Monday, December 4

બાય બાય રાજકોટ : રાજકોટના આતિથ્યને માણી વિદાય લેતા ખેલાડીઓ સમગ્ર આયોજનથી ખુશખુશાલ

0

કાઠિયાવાડી પરંપરા, ગરબાઓ સહિત ગુજરાતની સંસ્કૃતિની ખુશ્બુ માણતા ખેલાડીઓ

રાજકોટમાં ૪૦ જેટલા હોકી મેચ તેમજ સરદાર પટેલ સ્નાનાગર ખાતે સ્વિમિંગ, ડાઇવિંગ, વોટર પોલોની ૬૦ ઇવેન્ટસનું સુંદર આયોજન મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુકત રીતે કરવામાં આવ્યું હતું. રાજકોટ પધારેલા અનેક આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓની રહેવા, જમવા, પરિવહન સહિતની કામગીરી સુપેરે પાર પાડવામાં તંત્રએ રાજકોટનું નામ રોશન કર્યું છે. ત્યારે બંને નેશનલ ગેમ્સના ખેલાડીઓ રાજકોટથી વિદાય લેતા ખુશખુશાલ જાેવા મળ્યા હતાં.
ખેલાડીઓનું આતિથ્ય ઃ અતિથિઓની સરભરાની જવાબદારી સંભાળી હતી તે સહાયક મ્યુનિસિપલ કમિશ્નર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, ખેલાડીઓ તેમજ મેચ ઓફિસિયલ્સ રાજકોટ આવ્યા ત્યારે તેઓનું કુમકુમ તિલક, ગરબા અને ઢોલ-નગારાના તાલે કાઠિયાવાડી પરંપરા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તથા હોટેલ ખાતે હેલ્પ ડેસ્ક બનાવ્યું હતું જેથી ખેલાડીઓને કોઈ મુશ્કેલી ન પડે. બીજી ઓક્ટોબરે ગાંધી મ્યુઝિયમની મુલાકાત, પ્રાચીન અર્વાચીન ગરબાઓની મુલાકાત તેમજ જાેવા લાયક સ્થળોની વિગતો સાથેના બ્રોશર ખેલાડીઓને આપવામાં આવ્યા હતાં.
આરોગ્ય સેવા : આ તકે ખેલાડીઓની હેલ્થની જવાબદારી આરોગ્ય વિભાગ તેમજ ૧૦૮ની ટીમ દ્વારા સંભાળવામાં આવી હતી. સ્વિમિંગના પાંચ અને હોકીના નવ ટ્રોમાના કેઈસમાં ખેલાડીઓને સ્થળ ઉપર તેમજ બે ખેલાડીઓને એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલ્સમાં સારવાર પુરી પડાઈ હોવાનું પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરે જણાવ્યું હતું.
સફાઈ કામગીરી : મેદાન ઉપર સ્વચ્છતા જળવાઈ રહે, તે માટે રાઉન્ડ ધ ક્લોક સાફસફાઈ તેમજ વધેલા ખોરાકનું ખાતર બનાવવા મોબીટ્રેશ વાન ઉપલબ્ધ કરાવાઈ હતી. અધિકારી દિગ્વિજયસિંહ તુવરાએ જણાવ્યું હતું કે, અંદાજિત ૩ ટન બાયો- ડીગ્રેડેબલ વેસ્ટમાંથી ખાતર તેમજ ૨૦ હજાર પેટ બોટલનું રી-સાઇક્લિંગ કરવામાં આવ્યું છે.
ઉતારો અને પરિવહન : રાજકોટ ખાતે ખેલાડીઓને રહેવા માટે હોટેલ્સ તેમજ પરિવહન માટે વાહનોની સુંદર અને આયોજનબધ્ધ વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી.
મહાનુભાવોના પ્રતિભાવ : હોકી મેચના ડિરેક્ટરે તેમનો પ્રતિભાવ આપતા જણવ્યું હતું કે, રાષ્ટ્રીય રમતનું સ્લોગન ‘‘જુડ઼ેગા ઇન્ડિયા, જીતેગા ઇન્ડિયા’’ સાચા અર્થમાં રાજકોટ ખાતે સાર્થક થયું છે, કારણ કે, અહીં વિભિન્ન પ્રાંત અને ધર્મના ખેલાડીઓ ભાઇચારાની ભાવના સાથે રમ્યા છે. જે ભારતની સાચી ઓળખ છે. જયારે હોકી ઇન્ડિયાના સેક્રેટરી ભોલેનાથે જણાવ્યું હતું કે, ખેલાડીઓ આગળ વધે તે માટે ભારત સરકાર દ્વારા વધુને વધુ પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવી રહ્યું છે, ત્યારે વધુને વધુ યુવાઓ રમત ગમતમાં જાેડાઈ મેડલ્સ મેળવી દેશનું નામ રોશન કરે. હરિયાણા રમતગમત મંત્રી અને હોકીના રોલ મોડેલ સંદીપ સિંહ રાજકોટ ખાતે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા આવ્યા હતાં. તેઓ આયોજનથી પ્રભાવિત થયા હતાં.
સન્માન : આ તકે ૧૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય મેચમાં અમ્પ્યાર તરીકે સેવા આપનાર જાવેદ શેખનું કાઠિયાવાડી પરંપરાથી હોકી ટીમ, રાજકોટ વતી કોચ મહેશ દિવેચા અને ટીમે સન્માન કર્યું હતું.
રાજકોટ ખાતે સ્પર્ધાઓને સફળ બનાવવા મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા, નાયબ કમિશ્નર આશિષ કુમાર, એ.કે. સિંહ, સી.કે. નંદાણી, જિલ્લા રમત વિકાસ અધિકારી રમા મદ્રા, વેન્યુ મેનેજર અવની હરણ, રાજકોટ રમત-ગમત અધિકારી જાડેજા, સ્વિમિંગના કોચ બંકિમ જાેશી, એન.સી.સી. એન.એસ.એસ.ના વોલન્ટીયર્સ સહિત અનેક લોકોએ પરિશ્રમ કર્યો હતો.

error: Content is protected !!