દ્વારકાની નવદુર્ગા ગરબી : અર્વાચીન યુગમાં પ્રાચીન પરંપરાઓ જાળવતી ૧૪૮ વર્ષથી અડીખમ

0

દ્વારકામાં વર્ષ ૧૮૭૪ના ઓકટોબર માસની નવમી તારીખે હોળી ચોકમાં ગરબી માતાજીની નવમૂર્તિઓનું મંડપ સુશોભિત કરી, ભવ્ય ઉજવણી સાથે ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિના ભેખધારી ઠાકર મકનજી જૂઠાની આગેવાની હેઠળ સ્થાપના કરવામાં આવેલ. ત્યારથી આજ સુધી દ્વારકા ગુગળી બ્રાહમણી જ્ઞાતિએ પરંપરા જાળવી રાખીને દર વર્ષે ગરબીનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા ૧૪૮ વર્ષથી અવિરત રીતે નવરાત્રિના પ્રથમ દિવસે સવારે માતાજીની મૂર્તિઓનું ષોડષોપચાર પૂજન કરવામાં આવે છે. ત્યારબાદ વિધિસર સ્થાપના કરવામાં આવે છે. માતાજી સમક્ષ અન્નકુટ પણ ભરવામાં આવે છે. આધુનિક યુગમાં અનેક સ્થળોએ જયારે સ્ત્રી-પુરૂષો, યુવક-યુવતીઓ અને છોકરા-છોકરીઓ એક સાથે ડિસ્કો – દાંડીયા પ્રકારની પધ્ધતિથી ગરબી રમે છે અને પ્રકૃતિસહજ સ્ખલનના શિકાર બને છે. ત્યારે આ ગરબી મંડપમાં કેવળ પુરૂષો જ ગરબીમાં જાેડાય છે. અન્ય સ્થળે ડિસ્કો ટાઇપની વાદ્યરચના કે સંગીતકૃતિ લાઉડ સ્પીકર મુકવામાં આવે છે. ત્યારે આ ગરબીમાં પ્રાચીન છંદો ગાઈ-ગવડાવી વર્તમાનકાળમાં ભૂતકાળને સજીવન રાખવાનો સતત પ્રયત્ન કરવામાં આવે છે.
માત્ર પુરૂષો દ્વારા રમાતી પ્રાચીન ગરબીમાં જાેડાનાર પુરૂષોએ ધોતિયું કે પિતાંબર, પાસાબંડી અને પછેડીનો પહેરવેશ પહેરવો ફરજીયાત છે. ગરબીની પરંપરાનું જતન કરનારા દ્વારકાના ગૂગળી બ્રાહ્મણો આજથી ૧૪૮ વર્ષ પૂર્વે આસો સુદ એકમની રઢિયાળી રાતે દ્વારકાના ગૂગળી બ્રાહ્મણ મકનજીભાઈ જૂઠા અને એમના વંશજ કાનજી સુંદરજી વકીલ દ્વારા દ્વારકાના હોળીચોકમાં પુરૂષો માટેની વિશેષ ગરબીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. એ સમયે વીજળીની સુવિધા ન હોવાથી તેલના દિવા અને પેટ્રોમેક્સના અજવાળે ગૂગળી જ્ઞાતિના પુરૂષો ગરબી રમતા. ગરબી રમનારા પુરૂષો પિતાંબર અને પાસાબંડી પહેરી એની ઉપર પછેડી ઓઢે છે. જે પુરુષ આ પહેરવેશ ન પહેરે એને ગરબીમાં પ્રવેશ મળી શકતો નથી. ૧૪૮ વર્ષ પૂર્વે લાઈટ ન હોવાથી મુખ્ય ગાયક જે છંદ ગાય એ અન્ય લોકો મંડપમાં ચારે બાજુ ફરતા કરતા બુલંદ અવાજે ઝીલતા. આજે વિજ-લાઈટ પ્રાપ્ય હોવાથી ગાયકવૃંદ માઈકમાં ગાય છે. પરંતુ વર્ષોથી નગારાના તાલે જ ગરબા ગવાય અને ખેલૈયાઓ એના તાલે ગરબી રમે છે. સ્ત્રીઓ રમે તેને ગરબા અને પુરુષો રમે તેને ગરબી કહેવામાં આવે છે.
રઆદ્યશક્તિના નવ સ્વરૂપને લાકડામાંથી કંડારીને એમાંથી એમની નવ મૂર્તિ બનાવવામાં આવી છે. પોતપોતાના આયુધ અને વાહન સાથે માતાની દરેક મૂર્તિને લાકડાની ફરતી માંડવીમાં સ્થાપિત કરવામાં આવી છે અને એની ટોચ ઉપર દોઢ કિલોગ્રામ ચાંદીના ગરબામાં દિપ પ્રજ્વલિત કરીને રાખવામાં આવે છે. હોળીચોકમાં સામાન્ય રીતે ૩૦૦ થી ૪૦૦ ખેલૈયાઓ ગરબી રમી શકે છે. પરંતુ પાંચમ બાદ ૭૦૦ થી ૮૦૦ ખેલૈયાઓ ગરબી રમવા આવે છે. એમને જાેવા માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં વસતા જ્ઞાતિજનો દ્વારકા આવે છે.
આ ગરબી દરમ્યાન નગારાના તાલે મહાભારત, રામાયણ, ભાગવત, શીવપુરાણ, દેવીભાગવત જેવા ગ્રંથોમાં આવતા વર્ણનો પર આધારિત છંદ ગવાય છે. ધ્રુવજીનો છંદ, ગોરમાનો છંદ, શીવવિવાહનો છંદ, દેવકીજીનો છંદ તેમ જ રામરાવણના યુદ્ધનો છંદ ગાવામાં આવે છે. આ છંદ સાંભળવાનો પણ લ્હાવો છે.
નિશ્ચિત દિવસે નિશ્ચિત છંદ ગાવાની પરંપરા છે. જે દિવસે જે છંદ ગવાયે દિવસે ખેલૈયાઓએ દેવીદેવતાનું રૂપ લઈને આવે છે. જેને વેશ કહેવામાં આવે છે. આ વેશના દર્શન કરવા લોકો દૂરદૂરથી આવે છે. આ ગરબી છેલ્લા કેટલાક સમયથી ગુગળી જ્ઞાતિને સોંપી દેવામાં આવી હોવાથી જ્ઞાતિની કમિટી દ્વારા એનું સંચાલન કરવામાં આવે છે. આમ છતાં પહેલા નોરતે તો સ્થાપક પરિવારના સભ્યો દ્વારા જ માતાજીની પહેલી આરતી કરવામાં આવે છે. ભારતમાં અંદાજે આઠ હજાર જેટલા ગૂગળી બ્રાહ્મણો વસે છે. જેમાંથી દ્વારકામાં આજે અંદાજે ૬૬૫ જેટલા ગૂગળી પરિવારો વસે છે. દ્વારકામાં એમના ૧૪ કુળનાં ૧૪ વિવિધ મંદિર છે.

error: Content is protected !!