જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે રાષ્ટ્રીય કક્ષાની દિવેલા સંશોધન અંગેની સમીક્ષા બેઠક ભારત સરકાર દ્વારા નિમાયેલ કયુ.આર.ટી. ટીમ દ્વારા તા.૧૩-૧૪ સપ્ટેમ્બરનાં રોજ યોજાઈ હતી. જેમાં સમગ્ર દેશમાંથી દિવેલા સંશોધન સાથે સંકળાયેલ ૩૦થી વધુ વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા. આ બેઠકના ઉદઘાટન પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ, ડો. વી.પી. ચોવટીયાએ જણાવેલ કે, દિવેલા સંશોધનમાં ગુજરાતનો ખુબ જ મોટો ફાળો છે. દેશ અને દુનિયામાં દિવેલાની પ્રથમ શંકર જાત ગુજરાત રાજય દ્વારા બહાર પાડવામાં આવેલ છે. દિવેલાના શંકરબીજ ઉત્પાદનમાં પણ ગુજરાતનો સિંહફાળો છે. ગુજરાતમાં ઉત્પાદન થયેલ દિવેલાની જુદીજુદી શંકર જાતોનું બિયારણ સમગ્ર ભારતમાં વાવેતર માટે ખુબજ પ્રચલિત છે. કયુ.આર.ટી. ટીમના અધ્યક્ષ ડો. એ.આર. પાઠક દ્વારા જણાવવામાં આવેલ કે, ગુજરાત રાજય દેશ અને દુનિયામાં દિવેલના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાકતામાં પ્રથમ સ્થાન ધરાવે છે અને એ માટે તેઓએ ગુજરાત રાજયનાં દિવેલા સંશોધન સાથે સંકળાયેલ વૈજ્ઞાનિકોને બીરદાવ્યા હતા. આ બેઠક દરમ્યાન દેશનાં જુદા-જુદા રાજયોમાંથી આવેલ વૈજ્ઞાનિકઓ દ્વારા દિવેલા સંશોધનને લગતી છેલ્લા પાંચ વર્ષ(૨૦૧૭-૨૦૨૧)ની માહિતી રજુ કરી હતી. કયુ.આર.ટી. ટીમના અધ્યક્ષ ડો. એ.આર. પાઠક તથા અન્ય સભ્યો ડો. ડી.એમ. હેગડે, હૈદરાબાદ, ડો. વી.કે. બરનવાલ, ન્યુ દિલ્હી, ડો. કે.એલ. ડોબરીયા, જૂનાગઢ, ડો. વી.કે. દેશમુખ, મહારાષ્ટ્ર અને સભ્ય સચિવ ડો. કે. પાલાચામી, હૈદરાબાદ તેમજ દિવેલા સંશોધનનાં રાષ્ટ્રીય કક્ષાનાં વૈજ્ઞાનિક ડો. સી. લાવણ્યા, હૈદરાબાદ દ્વારા દિવેલાનું ઉત્પાદન વધારવા માટે શું શું પગલા લેવા તે અંગે વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરી અને મનોમંથન કરવા જણાવેલ. કયું.આર.ટી. ટીમના સભ્યો તેમજ દેશના જુદા-જુદા રાજયોમાંથી આવેલ વૈજ્ઞાનિકોએ જૂનાગઢ કૃષિ યુનીવર્સીટીના કૃષિ દર્શનાલયની મુલાકાત લીધેલ અને પ્રદર્શીત કરવામાં આવેલ માહિતીથી ખુબ જ પ્રભાવિત થયેલ અને જુ.કૃ.યુ. જૂનાગઢની સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ કામગીરીના વખાણ કરેલ, આ ઉપરાત સંશોધન કેન્દ્રો જેવા કે, તેલીબિયાં સંશોધન કેન્દ્ર, કપાસ સંશોધન કેન્દ્ર અને કઠોળ સંશોધન કેન્દ્રની પણ મુલાકાત લીધેલ અને જુદા-જુદા પાકોના અખતરાઓ તેમજ બીજ ઉત્પાદન પ્લોટોની ગોઠવણ અને જાળવણીનાં ભરપુર વખાણ કરલ તેમજ દિવેલા સંશોધનના પ્રોજેક્ટને આવતા પાંચ વર્ષ સુધી ચાલુ રાખવા ભલામણ કરેલ છે. કાર્યક્રમના અંતમાં સંશોધન વૈજ્ઞાનિક, ડો. આર.બી. માદરીયા દ્વારા દિવેલા સંશોધનની રાષ્ટ્રીય કક્ષાની બે દિવસીય સમીક્ષા બેઠકમાં આભાર વિધિ કરવામાં આવી હતી.