલભાઈ વાઘેલા(ઉ.વ.ર૦) નદીનાં પુલ ઉપર કપડા ધોવા જતા અને કપડુ પાણીમાં પડી જતા તે લેવા જતા પગ લપસી જવાનાં કારણે પાણીમાં પડી જતા ડુબી જવાનાં કારણે તેનું મૃત્યું થયું છે. જયારે અન્ય એક બનાવમાં મેંદરડા તાલુકાનાં નતાડીયા ગામનાં રણછોડભાઈ અરજણભાઈ ડારવડીયા(ઉ.વ.પપ) પોતાની વાડીએ અડદનું વાવેતર કરેલ તેમાં આંટો મારતા હતા તે દરમ્યાન સર્પદંશ થતા તેમનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે. આ ઉપરાંત માણાવદર તાલુકાનાં બામણાસા ગામનાં સાગરભાઈ કાંતીભાઈ ડાભી(ઉ.વ.૧૭)એ કોઈપણ કારણસર ઝેરી દવા પીતા તેનું મૃત્યું થયું છે.
માળીયા તાલુકાનાં ખેરા ગામે વાડી વિસ્તારમાં ઈલેકટ્રીક શોર્ટ લાગતા મૃત્યું
ચોરવાડ પોલીસે વિગત આપેલ અનુસાર, માળીયા તાલુકાનાં ખેરા ગામે શિવ મંદિરની બાજુમાં આવેલ સાડીકાપા વાડી વિસ્તારમાં બનેલા એક બનાવમાં નિલેશભાઈ કાનાભાઈ ચુડાસમા(ઉ.વ.૩પ) અને રાજેશભાઈ દેવશીભાઈ ચુડાસમા(ઉ.વ.ર૧) પોતાનાં ખેતરે પાણીનો કુંડો ભરવા ગયેલ અને ઈલેકટ્રીક મોટર ચાલું કરવા જતા અકસ્માતે ઈલેકટ્રીક શોર્ટ લાગતા તેઓનું મૃત્યું થયું છે. આ બનાવને પગલે અરેરાટીની લાગણી વ્યાપી ગઈ છે.
કેશોદમાં મારામારી : ૪ સામે ફરિયાદ
કેશોદ પાતાળ કુવાની બાજુમાં બડોદર-ફાગળી રોડ ઉપર રહેતા લખુભાઈ મુળુભાઈ ગોઢાણીયા(ઉ.વ.૬પ)એ રૂડાભાઈ રબારી, બાલાભાઈ રબારી, જીણકાભાઈ કોળી અને એક અજાણ્યા માણસ વિરૂધ્ધ એવી ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી પોતાનાં ઘરે સુતા હતા ત્યારે આરોપીઓ તેનાં ઘરની ડેલી ખખડાવતા ફરિયાદી બહાર આવેલ અને આરોપીઓએ કહેલ કે, તારો દીકરો વિરમ કયાં છે ? જેથી ફરિયાદીએ કહેલ કે, મારો દીકરો ઘરે આવેલ નથી. તેમ કહેતા આરોપીઓએ લોખંડનો પાઈપ વડે હુમલો કરેલ તેમજ ઢીકાપાટુનો માર મારેલ અને ફરિયાદી તથા તેનાં દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિસાવદર તાલુકા કોટડા ગામે છરી વડે હુમલો
વિસાવદર તાલુકાનાં મોટા કોટડા ગામે સીરવાણીયા ગામનાં રસ્તે હુમલાનો બનાવ બનેલ છે. જેમાં ભાવેશભાઈ કલાભાઈ સોલંકીએ ફીરોઝભાઈ હુસેનભાઈ પઠાણ, એભલ ઉર્ફે ઈભો પઠાણ, આદીલ મુન્નાભાઈ પઠાણ વિગેરે સામે એવી ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરિયાદીએ કબીર આશ્રમની વાડીનું ભાગ્યું રાખેલ હોય જે બાબતનું મનદુઃખ રાખી આરોપીઓએ લાકડા હાથા તથા છરી સાથે જઈ હુમલો કરી ઈજા પહોંચાડેલ તેમજ જ્ઞાતી પ્રત્યે હડધુત કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા ભેંસાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભેંસાણનાં મેંદપરા ગામે જુગાર દરોડો, પ ઝડપાયા
ભેંસાણ તાલુકાનાં મેંદપરા ગામે પોલીસે જુગાર અંગે દરોડો પાડતા પાંચ શખ્સોને રૂા.ર,૬૮૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢમાં અગાઉનાં મનદુઃખે હુમલો, બે સામે ફરિયાદ
જૂનાગઢમાં દાતાર રોડ, દાતારબાપુની દરગાહની નજીક રહેતા સાબેદાબેન શેરમહમદભાઈ મકરાણીએ સાજીદખાન અનવરખાન પઠાણ તથા એઝાઝખાન સામે એવી ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપીઓને સાહેદ મોહસીન સાથે જુનું મનદુઃખ હોય જે વાતનું મનદુઃખ રાખી સાહેદ રૂકસાનબેન ઉર્ફે હંસાનાં ઘરે કુહાડી તથા છરી લઈને ગયેલ અને ફરિયાદીને બિભત્સ શબ્દો કહી, ડેલીમાં કુહાડીનાં ઘા મારી, નુકશાન કરી અને મોહસીનનાં નામની મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.