Monday, December 4

રમતના મેદાનમાં ખેલાડીઓની જીત અને દમદાર પ્રદર્શન જીવનના અન્ય ક્ષેત્રમાં પણ જીતનો માર્ગ કંડારે છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

0

અમદાવાદ ખાતે નવલી નવરાત્રિમાં ગરબાની રમઝટ સાથે નેશનલ ગેમ્સનો રંગારંગ પ્રારંભ

ગુજરાતની યજમાનીમાં યોજાઈ રહેલી ૩૬મી નેશનલ ગેમ્સનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શાનદાર શુભારંભ થયો હતો. ગુજરાતમાં નવરાત્રિમાં ગરબાની રમઝટ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા, અમદાવાદ ખાતે દેશના સૌથી મોટા રમતોત્સવનો રંગારંગ પ્રારંભ થયો. નેશનલ ગેમ્સનો શુભારંભ કરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશની પ્રગતિ અને વૈશ્વિક ફલક ઉપર સન્માનનો રમત-ગમત સાથે સીધો સંબંધ છે. યુવાનો રાષ્ટ્ર ઘડતરમાં મહત્વનું યોગદાન આપે છે જ્યારે સ્પોર્ટ્‌સ યુવાનોમાં ઊર્જા અને ઉત્તમ જીવનનિર્માણનો પ્રમુખ સ્ત્રોત બની રહે છે. વડાપ્રધાનએ વધુમાં જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે વિકાસમાં ઉચ્ચ સ્થાને રહેલા દેશો રમત ગમત અને આંતરરાષ્ટ્રીય રમતોમાં મેડલ વિજેતામાં પણ અગ્રેસર રહે છે. ખેલના મેદાનમાં ખેલાડીઓની જીત અને દમદાર પ્રદર્શન અન્ય ક્ષેત્રોમાં પણ જીતનો રસ્તો બનાવે છે. સ્પોર્ટસ પાવર દેશની ઓળખ ઉભી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વડાપ્રધાનએ આઝાદીના અમૃત કાળનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, સ્ટાર્ટ્‌સ વિથ એક્શન એટલે કે કોઇપણ કાર્યની શરૂઆત કરીને તે પથ ઉપર શ્રેષ્ઠ પ્રદર્શન કરવા સતત ચાલતા રહેવાના જુસ્સા સાથે જ નવા ભારતની શરૂઆત કરી છે. દેશ અને દુનિયામાં રમાતી વિભિન્ન રમતો વર્ષો સુધી ભારતીય માટે ફક્ત સામાન્યજ્ઞાન સુધી સિમીત રહી હતી, પરંતુ છેલ્લાં આઠ વર્ષમાં રમત-ગમત ક્ષેત્રે દેશ અને યુવાનોનો મિજાજ બદલાયો છે. ૮ વર્ષ અગાઉ દેશના રમતવીરો ૧૦૦ જેટલી જ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્‌સ ઇવેન્ટમાં જ ભાગ લઇને જૂજ રમતોમાં સહભાગી બનતા હતા, જ્યારે દેશના યુવા રમતવીરો ૩૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટમાં ભાગ લઇને ૪૦થી વધુ રમતો રમતા થયા છે. જેના પરિણામે ભારતના મેડલની સંખ્યા સાથે દેશની ચમક પણ વધી છે.

error: Content is protected !!