ભારતના સુપર સ્ટાર અને સદીઓના મહાનાયક ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચનનો આજે તા.૧૧ ઓકટોબરે જન્મ દિવસ છે. મિલેનિયમ આ ફિલ્મ સ્ટાર ‘ખુશ્બુ ગુજરાત કી’ ટુરીઝમ ફિલ્મ એડના શુટીંગ માટે તા.૪-૬-ર૦૧૦ ના રોજ સોમનાથ આવી ચુકેલ છે. સોમનાથના ભાસ્કર વૈદ્ય કહે છે કે બોલીવુડના આ શહેનાશાહ માટે હાલ સોમનાથ મંદિર પાસે આવેલ વીવીઆઈપી ગેસ્ટ હાઉસમાં એક નંબરનો રૂમ રાખવામાં આવેલ હતો. જેની આજે પણ ઓળખ અમિતાભવાળા રૂમ તરીકે થાય છે. તે દિવસોમાં સોમનાથ ખાતે રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન આવે ત્યારે જેવી સજાવટ કે વ્યવસ્થાઓ કરાય છે તેવી વ્યવસ્થા પણ ગોઠવાઈ હતી.
સમગ્ર સોમનાથ મંદિરના ઘેરાવાને ભરતકામવાળા રંગબેરંગી તોરણો લગાવાયા હતા. અને મંદિરના સ્થંભો ખાસ બેંગ્લોરથી મંગાવેલા કમળ ફુલ જેવા જલબેરાના ગુલદસ્તા મંદિરના સ્થંભો ઉપર લગાવાયા હતા.
કેટલાય દિવસોથી મંદિરની અંદર ફર્સ ઘસી ઘસીને સફાઈ સાથે ચળકાટવાળી બનાવાઈ હતી. અમિતાભના રૂમમાં ખાસ ઈન્ટરનેશનલ જાેડાણવાળું કોમ્પ્યુટર લગાવાયું હતું જેથી તે સોમનાથ મુલાકાત દરમ્યાન પોતાના સ્વદહસ્તે બ્લોગ લખી વિશ્વના ઈન્ટરનેટોમાં ઝળહળાવી શકે. અમિતાભના રૂમમાં એલએસડી ટીવી ગોઠવાયું હતું. તેની ઉંચાઈ પાંચ ફુટથી વધુ હોય જેથી આવડો પલંગ તો અહીં હતો નહીં જેથી તે અગાઉ સાસણ આવેલ તે સમયે સુતારોએ તેને માટે બનાવેલા પલંગને તાબડતોબ અત્રે લેવાયો હતો.
અમિતાભ બચ્ચન પોતાના મેકઅપ, ભોજન અને આરામ માટે ખાસ વેનીટીવાન અહીં લવાયું હતું. અમિતાભે સોમનાથ મંદિરમાં હજારો પ્રજવલ્લીત દિવડાઓ સામે ઉભીને વંદન કરતા અને મંદિર સંકુલમાં આવેલ કિર્તન હોલના ગજાનન મંદિર પાસેના ખુણે ઉભી સોમનાથ મંદિર નિહાળતા હોય તેવા દ્રશ્ય તેમજ પ્રાચીન અહલ્યાબાઈ મંદિર પાસે આવેલ વડના ઝાડ પાસે આવેલ એક ખાનગી આઈસ્ક્રીમ પાર્લરના ઓટલા ઉપર ઉભીને મંદિર જાેતા હોય તેવા દ્રશ્યો કચકડે કંડારાયા હતા અને દેશભરના ટીવીના પડદે પ્રસારીત પણ વારંવાર થયા છે.
અમિતાભે સોમનાથ મંદિરના લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં વિનામૂલ્યે પોતાનો અવાજ પણ આપ્યો હતો. અમિતાભને જયારે કુલી ફિલ્મના શૂટીંગ દરમ્યાન અકસ્માત નડેલ ત્યારે તે સમયના ફિલ્મ રસીકોએ સોમનાથ દર્શન-પૂજા અને જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી.
પ્રભાસ કે ગીર સોમનાથના કેબીસીમાં કોઈપણ ભાઈ-બહેનોનો સ્પર્ધક તરીકે ચાનસ મળતો ત્યારે તેઓ સોમનાથ બિલ્વપત્ર નમન, રૂદ્રાક્ષની માળા અને સોમનાથ મહાદેવની તસ્વીર સાથે લઈ જતા અને હાથો હાથ આપી પોતે સોમનાથથી આવે છે તેમ જણાવતા હતા.
અમિતાભ બચ્ચનની ખુશ્બુ ગુજરાત કી.. એડથી લોકો એટલા પ્રભાવિત રહયા કે આજદિવસ સુધી સોમનાથના યાત્રિકો, ભાવિકોમાં ઉત્તરોત્તર વધારો થતો જ રહે છે. અમિતાભને નિહાળવા ગામડે ગામડેથી સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાંથી લોકો તે દિવસે સોમનાથ આવ્યા હતા અને કેટલાક લોકોને અમિતાભની ઝલક જાેવા મળી હતી.