રાજકોટ ખાતે વિવિધ સ્થળોએ ગુજરાતની શાન સમાન ગીરના ‘સાવજ’ની મુખાકૃતિ(લાઈવ મેસ્કોટ) નેશનલ ગેમ્સ-૨૦૨૨માં ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે

0

કોઈપણ ગેમ્સમાં તેના મેસ્કોટનું ખાસ મહત્વ હોય છે. મેસ્કોટ એક સિમ્બોલ છે જે સમગ્ર રમત-ગમતના આયોજન, ભૌગોલિકતા, સંસ્કૃતિને રિપ્રેઝન્ટ કરે છે. નેશનલ ગેમ્સ ગુજરાત ખાતે યોજાનાર હોય મેસ્કોટની ડિઝાઇનમાં ગુજરાતની ઓળખ અને શાન સમાન ગીરના સિંહ એટલે કે સાવજની મુખાકૃતિને રજુ કરવામાં આવી છે. રાજકોટ સ્પોર્ટ્‌સ વિકાસ અધિકારી રમા મદ્રાએ રાજકોટ ખાતે આવી પહોંચેલા મેસ્કોટ કટાઉટ્‌સ અંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આયોજિત ૩૬મી નેશનલ ગેમ્સનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ૩૬મી નેશનલ ગેમ્સના મેસ્કોટ અને એન્થમનું લોન્ચિંગ કર્યું હતું. આપણે સૌ જાણીએ છીએ કે સાવજ તેના વિશિષ્ઠ ગુણો માટે જંગલનો રાજા કહેવાય છે. તે આત્મવિશ્વાસ અને શક્તિનું પ્રતીક છે. ખેલાડીઓમાં પણ આત્મવિશ્વાસ, ઉત્સાહ, પ્રેરણાની મજબૂત ભાવના, જીતવાની પ્રબળ ઇચ્છાશક્તિ, ધ્યાન, સહજ નેતૃત્વશક્તિ અને સંકલ્પબળ જેવા ગુણોને પ્રેરકબળ મળે તે માટે મેસ્કોટના રૂપમાં સાવજ અંકિત કરવામાં આવ્યો છે. રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાનારા અવેરનેસ કેમ્પેઇન અંતર્ગત લાઈવ મેસ્કોટ પણ રજુ કરવામાં આવશે. તેમજ નેશનલ ગેમ્સ સ્પર્ધા દરમ્યાન પણ શહેરમાં હોર્ડિંગ્સ બેનરમાં મેસ્કોટ કટાઉટ્‌સ તેમજ લાઈવ મેસ્કોટ ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે તેમ રમા મદ્રાએ માહિતી આપતા જણાવ્યું હતું.

error: Content is protected !!