ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે કોડીનાર આઈ.સી.ડી.એસ. કચેરી દ્વારા કોડીનાર લોહાણા મહાજન વાડી ખાતે મહિલા સશક્તિકરણ અને મહિલાઓને નારી અદાલત અંગેની સમજ અંગે એક નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન વાજાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલા આ નારી સંમેલનમાં જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે અને રમેશભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નારી અદાલત વિષે વિસ્તૃત સમજ મહિલા આયોગના લતાબેન રાઠોડએ આપી હતી તેમજ કોડીનારમાં ૧૨૦૦૦ થી વધુ મહિલા સભાસદ ધરાવતા સોરઠ મહિલા મંડળના મોતીબેન ચાવડાએ મહિલાઓએ આર્ત્મનિભન બનવા અંગે સમજ આપી હતી. નારી સંમેલનમાં ઉપસ્થિત મહિલા સુરક્ષા અભ્યમના રંજનબેન વાઘેલા સહિતનાએ મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓની સમજ આપી હતી. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબેન પ્રતાપભાઈ ડોડીયા, ટી.ડી.ઓ.રાવલ તથા નાયબ મામલતદાર પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સફળ આયોજન કોડીનાર આઈસીડીએસ કચેરીના મંજુબેન મોરીએ કર્યું હતું.