સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની બદલીની નિતીના વિરોધમાં ગુજરાત બેંક વર્કસ યુનિયન દ્વારા દેશવ્યાપી ૨ દિવસીય હડતાળનું એલાન કર્યું છેેે. ત્યારે આ હડતાળના સમર્થનમાં જૂનાગઢ અને ગિર-સોમનાથ જિલ્લાની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ ૧૯ અને ૨૦ સપ્ટેમ્બર (સોમ અને મંગળ)એમ ૨ દિવસ હડતાળ પાડશે. આ અંગે જૂનાગઢ બેંક કર્મચારી યુનિયનના સતિષભાઇ ગગલાણી અને દિલીપભાઇ ટીટીયાએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ બેંક મેનેજમેન્ટ દ્વારા મે મહિનામાં ૪,૩૨૫ કર્મીઓની દ્વિપક્ષીય કરાર અને બેંકોની પોતાની બદલી નિતીનું ઉલ્લંઘન કરી બદલી કરાઇ હતી. બેંક કલાર્ક, પટાવાળા, અન્ય અધિકારીઓ ઉપરાંત પ્રસુતા અને બિમાર મહિલાઓની પણ નિતી વિરૂદ્ધ આડેઘડ રીતે બદલી કરતા બેંક કર્મીઓમાં રોષ વ્યાપ્યો છે. આ મામલે અગાઉ ૨૪ મે ૨૦૨૨ના બેંકે સમાધાન કર્યું હતું પરંતુ સમાધાનના ૪૫ દિવસ બાદ પણ હકારાત્મક ર્નિણય ન લેતા ૧૯ અને ૨૦ સપ્ટેમ્બર(સોમ અને મંગળ)ના હડતાળ પાડવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં ૧,૫૦૦ કર્મીઓ હડતાળમાં જાેડાશે. જ્યારે જૂનાગઢ અને ગિર-સોમનાથ જિલ્લાના ૧૫૦થી વધુ કર્મીઓ ૨ દિવસ હડતાળ પાડશે જેથી ૫૦ કરોડથી વધુનું ટર્નઓવર ઠપ્પ થઇ જશે. જૂનાગઢ, ખલીલપુર, કેશોદ, અરણિયાળા, બિલખા, માંડાવડ, નાની મોણપરી, લીમધ્રા, મોટા કોટડા, શોભાવડલા, ઉના, વેરાવળ વગેરે ગામોમાં ૨ દિવસ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા બંધ રહેશે.