બેટ દ્વારકામાં ૫૦ જેટલા દબાણો ખુલ્લા કરાવાયા : રીઢા ગુનેગારના બાંધકામ ઉપર ફર્યું બુલડોઝર

0

ભારતના છેવાડાના વિસ્તાર એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ઐતિહાસિક મહત્વ વિશ્વભરમાં વધતું જાય છે. ત્યારે ભગવાન કૃષ્ણના નિવાસ એવા બેટ દ્વારકામાં છેલ્લા કેટલાક સમયથી તંત્રની નાક નીચે વધતા જતા ગેરકાયદેસર દબાણથી સ્થાનિક લોકો વિગેરેમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો હતો. આ અંગે ઉચ્ચ કક્ષાએ કરવામાં આવેલી રજૂઆતો બાદ સરકારી તંત્ર દ્વારા આ મુદ્દે ગંભીરતાપૂર્વક વલણ અખત્યાર કરી અને ગેરકાયદેસર દબાણકર્તા આસામીઓને ધોરણસરની નોટિસો પાઠવી હતી. પરંતુ આ નોટિસને તેઓએ ફક્ત સામાન્ય કાગળનો ટુકડો સમજી અને નજરઅંદાજ કરતા આખરે જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા રેવન્યુ તંત્રને સાથે રાખીને શનિવારથી મેગા ડેમોલીશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ દબાણ હટાવ ઝુંબેશ ગઈકાલે સોમવારે ત્રીજા દિવસે પણ યથાવત રીતે ચાલી હતી. જેમાં આશરે એક ડઝન જેટલા અનઅધિકૃત પાકા બાંધકામ પર સરકારી બુલડોઝર ફરી વળ્યું હતું. રેન્જ આઈ.જી.ના સીધા માર્ગદર્શન હેઠળ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની રૂબરૂ ઉપસ્થિતિમાં બેટ દ્વારકાના હનુમાન દાંડી તરફ જતા માર્ગ નજીક બાલાપર વિસ્તારમાં વધતા જતા ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે શનિવારથી શરૂ થયેલી આ દબાણ ઝુમેશમાં ગઈકાલે સોમવારે ૧૦ જેટલા બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા. જેમાં એક ગુનેગાર આસામી દ્વારા કરવામાં આવેલું ગેરકાયદેસર બાંધકામ પણ દૂર કરાયું હતું. એક દિવસમાં ૨૭,૦૦૦ ચોરસ ફૂટ જેટલી જગ્યા ખુલી કરાઈ હતી. આજરોજ મંગળવારે સવારથી પૂર્નઃ પોલીસ તંત્ર સાથે રેવન્યુ તંત્ર અને દબાણ ઉપર બુલડોઝર ફેરવવા સજ્જ થઈ ગયું છે. છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન ચાલેલી આ દબાણ હટાવ ઝુંબેશમાં રૂપિયા પાંચ કરોડ જેટલી અંદાજિત કિંમત ધરાવતી એક લાખ ચોરસ ફૂટ જેટલી સરકારી જગ્યા ખુલી કરવામાં આવી છે. દબાણકર્તા તત્વો દ્વારા ગૌચરની જમીન ઉપર પણ વંડા વાળીને દબાણ કરી લેવામાં આવ્યું હતું. જે રેવન્યુ તંત્રને સાથે રાખીને પોલીસ તંત્રએ ખુલ્લું કરાવ્યું છે. આજે ચોથા દિવસે પણ બેટ દ્વારકા માટેની ફેરી બોટ સર્વિસ બંધ રહી હતી. છેલ્લા ત્રણ દિવસ થયા નાના એવા બેટ વિસ્તારમાં પોલીસ અને સરકારી તંત્ર સિવાય કશું જાેવા મળ્યું ન હતું. આ અંગે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જણાવ્યા મુજબ ગઈકાલે સોમવારે અનઅધિકૃત દબાણ દૂર કરી, હજારો ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. આ ઝુંબેશ હજુ આજે મંગળવારે પણ ચાલુ રહેશે. છેલ્લા ચાર દિવસથી મક્કમ રીતે ચાલી રહેલી આ દબાણ હટાવ ઝુંબેશમાં પાંચ જિલ્લાનો પોલીસ કાફલો શસ્ત્ર સરંજામ સાથે ફરજ ઉપર હોવાથી કોઈપણ છમકલું થયું ન હતું. અને લોકોએ પોલીસ તંત્રને સહયોગ આપ્યો હતો. સરકારી તંત્ર બેટ દ્વારકાને સંપૂર્ણપણે દબાણ મુક્ત કરવા માટે મક્કમ બની રહ્યું હોય તેવું ચિત્ર જાેવા મળી રહ્યું છે. સતત ચાર દિવસથી ચાલી રહેલી આ દબાણ હટાવ ઝુંબેશથી સમાજ વિરોધી તત્વોમાં ફફડાટ સાથે દોડધામ મચી જવા પામી છે. રાજ્યના પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા ગઈકાલે સોમવારે કૃષ્ણની ભૂમિમાં કૃષ્ણ જ હોવા અંગે આપવામાં આવેલા નિવેદનને પણ સૂચક માનવામાં આવી રહ્યું છે. બેટ દ્વારકામાં આજરોજ રેન્જ આઇ.જી. સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવનાર હોવાનો પણ જાણવા મળ્યું છે. ત્યારે હવે શું થશે ? તે બાબતે લોકોની ઇન્તેજારીપૂર્વક મીટ મંડાઇ છે.

error: Content is protected !!