જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં ગઈકાલે મનપા દ્વારા રાતના ૧૦ વાગ્યાથી લઈ સવારના ૫ વાગ્યા સુધી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેસીબી, ટ્રેક્ટર સહિતના વાહનો દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેની સામે દુકાનદારો તેમજ રેકડી ધારકોએ વિરોધ કર્યો હતો. આ અંગે મળતી વિગત અનુસાર, ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં દુકાનદારો દ્વારા દુકાનો બહારના છાપરા અને વધારાના દબાણો ખડકી દેવાતા જૂનાગઢ મનપા સફારી જાગી હતી. અચાનક જ ખાબકેલી મનપાની ટીમનો દબાણ હટાવવા બાબતે દુકાનદારો તેમજ રેકડી ધારકોએ વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે, જૂનાગઢમાં ઊભેલી ગેરકાયદેસર બિલ્ડીંગ ઉપર કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જ્યારે નાના ધંધાર્થીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે. દબાણ હટાવવા મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોંગી કોર્પોરેટરો ઘટના સ્થળે પહોંચતા દબાણ અધિકારીની ટીમ તેમજ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો. દબાણ શાખા દ્વારા દબાણ દૂર કરવા બાબતે કામગીરી અટકાવવા શહેર કોંગ્રેસ પ્રમુખ જેસીબીના આડે ઉતર્યા હતા. જેને લઇ શહેર કોંગ્રેસ પ્રમુખ અને મનપાના દબાણ શાખાના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે જણાવ્યું હતું કે, જૂનાગઢમાં ઘણી જગ્યાએ દબાણ છે અને જૂનાગઢમાં ગેરકાયદેસર બિલ્ડીંગોના પણ ખડકલા છે છતાં પણ જૂનાગઢનું મનપા તંત્ર ગરીબ લોકોને હેરાન કરે કરે છે. મોટા મગરમચ્છોને છાવણી રહ્યું છે. તંત્ર દ્વારા તે ગેરકાયદેસર બાંધકામ કેમ નથી તોડી પડાતું ? જાે ગરીબ લોકો સાથે અન્યાય થશે તો મનપાનો ઘેરાવ કરવાની ચીમકી શહેર પ્રમુખે ઉચ્ચારી હતી. દબાણ શાખાની સમગ્ર કાર્યવાહીના અંતે મનપા દ્વારા દુકાનદારોએ કરેલા દબાણો દૂર કર્યા હતા. ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં લગાવેલા રેસ્ટોરન્ટ, ડોક્ટરોના બોર્ડ અને અલગ અલગ દુકાનોના મારેલા બેનરો દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યાં હતા.