દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાના એવા કેનેડી ગામના ચિત્રકાર અરવિંદભાઈ ખાણધરને જાણે કલાકારી માટે દેવી સરસ્વતીની કૃપા બની રહી હોય, તેમ તેમના ચિત્ર ઠેર-ઠેર પ્રશંસાને પાત્ર બની રહ્યા છે. અરવિંદભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલા શ્રીનાથજીના મુખારવિંદના સુંદર ચિત્રને ગુજરાત સરકારના સામાયિક “ગુજરાત”ના દિપોત્સવી અંકમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત “ગુજરાત દિપોત્સવી અંક ૨૦૭૮”માં કેનેડી ગામના અરવિંદભાઈ ખાણધર દ્વારા નોંધપાત્ર જહેમતથી તૈયાર કરવામાં આવેલા “શ્રીજીના મુખારવિંદ” કલાકૃતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના “ગુજરાત” સામાયિકના દિપોત્સવી અંકનું દશેરાના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ દળદાર અંકમાં વિવિધ પ્રકારના લેખ, નવલિકા, વિનોદિકા, નાટિકા, કાવ્ય રચના સાથે નયનરમ્ય તસવીરો પણ સમાવિષ્ટ કરવામાં આવી છે. જેમાં કેનેડી ગામના અરવિંદભાઈ ખાણધરની કલાકૃતિને પણ ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અરવિંદભાઈની અગાઉ રજૂ કરવામાં આવેલી “માખણ ચોર – શ્રીકૃષ્ણ” કૃતિને ગત વર્ષે પણ “ગુજરાત” સામાયિકના દિપોત્સવી અંકમાં સમાવિષ્ટ કરવામાં આવી હતી. ખેત વ્યવસાય સાથે સંકળાયેલા અરવિંદભાઈ ખાણધરની બાળપણથી જ ચિત્રકલા પ્રત્યેની સુરૂચી બાદ તેમની આવડત અનેરી સિદ્ધિ સાબિત થઈ છે.