શકિતનાં આરાધનાનાં પર્વ એવા આસો માસની નવરાત્રિની ભાવભકિત પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અને માતાજીની ભકતજનો દ્વારા આરાધના કરવામાં આવી રહી છે. જૂનાગઢ સહિત સમગ્ર સોૈરાષ્ટ્રમાં નવરાત્રિ પર્વને અનુલક્ષીને અનુષ્ઠાન સહિતનાં કાર્યક્રમો ધાર્મિક સ્થળોમાં તેમજ માતાજીનાં મંદિરોમાં યોજાય રહ્યા છે. દરમ્યાન આજે આઠમું નોરતું હોય, આજે હવનાષ્ટમીનો કાર્યક્રમ યોજવામાં આવી રહેલ છે. જૂનાગઢ ગિરિવર ગીરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબાજીના સાનિધ્યમાં માતાજીના નવલા નોરતાનો આજે અષ્ટમીના દિવસે માતાજીની સન્મુખ યજ્ઞનું આયોજન કરાયું હતું. તેમાં બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે હવન યોજાયો હતો અને યજ્ઞના દર્શન કરવા ભાવિકો અંબાજી મંદિર પહોંચ્યા હતા. મંદિર ટ્રસ્ટના મહંત તનસુખગીરી બાપુ દ્વારા યજ્ઞનું અનેરૂ આયોજન અને બપોરે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું.