જૂનાગઢનાં લોકપ્રીય ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની અમદાવાદ બદલી

0

જૂનાગઢ પોલીસ બેડામાં અનેક એવોર્ડ મેળવનાર અને પીએસઆઈ તરીકે ભરતી થયા બાદ તેઓની ઉત્કૃષ્ટ કામગીરીને લઈ અને ડીવાયએસપી તરીકે ક્રમશ પ્રમોશન મેળવનાર જૂનાગઢનાં લોકપ્રીય ડીવાયએસપી પ્રદિપસિંહ જી. જાડેજાની અમદાવાદ શહેરમાં બદલી થતાં જૂનાગઢની પ્રજાએ આંચકો અનુભવ્યો હતો. જૂનાગઢ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની કામગીરી કરવાની અલગ જ પ્રકારની કોઠા સુઝ છે. તેઓ કાયદા અને વ્યવસ્થા જાળવવામાં અને અસામાજીક તત્વો સામે વ્યાજખોરો સામે તેમજ લોકોનાં મકાનો મિલ્કતો પચાવી પાડતાં માથાભારે તત્વો સામે કડક કામગીરી હાથ ધરી અને અનેક લોકોને ન્યાય અપાવેલ અને ગરીબોનાં બેલી લોકો ગણે છે. શ્રી જાડેજાએ કોરોનાકાળમાં બિમારી અને અશસકત લોકોને અમદાવાદ રાજકોટ દવાખાને સારવાર માટે આર્થિક રીતે પણ મદદરૂપ થઈ અને ક્ષત્રિય ધર્મભાવનાની સાથે સાથે પોલીસ પ્રજાની મિત્ર છે એ સાર્થક કરી બતાવ્યું છે. જૂનાગઢમાં મહાશિવરાત્રી તેમજ પરીક્રમા સહિતનાં તહેવારોમાં પોતે ભવનાથ પોલીસ સ્ટેશનનાં મેદાનમાં પડાવ નાંખી અને સતત ખેડેપગે રહી અને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત પ્રયત્નશીલ રહેલ હતાં. શ્રી જાડેજાની ડીવાયએસપી કચેરી આખો દિવસ અરજદારોથી ધમધમતી તેઓ ઓફિસ આવે તે પહેલા અરજદારોની લાઈન લાગતી અને પછી વારાફરતી કોઈપણ પ્રકારની ઓળખાણ વગર આવતા અરજદારોને સાંભળી અને સામેની વ્યકિતને તુરંત બોલાવી પ્રશ્ન ઉકેલતા હતાં. તેઓએ ખાસ કરી અને સીધા સાદા લોકોનાં મકાન પચાવી પાડનાર અને ઉંચા વ્યાજ વસુલ કરનાર લોકોને ભોગ બનનારની હાજરીમાં પોલીસની ભાષામાં સમજાવી અને અરજદારને ન્યાય અપાવેલ. તેમજ જનતાને કોઈપણ પતિ-પત્નીની તકરારથી માંડી અન્ય સામાજીક પ્રશ્નો જે વર્ષોથી અલગ રહેતા પતિ-પત્નીને સમજાવી સમાધાનકારી વલણ અપનાવી લોકોને મદદરૂપ થતાં આ લોકપ્રીય પોલીસ અધિકારીએ કોરોનાકાળ બાદ અનેક આર્થિક નબળા વર્ગનાં ગરીબ પરીવારોને પોતાનાં બાળકોની ફી ભરવાનાં રૂપિયા ન હોય અને તેઓનાં બાળકોને અભ્યાસ અર્થે શાળા સંચાલકોને ભલામણ કરી ફીમાં પણ રાહત અપાવેલ હતી. અને અમુક લોકોનાં વિદ્યાર્થીઓની ફી પણ પોતાનાં ખિસ્સામાંથી શ્રી જાડેજાએ ભરેલ અને કોઈપણ જાતની પ્રસિધ્ધિની અપેક્ષા વગર પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર સાર્થક કરનાર ઝાંબાઝ અને લોકપ્રીય ડીવાયએસપી તરીકે જૂનાગઢનાં ઈતિહાસનાં પાને શ્રી પ્રદિપસિંહ જાડેજા કાયમ બની ગયા છે. સાડા ત્રણ વર્ષ જેટલા સમયગાળા દરમ્યાન શ્રી જાડેજાએ અનેક લોકોનાં સામાજીક પ્રશ્નો ઉકેલી ખુબ સારી લોકચાહના મેળવી છે. શ્રી જાડેજા જૂનાગઢ શહેરની જનતા ઉપરાંત તેમનાં ડીવીઝન હેઠળ આવતા પોલીસ સ્ટેશન વિસ્તારનાં પ્રજાજનોએ આંચકો અનુભવ્યો છે. તેમની ઓફિસે જઈ લોકો પોતાની કોઈપણ રજુઆત કરે તે સમસ્યા ચપટીમાં ઉકેલતા આમ તેમની ઓન ધ સ્પોટ કામગીરી કરવાની રીતનાં કારણે અનેક લોકો તેમને તિસરી અદાલતની ઉપમા આપતા હતાં. શ્રી પ્રદિપસિંહ જાડેજાની બદલીનાં સમાચાર મળતા જ ગઈકાલે આખો દિવસ તેઓને બદલીની શુભેચ્છા પાઠવવા અને આભાર વ્યકત કરવા રાજકીય, સામાજીક આગેવાનો, સંસ્થાઓ, હિન્દુ-મુસ્લીમ આગેવાનો તેમજ પ્રિન્ટ અને ઈલેકટ્રોનીક મિડીયાનાં કર્મચારીઓ પણ ડીવાયએસપી કચેરી ખાતે જઈ તેઓનાં પોતાનાં ફરજકાળ દરમ્યાન લોકોનાં પ્રશ્નોને ઉકેલવામાં અને પત્રકાર જગત સાથે સુમેળભર્યા સંબંધો રાખી સૌ સાથે મૈત્રીભાવ અને સરળતાથી વ્યવહાર કરવા બદલ પ્રદિપસિંહ જાડેજાનો આભાર વ્યકત કરેલ હતો. સામાજીક અગ્રણી અમૃતભાઈ દેસાઈએ જણાવેલ કે સામાન્ય પ્રજામાં પોલીસ પ્રજાની મિત્ર એ વાત સાર્થક કરનાર કર્મયોગી પોલીસ અધિકારી શ્રી પ્રદિપસિંહ જાડેજાની જૂનાગઢથી અમદાવાદ ખાતે બદલી થતાં સ્વાભાવિક રીતે સામાન્ય પ્રજાએ આંચકો અનુભ્વયો છે. પરંતુ આ પ્રકારની ફરજમાં બદલી એ એક પ્રક્રિયા છે અને તેનો સ્વીકાર કરવો જ રહયો. પરંતુ તેઓએ જૂનાગઢની પ્રજામાંથી મેળવેલ સ્નેહસભર આર્શિવાદ હંમેશા તેઓને હુંફ આપનાર રહેશે અને જૂનાગઢની સામાન્ય પ્રજા એક કર્મયોગી અધિકારીની આગવી શૈલીમાં કામ કરવાની પધ્ધતિ માટે હંમેશા ઋણી રહેશે. પ્રદિપસિંહ જાડેજાને નવા પોસ્ટીંગ માટે શુભકામના પાઠવેલ હતી.

error: Content is protected !!