કલેકટર રચિત રાજ દ્વારા તેમનાં નિવાસસ્થાને ૮૦ વર્ષ વટાવી ચૂકેલા વરિષ્ઠ મતદારોનું રેડ કાર્પેટ ઉપર કરાયું સ્વાગત-સન્માન

0

કલેકટર રચિત રાજના નિવાસ્થાને ૮૦ વર્ષ વટાવી ચૂકેલા વડીલ મતદારોનું રેડ કાર્પેટ ઉપર સ્વાગત સન્માન કરાયું હતું. લોકશાહીને વધુ સુદ્રઢ બનાવવા માટેના આ વરિષ્ઠ નાગરિકોના તેમના સક્રિય યોગદાન માટે કૃતજ્ઞતા પત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કલેકટરે આ વરિષ્ઠ મતદારો સાથે સંવાદ કર્યો હતો. જે દરમ્યાન તેમણે આ મતદારોના ચૂંટણી અને મતદાનના અનુભવો રસપૂર્વક જાણ્યા હતા. આ સાથે તેમના તરફથી મળેલા મૂલ્યવાન પ્રતિભાવોને પણ નોંધ્યા હતા. કલેકટરે આ વિશિષ્ટ પ્રસંગે જણાવ્યું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં યુવાનો, મહિલાઓથી માંડી દરેક મતદાર લોકશાહીના આ પર્વમાં સહભાગી થાય અને મતદાન કરવા માટે પ્રેરિત થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાગૃતિલક્ષી અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. ત્યારે વરિષ્ઠ નાગરિકો કે જેમણે બંધારણીય ફરજ પ્રત્યે સતત સકારાત્મક યોગદાન આપ્યું છે. તેમજ લોકશાહી મજબૂત બનાવવા અને આ પ્રક્રિયમાં ભાગ લેવા માટેનો તેમનો ઉત્સાહ યુવાનોને પ્રેરણા આપવાની સાથે એક ઉદાહરણ પણ પૂરૂ પાડે છે. આ જવાબદાર વરિષ્ઠ મતદારોના કારણે જ ભારત એક લોકશાહી તરીકે વિશ્વમાં વિકાસ પામી રહ્યું છે સાથે જ લોકશાહીને વધુ સુદ્રઢ બનાવી રહ્યા છે. ચૂંટણી પ્રક્રિયાને મજબૂત કરવાની સાથે ચૂંટણીઓ મુક્ત, ન્યાયી, સમાવેશી, સુલભ અને તેમાં સહભાગી બનવા માટે અચૂક મત આપીએ. તેમ જણાવતા કલેક્ટરે કહ્યું કે, જન પ્રતિનિધિઓ ચૂંટવા અને સરકાર- શાસકોની પસંદગી કરવામાં દરેક મતના મૂલ્યને વાસ્તવિક અર્થ આ વરિષ્ઠ નાગરિકોએ ચરિતાર્થ કર્યો છે. આમ, કલેક્ટરે આ તમામ વરિષ્ઠ નાગરિકો મતદારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા લોકશાહીના પર્વમાં સક્રિય સહભાગી થવાની સાથે યુવાનોને મતદાન કરવા માટે પ્રેરિત કરવાનો અનુરોધ કર્યો હતો. આમ આગામી વિધાનસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે કલેકટર રચિત રાજે નવીન પહેલ કરી છે. આ પ્રસંગે વરિષ્ઠ નાગરિકોએ લોકશાહીને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા જૂનાગઢવાસીઓને ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો.

error: Content is protected !!