વિશ્વ પ્રસિધ્ધ ઈતિહાસ કાળમાં સોમનાથ મહાદેવ મંદિરની રક્ષા કાજે સોમનાથની સખાતે ચઢેલ વીર હમીરજી ગોહીલના કથાનક ઉપર બનેલ ગુજરાતી ફિલ્મના અભિનેતા મૌલિક પાઠકે સોમનાથ મહાદેવના ભાવવિભોર -ભક્તિ સાથે દર્શન પૂજન કર્યા હતા.
મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતી ચિત્રોનું ભાવિ ઉત્તમ છે. સરકાર પણ હવે સર્જકોના સથવારે આવેલ છે. સ્ક્રીપ્ટ ઉપર પણ નવા સર્જકો પુરેપુરો ધ્યાન આપી રહયા છે. સમગ્ર વિશ્વમાં ફિલ્મ ઉદ્યોગમાં મંદી છે ત્યારે ગુજરાતી ફિલ્મોની ગુણવત્તા સારી થઈ છે જે આકર્ષણને કારણે બોલીવુડના કલાકારો પણ ગુજરાતી ફિલ્મોમાં કામ કરવા આવે છે. જેમ કે ‘મહિલાઓ માટે’ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, તેમણે હૃદયના ભાવથી એક સરસ વાત કહી ‘એકટર, સીંગર, ડાન્સર, વાદક તમારામાં જે નેચરલ હોય તેની અતિ ઉત્તમ તાલીમ લ્યો, નિષ્ઠાથી કામ કરો, જરૂર પડયે કોઈ ગુરૂ પાસેથી શીખો અને ખાસ વાત મોબાઈલમાં જેમ અપગ્રેડેશન થતું જ રહે છે તે પ્રમાણે ચાલો, તો તમે ઉત્તમ કલાકાર બની જ શકશો.
વડોદરાનો લક્ષ્મી ફિલ્મ સીટી સ્ટુડીઓ જે હવે ટુરીઝમ વિભાગના સહયોગથી અપગ્રેડ થઈ અદ્યતન બની ગયો છે. જયાં ગંગાઘાટ, પોલીસ સ્ટેશન-રીસોર્ટ વગેરે બની ગયા છે. જે આવનારા દિવસોમાં ફિલ્મ નિર્માણો અને ટુરીસ્ટ પ્લેસ તરીકે ગુજરાતનું નામ રોશન કરશે. આગળ વાત ધપાવતા કહેછે કે, માસ્ટર ડીગ્રી સ્કુલ ઓફ પર્ફોમીંગ આર્ટસમાં એડમીશન લેવા ગયો તો મારે અન્ય શાખામાં જવું હતું પણ નાટકનું રીહર્સલ જાેઈ તેમાં એડમીશન મેળવી લીધું અને અભિનયમાં એવી એકાત્મકતા દાખવી કે સ્કુલના મારા સહ વિદ્યાર્થીઓ નાટકના પાત્ર જાેયા પછી મને યમરાજ, સેવકરામના નામે જ બોલાવતા હતા. ‘વીર હમીરજી ગોહીલ’ મારા અભિનયવાળી ફિલ્મ ર૦૧રમાં રીલીઝ થઈ જેને ગુજરાત સરકારના રર એવોર્ડ મળ્યા હતા. જે અત્યાર સુધી ગુજરાતી ચલચિત્રોને ગુજરાત સરકારના એવોર્ડમાં સૌથી વધુ છે.
હિન્દી, ઉર્દુ, સંસ્કૃત, મરાઠી, ગુજરાતી, અંગ્રેજી નાટકોમાં અભિનય કર્યો છે અને અભ્યાસ પણ કર્યો છે. જય કુબેર ભંડારી મારી પ્રથમ ગુજરાતી ફિલ્મ હતી. જેમાં નરેશ કનોડીયા મુખ્ય પાત્રમાં હતા અને હું વિલન હતો. અન્ય અભિનીત ચિત્રોમાં પ્રિત જન્મો જન્મની, ભુલાશે નહીં, જેમાં નેગેટીવ રોલ હતો. લાંબો રસ્તો, અફરા તફરી, કોણ પારકા ને કોણ પોતાના, છેલ્લી પાંચ મિનીટ વગેરેમાં અભિનય કરેલ છે.
આવનારી ફિલ્મોમાં ખેડુત, સેવા સુરક્ષા શાંતિ છે. સિરીયલમાં સો દાડા સાસુના, ન ઘરનો ન ઘાટનો, ગોરા કુંભાર વગેરેમાં કામ કરેલ છે. હિન્દી સિરીયલમાં સારથી, ભાભી અને મિલી..માં કામ કરેલ છે. સોમનાથ મહાદેવના દર્શન અને મંદિર આસપાસ થયેલ વિકાસ નિહાળી પ્રસન્નતા અનુભવી અને સોમનાથ દાદાના દર્શનથી ધન્ય બન્યો છું તેમ અંતમાં જણાવ્યું હતું.