જૂનાગઢનાં જાણીતા તબીબ ડો. કે.પી. ગઢવીની સુપુત્રી શ્રેષ્ઠ વિદ્યાર્થીની આર્યા ગઢવીની શિક્ષણક્ષેત્રે ગૌરવ સમાન રાજકોટ સ્થિત રાજકુમાર કોલેજનાં હેડગર્લ તરીકે પસંદગી કરવામાં આવી છે. આર્યા ગઢવીનું રાજકુમાર કોલેજનાં ચેરમેન રાજવી માંધાતાસિંહ જાડેજા અને રાજકોટનાં પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે હેડગર્લનું બિરૂદ એનાયત કરી સન્માન કર્યુ હતું. જૂનાગઢ બાર એસો.નાં પૂર્વ પ્રમુખ અને એડવોકેટ પી.ડી. ગઢવીની પૌત્રી અને ગાયનેક તબીબ ડો. કે.પી. ગઢવીનાં સુપુત્રી આર્યા ગઢવી રાજકોટની જાણીતી રાજકુમાર કોલેજમાં ધો. ૧ર આર્ટસમાં અભ્યાસ કરે છે. વર્ષ ૧૮૭૦થી શરૂ થયેલ રાજકુમાર કોલેજનું હાલ ૧પ૩મું વર્ષ ચાલી રહયું છે. રાજકુમાર કોલેજનાં ચેરમેન તરીકે રાજવી માંધાતાસિંહ જાડેજા તેમજ ટ્રસ્ટીઓ તરીકે રાજકોટ ઉપરાંત જામનગર, લીંબડી વગેરેનાં રાજવીઓ સેવા આપી રહયા છે. રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરવાનું સદભાગ્ય જે વિદ્યાર્થીને સાંપડે એવા વિદ્યાર્થીઓ ગૌરવશાળી બને છે. રાજકુમાર કોલેજમાં ઉદ્યોગપતિઓ, તબીબો, બિઝનેશમેન વગેરેનાં બાળકો અભ્યાસ કરી રહયા છે. રાજકુમાર કોલેજ દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ વિદ્યાર્થી જાહેર કરવામાં આવે છે. અને અભ્યાસ ઉપરાંત લીડરશીપ, એનાઉન્સમેન્ટ, રમત-ગમત સહિતની એકટીવીટી વગેરેમાં પારંગત હોય એવા વિદ્યાર્થીને શ્રેષ્ઠ વિદ્યાર્થી ગણવામાં આવે છે. આ વર્ષે રાજકુમાર કોલેજનાં ધો. ૮થી અભ્યાસ કરી રહેલા આર્યા ગઢવીને શ્રેષ્ઠ વિદ્યાર્થી જાહેર કરવાની સાથે આર્યા ગઢવીની હેડગર્લ તરીકે પસંદગી કરવામાં આવી છે. રાજકુમાર કોલેજ ખાતે ચેરમેન માંધાતાસિંહ જાડેજાનાં અધ્યક્ષ સ્થાને એક સમારોહ યોજાયો હતો. જેમાં તેઓએ અને રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે આર્યા ગઢવીને હેડગર્લનું બિરૂદ એનાયત કરી તેમનું સન્માન કર્યુ હતું. આ પ્રસંગે રાજકુમાર કોલેજનાં ટ્રસ્ટીઓ વગેરે ઉપસ્થિત રહયા હતાં. અને તેઓએ આર્યા ગઢવીને અભિનંદન પાઠવ્યા હતાં. રાજકુમાર કોલેજનાં હેડગર્લ થયેલા આર્યા ગઢવી કોલેજમાં તેમની સાથે અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીનીઓ ઉપર દેખરેખ રાખી મોનીટરીંગ કરશે. આમ ગાયનેક ડો. કે.પી. ગઢવીનાં સુપુત્રી આર્યા ગઢવીને રાજકુમાર કોલેજનાં હેડગર્લ તરીકે મહત્વની જવાબદારી સોંપવામાં આવતા શુભેચ્છાની વર્ષા થઈ રહી છે.