રૂમઝુમ નવલા નવરાત્રિ પ્રારંભ હવે બારણે ટકોરા દઈ રહયો છે ત્યારે સોમનાથનાં ભાલકા તિર્થમાં માટીના ગરબા બનાવવાનું કામ કરતા પ્રજાપતિ સમાજનાં પરીવારો ગરબાને આખરી ઓપ આપી રહયા છે. ભાલકાનાં શ્રી બાઈ ગરબી ચોક, કૈલાસ સોસાસયટી, હનુમાનજી મંદિર પાસે આ પરીવારો અખૂટ પરિશ્રમ કરી માટીના ગરબાઓ બનાવી રહયા છે. રંગકામ સુશોભન અને આદ્યશકિતની ભકિત સાથે પોતાની વંશ પરંપરાગત કલા કેમ દિપી ઉઠે તેમાં વ્યસ્ત છે. ૬૩ વર્ષીય કાનાભાઈ જેઠવા કહે છે કે નાનપણથી અમો આ ધંધો કરીએ છીએ. આજે ધાતુનાં ગરબાઓ પ્રચલિત થયા છે પણ ભગવાનની દયાથી અમારૂં હાલ્યા કરે છે. માટી પણ હવે નજદીકમાં મળતી નથી. જેથી ટ્રેકટરનાં મોંધા ભાડા અને માટીના પૈસા ખર્ચી મંગાવવી પડે છે. તેઓની પાસે ઈલેકટ્રીક ચાકડો અને ગાડાનાં પૈડા જેવો હાથ અને દંડીકાથી ચાલતો પ્રાચીન ચાકડો છે. નાજુક આંગળીઓનાં ટેરવા ચકર-ચકર ફરતા ચાકડા ઉપર ગોઠવેલ માટીના પીંડામાંથી ગરબાનો આકારા આપતા તેઓ જણાવે છે કે ધંધામાં કંઈ નકકી નથી. જલ્પાબેન સુરેશભાઈ જેઠવા આગળ વાત ધપાવતાં કહે છે કે માટીના બનેલા ગરબા હું અમારા પરીવારનાં શાંતાબેન ઘરના નાના મોટા સૌ નીંભાડે પકવાયેલ એ ગરબા ઉપર સફેદ પાક કલર લગાવીએ અને પછી તેનાં ઉપર લાલ પાકો કલર લગાવી સોનેરી કલરથી ડીઝાઈન ચીતરીએ અને લેસ, આભલા, કોર્નથી અમારી કલાનું સુશોભન કરીએ છીએ. જલ્પાબેન, કાનાબાપા, શાંતાબેન ઘરનાં સૌ સભ્યો ઘરમાં ગરબા ઉપર સુશોભન, ચિત્રકામ કરતાં હોય ત્યારે પ્રાચીન જમાનાના સંયુકત કુટુંબ સાથે વ્યવસાય યાદ આવી જાય જે આપણે હવે હિન્દી ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’માં પૈસા ખર્ચી જાેવા જઈએ છીએ. ૬૧ વર્ષનાં દામજીબાપાએ બનાવેલા ગરબા હવે ઘર વિદાય થઈ ચોક, શેરીઓ, માતાજીનાં મંદિરો, ઘરોમાં જવા થનગની રહયા છે. માટી કામ કરી માતાજીનાં માટીના ગરબાઓ બનાવતા આ પરીવાર પ્રાચિન ભારતની કલાન જીવંત રાખી રહયા છે. તેઓની મહેનત, સુઝ-બુઝ, કલા ભારતનાં ગૌરવ સમાન છે.