હાલ રાજ્યભરમાં વિવિધ કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓ સાથે સરકાર સમક્ષ રજૂઆત કરવા આવેદનપત્ર અપાઈ રહ્યા છે. અનેક યુનિયન હડતાળ કરી રહ્યા છે. ત્યારે હોમગાર્ડ દળમાં ફરજ બજાવતા જવાનોએ પણ વિવિધ માંગણીઓ સાથે કેશોદ મામલતદાર અને ડે. કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, હાલમાં હોમગાર્ડ દળના જવાનોને દૈનિક ૩૦૪ રૂપીયા માનદ વેતન આપવામાં આવે છે અને હોમગાર્ડ જવાન એક માસમાં ફક્ત ૨૭ દિવસ ફરજ કરી શકે છે એટલે હોમગાર્ડ જવાનોને તેમની હાજરી મુજબ દર માસ ૮૨૦૪ માનદ વેતન ચુકવવામાં આવે છે. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં હોમગાર્ડ જવાનોને દૈનિક ૫૦૦ થી ૮૦૦ રૂપિયા માનદ વેતન આપવામાં આવે છે. કેટલાક રાજ્યોમાં હોમગાર્ડ જવાનોને ફિક્સ વેતનનો તો કેટલાક રાજ્યોમાં કાયમી કર્મચારી તરીકે લાભ આપવામાં આવે છે. અન્ય રાજ્યની જેમ લાભ આપવામાં આવે, માનદ વેતનમાં વધારો કરવામાં આવે, નિવૃતી વય મર્યાદા વધારવામાં આવે, જમવાનું ભથ્થું વધારવામાં આવે સહિતની માંગણીઓ સાથે કેશોદમાં ફરજ બજાવતા હોમગાર્ડ દળ દ્વારા ડે. કલેકટર અને મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. કેશોદમાં હોમગાર્ડ દળમાં પચ્ચાસ જેટલા જવાનો ફરજ બજાવે છે. જેમણે વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે ત્યારે તેમની રજૂઆત બાબતે ગુજરાત સરકાર દ્વારા માંગણીઓ સ્વીકારાશે કે કેમ તે જાેવાનું રહ્યું.