અરબી સમુદ્રના કિનારા ઉપર નવરાત્રિના પરમપાવન દિવસોમાં ભવાની માતા મંદિર કતપર-મહુવા(ભાવનગર)થી રામકથાનો શુભારંભ થયો છે. કથા પ્રારંભે બાપુએ કહ્યું કે, પરામ્બા ભગવતી જગજનની માં ભવાનીની કૃપાથી અને એક દિવસ પછી જ્યારે શારદીય નવરાત્રી અનુષ્ઠાનનો આરંભ થઈ રહ્યો છે. એવા પવિત્ર દિવસોમાં કથાનો આરંભ થઈ રહ્યો છે. અહીં નિમિત્તમાત્ર યજમાન ચીમનભાઈ પરિવાર તેમજ જલારામબાપાની જગ્યાના રઘુરામબાપા અને પરિવાર અને તલગાજરડાના વાયુમંડળમાં જ્યાં-જ્યાં કથા હોય ત્યાં આવવા ઉત્સુક એવા બધા જ મંદિરના પૂજારીગણોનો પરિવાર બધાને સંબોધીને બાપુએ કહ્યું કે, મુખ્ય વિચાર, મુખ્યદર્શન, મુખ્ય સંવાદ માતુભવાની ઉપર રહેશે. વ્યાસપીઠ શારદીય નવરાત્રિ ઉપર કોઈને કોઈ ભગવતીના ધામમાં કથા કરતી રહી એ પ્રવાહી પરંપરા રહી છે. આ સ્થાન ઐતિહાસિક અને પૌરાણિક કથાઓ સાથે જાેડાયેલું છે અને શાળામાંથી ક્યારેક પ્રવાસ વખતે અહીં આવેલા. આ કથામાં કોઈ પણ પ્રકારનો ફંડ ફાળો કે કંઈ આપવાને બદલે સ્વાન્તઃ સુખાય, માત્ર ભજન કરો અને ભોજન કરો બે જ મુદ્દાઓ મહત્વના છે. પોતાના જૂના સ્મરણોને યાદ કરીને બાપુએ કહ્યું કે, માના ખોળામાં ક્યારેક-ક્યારેક આવવાનું બન્યું છે. તલગાજરડાનાં વાયુમંડળમાં હવે એક ભૂતનાથ મહાદેવ આટલા વિસ્તારમાં બાકી છે અને એની સાથે મારે બાળપણનો સંબંધ રહ્યો છે. જ્યારે પણ જાેગ થશે ત્યારે એક કથા માનસભૂતનાથ કરવી છે અને અહીંના દાનાભાઈ ફાફડાવાળા પરિવારને આ કથા અર્પણ કરી. જ્યારે પણ સમય મળે ત્યારે થશે. બાપુએ કહ્યું કે, બીજરૂપી આ પંક્તિનો છંદ બાલકાંડમાંમાં પાર્વતીના વિવાહ વખતે લખાયેલો છે. તુલસીજી કહે છે કે, એક કરોડથી પણ વધારે મુખ હોય તો પણ માં ભવાનીનું વર્ણન ન કરી શકાય. વેદ, શેષ નારાયણ અને શારદા-સરસ્વતી- આ મુખ્ય ત્રણ પ્રવક્તા પણમાં ભવાનીનું વર્ણન કરવામાં સંકોચ અનુભવે છે એ માની શોભાનું વર્ણન કોણ કરી શકે ? રામચરિતમાનસમાં ત્રણ વખત માતુભવાની શબ્દ તુલસીજીએ લખ્યો છે. અનેક વખત ભવાની શબ્દનો પ્રયોગ તો થયો જ છે. માં ભવાનીના પર્યાયવાચી શબ્દો ૨૪ છે. ક્યાંક ગિરિરાજકિશોરી ઉમા અંબિકા જેવા નામનો ઉલ્લેખ થયો છે. શા માટે ત્રણ વખત જ ? તો એનું કારણ છે ત્રિસત્ય. એક રૂપ કન્યા- દીકરીના રૂપમાં બીજું પત્નીના રૂપમાં અને ત્રીજું માતૃ રૂપા છે. કન્યા હંમેશા સત્યરૂપા પત્ની પ્રેમરૂપા અને માતા કરૂણારૂપા હોય છે. રામકથાનું માહત્મ્ય શું છે ? બાપુએ કહ્યું કે, બીજું માહત્મ્ય શું કહેવું પણ મારી સાથે જ જે પણ લોકો ભણતા, એ બધા જ કોઈને કોઈ રીતે શારીરિક રીતે ક્યાંક ને ક્યાંક પીડા અનુભવે છે અને હું હજી એવોને એવો છું ! આ જ માહત્મ્ય છે. પ્રવાહી પરંપરામાં મંગલાચરણના સાત મંત્રો અને વંદના પ્રકરણમાં માતૃ વંદના પિતૃવંદના આચાર્ય વંદના ગુરૂવંદના અને હનુમાનજીની વંદનાનું ગાન કરી અને કથાને વિરામ આપવામાં આવ્યો.