૧૭ સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલ પંચામૃત ફોર ક્લાઈમેટ ચેન્જ પખવાડિયા અંતર્ગત ૧૧માં દિવસે યુવા જાગૃતિ માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અને ક્લાઈમેટ ચેન્જ અંગે મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં મારવાડી યુનિવર્સિટી ખાતે પરિસંવાદ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રી કિરીટસિંહ રાણાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલ પંચામૃત ફોર ક્લાઈમેટ ચેન્જ અંતર્ગત યુવાનો-વિદ્યાર્થીઓ વચ્ચે જાગૃતતા આવે તે માટે ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણને બચાવવા અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. પર્યાવરણના જતન માટેના આ ૧૫ દિવસીય કાર્યક્રમમાં વધુને વધુ વિદ્યાર્થીઓ જાેડાય અને લોકોમાં જાગૃતતા આવે તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓને સરકાર દ્વારા બિરદાવવામાં આવે છે. રીન્યુએબલ એનર્જી તરફ લોકો વધુને વધુ જાગૃત બને તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. આ પ્રસંગે ક્લાઈમેટ ચેન્જ વિભાગના જાેઇન્ટ સેક્રેટરી બિપીનભાઇ તલાટીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એક્સપર્ટ કોન્ફરન્સ કરવા ઉપરાંત કલાઇમેટ ચેન્જ માટે વિદ્યાર્થીઓ અને યુવાનો વચ્ચે પણ જાગૃતતા આવે તે માટે આ નવતર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બ્લૂ ઈકોનોમીમાંથી ગ્રીન ઈકોનોમી તરફ તેમજ ફોસીલ ફ્યુલમાંથી રીન્યુએબલ એનર્જી તરફ જવાના લક્ષ્યમાં ગુજરાત સતત પ્રયત્નશીલ છે. આ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કરવામાં આવ્યો હતો. મારવાડી યુનિવર્સિટીના રજીસ્ટ્રાર નરેશ જાડેજાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમજ પંચામૃત મહોત્સવ અંતર્ગત યુનિવર્સિટી દ્વારા કરેલ વકતૃત્વ, નિબંધ સ્પર્ધા વગેરે વિવિધ પ્રવૃત્તિઓની રૂપરેખા આપી હતી. આ સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓને મંત્રી અને મહાનુભાવોના હસ્તે સર્ટીફીકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. વાઇસ ચાન્સેલર ડો. સંદીપ સંચેતીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. તેમજ મારવાડી યુનિવર્સિટીના સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના ડીન આર.બી. જાડેજાએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં યુનિવર્સીટીનાં વાઈસ પ્રેસિડેન્ટ જીતુભાઈ ચંદારાણા, યુનિવર્સિટીના હોદ્દેદારો તેમજ પ્રોફેસરો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જાેડાયા હતા.