અંબાજી આવતા પ્રવાસીઓએ અહીં બે-ત્રણ દિવસ રોકાવું પડે તેટલા વિકાસ કાર્યો હાથ ધરવા છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

0

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીની ધરા ઉપરથી અવિરત વિકાસકાર્યોની ધજા લહેરાવી હતી. નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારના રૂા.૪૭૩૧ કરોડ તેમજ રાજ્ય સરકારના રૂા.૨૧૭૭ કરોડ મળી કુલ રૂા.૬૯૦૯ કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરીને રાજ્યના નાગરિકો ઉપર વિકાસ કાર્યોની ભેટ વરસાવી હતી. જેમાં જનસુવિધાલક્ષી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ એવા તારંગા હિલ-અંબાજી-આબુ રેલવે લાઈનનું ખાતમુહૂર્ત તેમજ ૮૬૩૩ આવાસોનું ખાતમુહૂર્ત અને ૫૩૧૭૨ આવાસોના લોકાર્પણનો પણ સમાવેશ થાય છે. બનાસકાંઠાની વિકાસયાત્રાનું વિઝન રજૂ કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, છેલ્લા બે દાયકાના સતત પ્રયાસોને કારણે બનાસકાંઠાનું ચિત્ર ખૂબ બદલાયું છે. આ પરિસ્થિતિ બદલવામાં નર્મદાના નીર, સુજલામ-સુફલામ અને ટપક સિંચાઈએ મોટી ભૂમિકા ભજવી છે. એટલું જ નહિ, આગામી સમયમાં ધરોઈ ડેમથી લઈ અંબાજી સુધીનો સમગ્ર બેલ્ટ વિકસિત કરવાનો સરકારે સંકલ્પ કર્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આવનારા દિવસોમાં અંબાજી આવતા પ્રવાસીઓએ અહીં બે-ત્રણ દિવસ રોકાવું પડે તેટલા વિકાસ કાર્યો હાથ ધરવા છે. તો બીજી તરફ અંબાજી આવતા દર્શનાર્થીઓ-પર્યટકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ આ પંથકમાં ફરવું પડે તેવો આ યાત્રાધામનો વિકાસ કરવાની પ્રતિબધ્ધતા દર્શાવી હતી. તે ઉપરાંત આગામી સમયમાં અહી વિશેષ કિસાન રેલ પણ ચાલશે.

error: Content is protected !!