શૈલપુત્રીની પૂજા માં નવદુર્ગાનું પહેલું સ્વરૂપ શૈલપુત્રીના નામથી ઓળખાય છે. માતાજીએ પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રી તરીકે જન્મ લીધો હોવાથી શૈલપુત્રી નામ પડેલ. માતાજીના હાથમાં ત્રિશૂલ અને કમળ પુષ્પ સુશોભિત છે. માતાજીએ પોતાના પુર્વજન્મમાં દક્ષ પ્રજાપતિના ઘરે જન્મ લીધો હતો અને વિવાહ મહાદેવજી સાથે થયેલ. દક્ષ પ્રજાપતિએ હવન કરેલ પરંતુ તેમાં મહાદેવજીને આમંત્રણ નહોતું આપેલું. આમ સતી હવનમાં જાય છે અને યોગીની દ્વારા બળીને ભસ્મ થાય છે. ત્યારબાદ બીજાે જન્મ પર્વતરાજ હિમાલયને ત્યાં થાય છે અને ફરીથી મહાદેવજીને પરણે છે. માતજીનો ઉપાસનાનો મંત્રછે ‘ૐ હ્રીં શિવાયૈ નમઃ’. માતા શૈલપુત્રી માતાજીની છબી ન મળે તો નવદુર્ગા માતાજીની છબીની સ્થાપના એક બાજાેઠ ઉપર લાલ વસ્ત્ર પાથરી અને કરવી ત્યારબાદ માતા શૈલપુત્રીના મંત્રની એક માળા અને નવ દુર્ગાના નવાર્ણ મંત્રની એક, ત્રણ અથવા નવ માળા કરવી. માતાજીને ત્યારબાદ ગોળ અથવા ગોળમાંથી બનેલ વાનગી ધરાવી અને આરતી કરવી.