જૂનાગઢનાં અગ્રણી કેળવણીકાર અને ડો. સુભાષ એકેડમી સંસ્થાનાં આધ્યસ્થાપક શ્રી પેથલજીભાઈ ચાવડાએ શિક્ષણ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જી અને તેમની દીર્ઘદ્રષ્ટાને કારણે અનેક સંસ્થાઓ ડો. સુભાષ એકેડમીનાં કવરનેમ હેઠળ વટવૃક્ષ બની છે અને ડો. સુભાષ એકેડમીની ખ્યાતી સોૈરાષ્ટ્ર-ગુજરાતનાં સમીડાઓ વટાવી ચુકી છે અને અનેક ક્ષેત્રનાં મહાનુભાવો, બ્યુરોકેટસ તેમજ વિવિધ ક્ષેત્રનાં રાજકીય મહાનુભાવો, સંતો તેમજ સોૈ કોઈ જયારે શિક્ષણ ક્ષેત્રની આ વિકાસ યાત્રાને નજરે નિહાળી અને એજયુકેશન ક્ષેત્રમાં જે વિકાસની હરણફાળ મુજબુત મનોબળથી સર્જી શકયા છે તેવા પૂજય બાપુજી એટલે સ્વ. શ્રી પેથલજીભાઈ ચાવડાએ એક સ્વપ્ન સેવ્યું હતું કે, પોતાની સંસ્થા એક યુનિવર્સિટી બને અને એ સ્વપ્નને સાકાર કરવા માટે શ્રી પેથલજીભાઈ ચાવડાનાં પુત્ર તેમજ સુભાષ એકેડમી પરિવારનાં વડા અને રાજયનાં પૂર્વ મંત્રીશ્રી અને ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ અથાગ મહેનત અને પ્રયાસો થકી આ સ્વપ્ન પૂર્ણ કરવાની દિશામાં ભગીરથ કાર્ય કરેલ છે અને સરકારશ્રી દ્વારા જે જૂનાગઢને બે યુનિવર્સિટીનો દરજ્જાે આપવામાં આવ્યો છે તેમાં ડો. સુભાષ એકેડમીને પણ યુનિવર્સિટીનો દરજ્જાે મળ્યો છે અને આ દરજ્જાે મળ્યા બાદ હવે જૂનાગઢ શહેરને આંતરરાષ્ટ્રીય કક્ષાનું એક અદ્યતન કેમ્પસની ભેટ આપવામાં માટે શ્રી જવાહરભાઈ ચાવડા કટીબધ્ધ બન્યા છે. તેઓને એક ખાસીયત રહી છે કે, જે કોઈ કાર્ય કરવું તે સંપૂર્ણ, સર્વશ્રેષ્ઠ અને સર્વોતમ આ તેમની દીર્ઘદ્રષ્ટા રહી છે અને જેનાં ભાગરૂપે આગામી સમયમાં જૂનાગઢ શહેરને પણ સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટીની ભેટ મળશે તે માટેનાં ભગીરથ પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. ડો. સુભાષ એકેડમી સંસ્થાનાં સ્થાપક અને અગ્રણી કેળવણીકાર શ્રી પેથલજીભાઈ ચાવડાનાં ૯૩માં જન્મદિન પ્રસંગે સંસ્થાનાં વડા જવાહરભાઈ ચાવડાએ યુનિવર્સિટીનાં નિર્માણ કાર્ય અંગેની વિસ્તૃત વિગતો સાથે ઉચ્ચશિક્ષણ માટેની વિશિષ્ટ જાહેરાત કરવામાં આવતા ડો. સુભાષ રંગભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો, કેળવણીકારો અને સોૈ કોઈએ તેમની આ વાતને હર્ષથી વધાવી લીધી હતી અને તાળીયોનાં ગડગડા સાથે વધામણા કરવામાં આવ્યા હતા. જૂનાગઢમાં ૧રપ એકરમાં રૂા.૪૦૦ કરોડના ખર્ચે વર્લ્ડ ક્લાસ ડો. સુભાષ યુનિવર્સિટી ભવનનું નિર્માણ કરાશે તેમ સંસ્થાના પ્રમુખ અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાએ સંસ્થાના આદ્યસ્થાપક પેથલજીભાઈ ચાવડાના ૯૩માં જન્મ જયંતિ મહોત્સવ કાર્યક્રમમાં જાહેરાત કરી હતી. સૌરાષ્ટ્ર-કચ્છની નામાંકિત ડો. સુભાષ એકેડમીના રંગભવન ખાતે જૂનાગઢ જિલ્લા કલેકટર રચિત રાજના અધ્યક્ષ સ્થાને જન્મ જયંતી મહોત્સવ તથા ડો. સુભાષ આર્ય કન્યા છાત્રાલયના સ્થાપના દિનની ઉજવણી કાર્યક્રમમાં સવારે રક્તદાન કેમ્પ યોજાયો હતો. સાંજે યોજાયેલ દ્વિતીય સેશનમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરાયું હતું. કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના પ્રમુખ જવાહરભાઈ ચાવડાએ જણાવ્યું કે, વર્ષમાં સંસ્થામાં ત્રણ કાર્યક્રમો યોજાય છે પણ દરેકનો હેતુ અલગ હોય છે. સંસ્થાના સ્થાપક અને મારા પિતા પેથલજીભાઈનું સ્વપ્ન હતું કે આ સંસ્થા યુનિવર્સિટી બને અને તેનો લાભ ગુજરાતના જ નહી દેશના વિદ્યાર્થીઓને મળે. આ સ્વપ્નને સાકાર કરવા માટે જવાહરભાઈ ચાવડાએ જાહેરાત કરેલ કે જૂનાગઢમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની યુનિ.ના કેમ્પસનું નિર્માણ કરાશે. તેમણે ઉમેર્યુ કે, આ યુનિ.ભવન(કેમ્પસ) ૧રપ એકર કરતા વધારે જગ્યામાં અંદાજે રૂા.૪૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામશે. તેમાં રપ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તેટલી ક્ષમતાવાળુ હશે અને બે તબક્કામાં નિર્માણ કરાશે. આ અદ્યતન ભવન(કેમ્પસ)ની ડિઝાઈન જાણીતા આર્કિટેક્ટ કે જે પદ્મભૂષણથી સન્માનીત છે તેબી.વી. દોશી તેમની સાથે જર્મનીના પ્રિન્સીપાલ આર્કિટેક્ટ સોનેક હૂફ તથા કુશનું પંથકી હૂફ દ્વારા તૈયાર કરાશે. ચાવડાએ ઉમેર્યુ કે, ભારતમાં ઉચ્ચ અભ્યાસ માટે રાષ્ટ્રીય કક્ષાની આઈ.આઈ.ટી. અને આઈ.આઈ.એમ. જેવી આધુનિક અને સુવિધાસભર બનાવશે. તેમેણ ઉમેર્યુ કે, તેમાં આંતર રાષ્ટ્રીય કક્ષાના તમામ વિષયોના શૈક્ષણિક ભવનો ૪૦૦ જેટલો સ્ટાફ અને ૧ર૦૦૦ વિદ્યાર્થીઓ રહી શકે તેવી સુવિધા સભર બનાવાશે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાને લઈ આંતર રાષ્ટ્રીય કક્ષાના ઈન્ડોર, આઉટ ડોર સ્પોર્ટસ ફેસિલિટી ઉભી કરાશે. પ્રથમ તબક્કાનું કામ મે ર૦રપ સુધીમાં પૂર્ણ કરાશે. આ સાથે જૂનાગઢમાં ઉચ્ચ શિક્ષણનાં એક નવા યુગની શરૂઆત થશે. આ પ્રસંગે જિલ્લા કલેકટર રચિત રાજએ જણાવ્યું કે, સોરઠની ધરતી હવે સંત, સાવજની નહી જવાહરભાઈ ચાવડાની પણ ગણાશે. પેથલજીભાઈ ચાવડાને સૌરાષ્ટ્રનાં રાજારામ મોહનરાય ગણાવ્યા હતા. પૈસા, પાવર અને શિક્ષણ સાથે વિવેક આવશ્યક છે. આ યુનિ.ને વર્લ્ડ ક્લાસ બનાવેલી છે. તેમણે મીતાબેન ચાવડાની પ્રશંસા કરી હતી. કેમ્પસમાં જીપીએસસી, યુપીએસસી સેન્ટર શરૂ કરવા અનુરોધ કરી સહકારની ખાતરી આપી હતી. આ અવસરે વક્તા શૈલેષભાઈ સગપરીયાએ જણાવ્યું કે, જીવનમાં ગોલ(લક્ષ) નક્કી કરી સમર્પિત બનો. સફળતા જરૂર મળશે. સફળતાની ત્રણ ચાવી છે. વિચાર, સમર્પણ અને સંયમ તેને અનુસરવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન ડો. બલરામ ચાવડાએ કર્યુ હતું.