સમગ્ર ગુજરાતમાં જાણે હમણા સરકારની માઠી દશા બેઠી હોય એવુ જણાઈ રહયું છે. છાશવારે વિવિધ સરકારી વિભાગોનાં કર્મચારીઓ સરકાર સામે વિરોધ કરી આંદોલનનાં બુંગીયા ફુંકી રહયા છે. એમાં પીજીવીસીએલનાં ટેકનીકલ કર્મચારીઓનો વધારો થયો છે. પીજીવીસીએલનાં ટેકનીકલ કર્મચારીઓ દ્વારા વર્ગ ચારમાંથી વર્ગ ત્રણ કરવા પરીપત્રની વિસંગતતાઅદ દૂર કરવી, કામનાં કલાકો નકકી કરવા, ફિલ્ડ એલાઉન્સીની વિસંગતતા દૂર કરવા જેવી તેમની ન્યાયી માંગણીઓને લઈને સરકાર સામે મેદાને પડેલ છે. ગુજરાત ઉર્જા કર્મચારી હિત રક્ષક સમીતી દ્વારા સરકારમાં અનેક વખત ઉપરોકત પ્રશ્નોને લઈને રજુઆત કરવા છતાં સરકારનાં બહેરા કાને કર્મચારીઓની વાત સંભળાતી ન હોય આખરે સરકાર સામે વિરોધ માટેનાં વિવિધ કાર્યક્રમો જાહેર કરવામાં આવેલ છે. બિલખા પીજીવીસીએલનાં કાર્યપાલક ઈજનેર પુરોહિતનાં જણાવ્યા પ્રમાણે ગત બુધવારે બિલખા પીજીવીસીએલનાં તમામ ટેકનીલક કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધી કામ ચાલુ રાખી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. અને ભવિષ્યમાં ગુજરાત ઉર્જા કર્મચારી હિત રક્ષક સમીતી દ્વારા વધુ ઉગ્ર કાર્યક્રમો જાહેર કરવામાં આવશે એવું જાણવા મળેલ છે.