ભારતીય જનતા પક્ષ દેશની એકમાત્ર વૈચારિક પૃષ્ઠભૂમિના પાયા ઉપર કામ કરતી પાર્ટી : રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા

0

ભારતીય જનતા પક્ષને દેશની એકમાત્ર વૈચારિક પૃષ્ઠભૂમિના પાયા ઉપર કામ કરતી પાર્ટી તરીકે આલેખતા નડાએ પક્ષની કાર્યશૈલીનો વિસ્તૃત ચિતાર આપાતા કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ દેશના સામાન્ય નાગરિકોને મજબૂત બનાવવા ભારતીય જનતા પાર્ટી સદા-સર્વદા કટિબદ્ધ છે. દેશના સૌથી મોટા રાજકીય પક્ષ ‘‘ભારતીય જનતા પક્ષ’’ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા રાજકોટ ખાતે યોજાયેલા જન પ્રતિનિધિ સંમેલનને ઉત્સાહ વર્ધક સંબોધન કરતા કહ્યું હતું કે, સંતો અને સાવજની ભૂમિ એવા ગુજરાતને નમન કરી પ્રતિનિધિઓનું અભિવાદન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાકલથી દેશના નાગરિકોએ ૨૦ કરોડથી વધુ ઘરોમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવી પ્રચંડ દેશભક્તિની ભાવના ઉજાગર કરી છે. જે બદલ જે.પી. નડ્ડાએ દેશના નાગરિકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. અધ્યક્ષ નડ્ડાએ દેશના વિકાસ પ્રત્યે ભારતીય જનતા પક્ષની પ્રતિબદ્ધતા રજૂ કરતાં કહ્યું હતું કે, દેશના સુદ્રઢ અને સર્વાંગી વિકાસથી નાગરિકોની નાનામાં નાની મુશ્કેલીઓનું નિરાકરણ કરવું એ જ પક્ષનું એક માત્ર ધ્યેય છે. આ માટે આંતરમાળખાકીય સુવિધાઓ, પર્યાવરણનું જતન, મૂળભૂત જરૂરિયાતોની પૂર્તિ વગેરે માધ્યમથી રાષ્ટ્ર અને રાજ્યની તકદીર બદલવી એ પક્ષનું મુળભૂત લક્ષ્ય છે. બદલાતા સમયની ટેકનોલોજીના આવિષ્કારથી રાજ્ય વ્યવસ્થામાં પારદર્શિતા લાવવાની અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગની નેમ જે.પી. નડ્ડાએ વ્યક્ત કરી હતી અને દેશની રાજ્ય વ્યવસ્થાને મહત્તમ પેપરલેસ બનાવવા સરકારે આદરેલા પ્રયત્નોની ઝાંખી વર્ણવી હતી. અધ્યક્ષ નડ્ડાએ સગર્વ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશનું સૌથી મોટું વિદ્યા સમીક્ષા કેન્દ્ર બનવા જઈ રહ્યું છે, જેના થકી ૧ કરોડ છાત્રો, ૩ લાખ શિક્ષકો તથા ૫૪ હજાર શાળાઓનું નિરીક્ષણ થઈ શકશે. દેશના વિકાસ માટે આ બાબત સીમાચિન્હરૂપ સાબિત થશે, એવો વિશ્વાસ નડ્ડાએ દોહરાવ્યો હતો. કોરોના કાળના વર્ચ્યુઅલ સંવાદ બાદ પક્ષના કાર્યકર્તાઓ સાથે રૂબરૂ મળવાનો આનંદ નડ્ડાએ વ્યક્ત કર્યો હતો અને કોરોના કાળ બાદ પણ ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વમાં પાંચમાં ક્રમે રહી હોવા બદલ ગૌરવની લાગણી રજૂ કરી હતી. દેશના વિવિધ રાજ્યોની રાજકીય છણાવટ કરતા નડ્ડાએ ગુજરાતમાં થઈ રહેલા વિવિધ નેત્રદીપક વિકાસકાર્યોની સવિસ્તાર આંકડાકીય વિગતો રજૂ કરી હતી અને ભાજપની સૂક્ષ્મ કાર્યરીતિની સરાહના કરી હતી. કાર્યકરોના પ્રયાસો થકી જ ભાજપ દેશનો સૌથી મોટો પક્ષ બન્યો છે, એ બદલ નડ્ડાએ કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા. ૩૩૫ કરોડના ખર્ચે દાહોદને સ્માર્ટ સિટી, ૬૩૨ કરોડના ખર્ચે અમદાવાદમાં ઓલિમ્પિક કક્ષાનું સ્પોર્ટ્‌સ કોમ્પલેકસ, ૧૭ કરોડના ખર્ચે જામનગરમાં ડબલ્યુ.એચ.ઓ. દ્વારા ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર, ૧૯૯૫ કરોડ રૂા.ના ખર્ચે રાજકોટમાં એઇમ્સ વગેરે વિકાસકામોનો અધ્યક્ષ નડ્ડાએ ભાજપની નાગરિક હિતલક્ષી નીતિઓના સમર્થનમાં સહર્ષ ઉલ્લેખ કર્યો હતો અને આ તમામ વિકાસકામોના અમલીકરણ માટે વડાપ્રધાનની દીઘદ્રર્ષ્ટિને બિરદાવી હતી. રેસકોર્સ ખાતે ઉપસ્થિત ભાજપના કાર્યકરોની વિશાળ મેદનીને પ્રદેશ પ્રમુખ પાટીલે સંબોધન કરતા કહ્યું હતું કે, સમગ્ર દેશના લોકો ગુજરાતમાંથી રોજગારી મેળવી રહ્યા છે, ત્યારે શાંત પાણી ડહોળનારાઓને અને ગુજરાતના વિકાસમાં વિઘ્ન નાખનારાઓને ગુજરાત સાખી નહીં લે, તેવો દ્રઢ વિશ્વાસ સી.આર. પાટીલે વ્યક્ત કર્યો હતો. ગુજરાતની પ્રજાની તાકાતને ઓછી આંકવાની ચેષ્ટા ન કરવા પાટીલે ગુજરાત વિરોધીઓને ચેતવણી આપતા કહ્યું હતું કે, પથ્થરમાંથી પાણી પેદા કરવાની શક્તિ ધરાવતા ગુજરાતીઓ દેશના વિકાસમાં સદા અગ્રેસર રહ્યા છે. ત્યારે પક્ષના કાર્યકરો સામાન્ય નાગરિકો સાથે સંપર્ક જાળવી ગુજરાતમાં ભાજપની સાતત્યપૂર્ણ જીત સુનિશ્ચિત કરશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે. આવનારી ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક જીત આપવાની ખાતરી ઉચ્ચારતા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, લોકકલ્યાણલક્ષી યોજનાઓના સુદ્રઢ અમલીકરણથી રાજ્ય સરકારે લોકોનો વિશ્વાસ સંપાદિત કર્યો છે, જેના લીધે રાજ્યમાં તમામ ક્ષેત્રોને સર્વાંગી વિકાસ થયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સરકાર હંમેશા ચૂંટણીલક્ષી નહીં પરંતુ પ્રજાલક્ષી કાર્ય કરવા તત્પર રહી છે લોકપ્રિય નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકીય કારકિર્દીની ઔપચારિક શરૂઆત જ્યાંથી કરી હતી, તેવા રંગીલા રાજકોટના આંગણે આપણે સૌ એકત્ર થયા છીએ. દેશભરમાં ગુજરાત આજે વિકાસના મોડેલ તરીકે ઉભરી આવ્યું છે. કારણ કે દરેક ક્ષેત્રનો પાયો નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના નેતૃત્વમાં મજબૂતાઇથી નાખ્યો છે. ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન ગણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે કોરોના કાળ બાદ રાજ્ય સરકારે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ આ વર્ષે આપ્યું છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ વિકાસની સંસ્કૃતિને સ્થાપીને ‘સૌનો સાથ-સૌનો વિકાસ-સૌનો વિશ્વાસ-સૌનો પ્રયાસ’નું સૂત્ર ખરા અર્થમાં સાકાર થયું છે. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લોકતંત્રનો મહત્વનો પાયો છે. આઝાદી પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને મજબૂત કરવાનું કાર્ય ભાજપના નૈતૃત્વમાં થયું છે. વર્તમાનમાં કોરોના મહામારી અને મંદીના સમયમાં વિશ્વ જ્યારે કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતનું વર્ચસ્વ જાળવી રાખી અર્થતંત્રને છઠ્ઠાથી પાંચમાં સ્થાન ઉપર લાવ્યું છે. રાજપથને બદલાવીને કર્તવ્યપથનું નિર્માણ કરતા વડાપ્રધાન વિકાસ અને વિશ્વાસયાત્રાના વાહક બનવા જનતાને અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, રાજયકક્ષાના મંત્રી દેવાભાઈ માલમ તથા અરવિંદભાઈ રૈયાણી, સંસદસભ્યઓ ભારતીબેન શીયાળ, નારણભાઈ કાછડીયા, પૂનમબેન માડમ, મોહનભાઈ કુંડારીયા, રમેશભાઈ ધડુક, રામભાઈ મોકરીયા, ધારાસભ્યઓ જયેશભાઈ રાદડીયા, ગોવિંદભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, અગ્રણી મનીષભાઈ ચાંગેલા, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ સહિતના અગ્રણીઓ તથા પક્ષના કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાંસદ વિનોદ ચાવડા અને આભાર દર્શન ભરતભાઇ બોઘરાએ કર્યું હતું.

error: Content is protected !!