જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ગઈકાલે શરદ પૂનમનાં દિવસે ઠાકોરજીનાં સાંનિધ્યમાં શરદોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભગવાન સ્વામિનારાયણનાં સ્વહસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતનાં દેવો ભકતજનોની મનોકામના પૂર્ણ કરે છે તેવા આ ભવ્ય મંદિર ખાતે સેવાકિય પ્રવૃતિ, ધાર્મિક કાર્યો થતા રહે છે. હાલ મંદિર પરીસરનાં વિકાસની પ્રક્રિયા પણ સતત ચાલી રહી છે. ચેરમેન પૂજય દેવનંદન સ્વામિ, કોઠારી સ્વામિ પૂજય પ્રેમસ્વરૂપદાસજી, કોઠારી સ્વામિ પીપી સ્વામિ, કુંજ સ્વામિ સહિતનાં સંતો અને સેવકગણ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહેલ છે ત્યારે ગઈકાલે શરદ પૂનમનાં દિવસે શરદોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. પૂજન, આરતી સહિતનાં કાર્યક્રમો સાથે બિલખા નજીક આવેલા ભલગામ ગરબી મંડળનાં બાલદોસ્તાનાં રાસનો કાર્યક્રમ યોજાયો હતો અને ઉપસ્થિત જનસમુદાયએ માણ્યો હતો.