રેશનકાર્ડમાં નામ ઉમેરીને રૂા.૭૨૦ કરોડનું કૌભાંડ આચર્યાનો “આપ”નો આક્ષેપ
રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે રાષ્ટ્રીય પક્ષો દ્વારા આક્ષેપો-પ્રતિ આક્ષેપો પણ વધુ તેજ બની રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે તાલુકામાં તાજેતરમાં ઝડપાયેલા સસ્તા ભાવના અનાજના કૌભાંડ બાદ અહીંના આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આ અંગે અંગત રીતે છાન-બિન કરી, રાજ્યમાં મોટા પાયે કૌભાંડ હોવા અંગેના આક્ષેપો કર્યા છે. આના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આમ આદમી પાર્ટીના સ્થાનિક આગેવાનો દ્વારા યોજવામાં આવેલી એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ફક્ત ભાણવડ તાલુકામાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં ચોક્કસ વર્ગને મળવા પાત્ર સસ્તા અનાજના રેશનકાર્ડમાં વ્યાપક કૌભાંડો આચારવામાં આવ્યા છે. જેના અનુસંધાને કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે. છેલ્લા આશરે અઢી વર્ષના સમયગાળા દરમ્યાન કૌભાંડી તત્વોએ રાશનકાર્ડમાં બોગસ નામ ચડાવવાનું કૌભાંડ આચરી, છેલ્લા ૩૬ મહિનામાં રૂા.૭૨૦ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું તેમના દ્વારા નિવેદનમાં જણાવાયું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં ગાંધીનગરથી ખાસ આવેલા પાર્ટીના કાર્યકર સામતભાઈ ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગેની સવિસ્તૃત માહિતી આપતા શેઢાખાઈ ગામના જગદીશભાઈ ચેતરીયાએ જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં સસ્તા અનાજના રેશનકાર્ડમાં ખૂબ મોટી સંખ્યામાં અનઅધિકૃત રીતે નામો ચડાવી અને તેઓને મળવાપાત્ર સરકારી અનાજ ઉપાડી લેવામાં આવ્યું હતું. આ અંગે અહીંના પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા તેમજ સ્ટાફ દ્વારા જવાબદારો સામે પોલીસ ફરિયાદ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી હતી. તેના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. આ મુદ્દે તેમના દ્વારા સરકારી વેબસાઈટમાંથી લીધેલા આંકડાઓ મુજબ મે મહિનામાં ૧૨,૩૯૦ રેશનકાર્ડ સાથે ૧.૧૮ લાખ લોકોનો, જ્યારે જૂન મહિનામાં માત્ર ૨૫૦૫ રેશનકાર્ડના વધારા સાથે ૪૩,૧૦૦ લોકોનો ઉમેરો થયો હતો. બાદમાં ભાણવડ તાલુકામાં થયેલી પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહીના પ્રત્યાઘાત રૂપે જુલાઈ મહિનામાં વધેલા ૨૦,૧૪૦ રેશનકાર્ડ સામે ઉલટી પરિસ્થિતિમાં ૫,૮૬,૭૦૧ લોકોનો નોંધપાત્ર ઘટાડો થયો હતો. આમ કૌભાંડ પછી સમગ્ર રાજ્યમાં ડરી ગયેલા તત્વો દ્વારા અનઅધિકૃત રીતે દાખલ કરવામાં આવેલા નામો રદ કરાયા બાદ કડક કાર્યવાહી ન થતા અને પરિસ્થિતિ કાબુમાં જણાતા ગત ઓગસ્ટ તથા સપ્ટેમ્બર માસમાં અનુક્રમે ૧.૪૮ લાખ અને ૧.૦૫ લાખ નવા વ્યક્તિઓનો ઉમેરો કરવામાં આવ્યો હોવાની માહિતી જગદીશભાઈ ચેતરીયાએ આપી હતી. કેન્દ્ર સરકાર દ્વારા દર મહિને વ્યક્તિદીઠ ૧૦ કિલો અનાજ આપવામાં આવે છે. ત્યારે આશરે છ લાખ જેટલા વ્યક્તિઓના છેલ્લા અઢી વર્ષ દ્વારા અપાતા અનાજના આ જથ્થામાં આશરે રૂપિયા ૭૨૦ કરોડ જેટલું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ આપના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો છે. આ સમગ્ર બાબતની માહિતી આપી, આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યવ્યાપી આ કૌભાંડમાં સંડોવાયેલા તત્વો સામે તાકીદે ઝડપી લઇ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.