અષાઢ મહિનાથી શરૂ થયેલી મેઘરાજાની એન્ટ્રી ભાદરવા માસ પુરો થાવામાં છે ત્યાં સુધી સતત ચાલુ રહી હતી અને આગાહીકારોએ નવરાત્રીમાં પણ વરસાદનું વિઘ્ન આ વર્ષે રહેશે તેવી આગાહી કરતા નવરાત્રીનું આયોજન કરનારા આયોજકો તેમજ ખેલૈયાઓનાં જીવ પડીકે બંધાયા હતા. આ દરમ્યાન હવામાન બે દિવસથી બદલાયું હોય અને સાંજનાં સમયે શિયાળાનાં પગરવ થતા હોય તેવું વાતાવરણ સર્જાયું છે ત્યારે આગાહીકારોએ આગાહીમાં બદલાવ લાવ્યો છે અને રાહતજનક સમાચાર આપ્યા છે તે અનુસાર નવરાત્રીમાં વરસાદનાં કોઈ ચીહ્ન જણાતા નથી અને નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરનારા તેમજ ખેલૈયાઓ મોજથી નવરાત્રી ઉજવી શકશે તેવી આગાહીને પગલે આયોજકો અને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ પ્રગટી ગયો છે. આગામી નવરાત્રીને હવે ગણતરીનાં દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આખરી તૈયારી પૂર્ણ કરી લેવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ વર્ષે જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છ, ગુજરાત તેમજ દેશભરમાં નવરાત્રી મહોત્સવની ખૂબ જ ઉમંગભેર, આસ્થાભેર અને બમણા ઉત્સાહથી ઉજવણી કરવામાં આવનાર છે. વરસાદની ચિંતા પણ દુર થઈ છે ત્યારે લોકોમાં પણ ભારે થનગનાટ જાેવા મળી રહ્યો છે.