દારૂનું કટીંગ થાય તે પહેલા જ સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકી : વાહનમાં જનરેટરનું બોકસ બનાવી તેની અંદર અંગ્રેજી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો
જૂનાગઢ જીલ્લાનાં બાંટવાથી પ કિ.મી. દુર ખારા ડેમનાં પારા પાસે બાવરની ઝાડીમાં છુપાવવામાં આવેલો દારૂનો જંગી જથ્થો ઝડપાયો છે. ચોક્કસ બાતમીનાં આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને આ દરોડામાં દારૂ, વાહન વિગેરે મળી કુલ રૂા.૩૪,૯૪,૭૬પનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે અને સાત સામે કાર્યક્રમ કરવામાં આવી છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, બૂટલેગરો પોતાનો નશાનો કાળો કારોબાર કરવા દારૂનું કટિંગ કરે તે પહેલા જ વિજિલન્સે બાંટવામાં ત્રાટકી લાખો રૂપિયાનો દારૂ, બિયરનો જથ્થો પકડી પાડયો હતો.બાંટવા ખારા ડેમ પાસેની ખુલ્લી જગ્યાએ રાત્રે ૩ વાગે સ્ટેટ વિજીલન્સની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં વિદેશી દારૂનો જથ્થો ઊતરતો હોવાની સ્ટેટ વિજિલન્સને માહિતી મળતા તુરંત જૂનાગઢ પંથકમાં વિજિલન્સના પીઆઈ જે.એસ. દહીયા સહિતની ટીમએ ધામા નાખ્યા હતા અને બાંટવા ગામે દારૂનો જથ્થાના કટીંગ સમયે વિજિલન્સ ટીમે દરોડા પાડ્યા હતા. વિજિલન્સ ટીમને જાેઇ દારૂની હેરાફેરી કરી રહેલા ઈસમો નાસી ગયા હતા, સ્થળ ઉપરથી ટીમને એક આઈસર ટ્રક અને એક અશોક લેલન્ડ ટેમ્પો મળી આવ્યો હતો. જેમાંથી ૪૯૩ પેટી વિદેશી દારૂ-બીયરનો(૧૦૦૪૫ બોટલ) ૨૨૯૪,૭૭૫ નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બંને વાહનો અને દારૂ મળીને કુલ ૩૪,૯૪ લાખનો મુદ્દામાલ કબજે કરીને બાંટવા પોલીસે દારૂ મંગાવનાર બૂટલેગરો તેમજ આઈસર અને ટેમ્પોનો ચાલક અને લાલ કલરની બ્રેજા કાર અને સફેદ કલરની સ્વીફ્ટ કારનો ચાલક તેમજ દારૂનો જથ્થો મોકલનાર સોનું રણવીરસિંગ જાંટ સામે ગુન્હો નોધાવ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી જે આઈસર વાહન કબજે કર્યું છે તેમાં જનરેટર મશીન જેવું બોક્સ બનાવી એક ચોરખાનું બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. તેમાં દારૂ રાખી હેરાફેરી રકરતા હોવાનો ખુલાસો થયો છે. દરમ્યાન આ બનાવ અંગે સ્ટેટ મોનીટરીંગ સેલનાં ધર્મેન્દ્રસિંહ વિજયસિંહએ ધીરેન અમૃતલાલ કારીયા રહે.જૂનાગઢ, લાખાભાઈ રબારી રહે.જૂનાગઢ, સોનુ રણબીરસિંગ જાટ રહે.રોહતક, હરીયાણા, લાલ કલરની બ્રેજા કારનાં ચાલક, સફેદ કલરની સીફટ કારનાં ચાલક, અશોક લેલેન્ડ દોસ્ત ગાડી નંબર જીજે-૧૧-ડબ્લ્યુ-૧ર૯ર ચાલક, આઈસર વાહન નંબર જીજે-૧૯-એકસ-૬૮૩૪નાં ચાલક વિગેરે સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપી નં-૧ અને રએ આરોપી નં-૩ પાસેથી બહારનાં રાજયમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો નાની-મોટી બોટલ ટીન આ કામના આરોપી નં-૭ મારફતે આઈસર વાહનમાં જનરેટર મશીનની આડમાં મંગાવી અને ખુલ્લી જગ્યામાં આરોપી નં-૪, પ, ૬ વાળા મારફતે કટીંગ કરાવી અને આરોપીઓ એકબીજાને મદદગારી કરી અને દારૂનો જથ્થો લાવવામાં અને તેને છુપાવવામાં આવ્યો હતો. દરમ્યાન સ્ટેટ મોનીટરીંગ સેલએ ચોક્કસ બાતમીનાં આધારે ત્રાટકી અને દારૂ તેમજ વાહન વિગેરે મળી કુલ રૂા.૩૪,૯૪,૭૬પનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ તપાસમાં ખુલેલી વિગત અનુસાર દારૂ મંગાવનાર ધીરેન અમૃતલાલ કારીયા તથા લાખાભાઈ રબારીનું નામ ખુલવા પામેલ હતું અને અન્ય આરોપીમાં દારૂ મોકલનાર તથા દારૂ લેવા આવનાર અને દારૂ ભરીને આવનારની વિગતો ખુલવા પામી હતી. આ દરોડા દરમ્યાન કોઈ આરોપી હાજર નહી મળી આવતા તેમનાં વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચનાં પીઆઈ એચ.આઈ. ભાટી ચલાવી રહ્યા છે.