હત્યારા પિતાએ સાત દિવસ સુધી માસુમ દિકરીને ખાવા-પીવાનું ન આપી માર મારી વાળમાં લાકડી બાંધી શેરડીની વાડની વચ્ચે બેસાડી રાખતા મોતને ભેટી : હત્યારા પિતાએ દિકરીની હત્યા છુપાવવા ચેપીરોગનું કારણ જણાવી મોડીરાત્રીના ગામના સ્મશાનમાં ઘરમેળે અંતિમવિધિ પણ કરી નાંખેલ : માસુમ દિકરી સાથે થયેલ અત્યાચારની સમગ્ર ઘટનાથી માતાને જ અજાણ રાખવામાં આવેલ : માસુમ દિકરીના નાનાએ જમાઈ અને તેના ભાઈ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી
ગીર-સોમનાથના તાલાલાના ઘાવા ગીર ગામની ચકચારી ૧૪ વર્ષીય માસુમ દિકરીની હત્યાના કેસમાં મોટો ઘટસ્ફોટ સમાન ખુલાસો થયો છે. જેમાં દિકરી ધૈર્યાને વળગાડ હોવાની આશંકાએ તેની વાડીમાં જ માસુમ ઉપર સતત સાત દિવસ સુધી તાંત્રિક વિધી કરી અમનુષી અત્યાચાર ગુજારીને તેના પિતા અને મોટા બાપુજીએ જ મોતને ઘાટ ઉતારી દીધી હોવાની હચમચાવી હકિકતનો ખુલાસો પોલીસ પૂછપરછમાં થયો છે. કાતિલ પિતાએ માસુમની કરેલ હત્યાની સમગ્ર ઘટનાથી તેની પત્નીને અજાણ રાખેલ અને માસુમના છાને છુપે કરાયેલા અગ્નિ સંસ્કાર બાદ જ જનેતાને મૃત્યુંની જાણ કરી હતી. જેમાં પણ માસુમનું મૃત્યું કોઈ ચેપીરોગથી થયાનું જનેતા તથા કુટુંબીજનોને જણાવ્યું હતું. આ હચમચાવી નાંખતા ખુલાસા બાદ માસુમ દિકરીના નાનાએ તેના જમાઈ અને તેના મોટા ભાઈ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. દિકરી વ્હાલનો દરીયો એવા અનેક સુત્રો સમાજમાં દિકરીના સન્માનમાં બોલાય છે પરંતુ આજે પણ સમાજમાં દિકરીઓ ઉપર ક્યાંકને ક્યાંક અત્યાચારો પણ થતા હોવાની ઘટનાઓ વારંવાર સમાજમાં જાેવા મળે છે. એવા સમયે ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ઘાવા ગીર ગામએ સુખી સંપન્ન પરીવારની ૧૪ વર્ષીય માસુમ દિકરીને વળગાડ હોવાની શંકાએ તેના પિતા અને મોટા બાપુજીએ તાંત્રિક વિધીના રવાડે ચડી અમાનુષી અત્યાચાર કરી માસુમની હત્યા નિપજાવ્યાની હચમચાવતી ઘટનાનો ખુલાસો થયો છે. આ ચકચારી ઘટના અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કામકાજ અર્થે ભાવેશભાઈ અકબરી પત્ની અને ૧૪ વર્ષીય બાળકી ધૈર્યા સાથે સુરત રહેતા હતા અને તેમને વતન ઘાવા ગીર ગામમાં ૨૦ વિઘા પરીવારની ખેતીની જમીન પણ હતી. થોડા મહિના પહેલા તેઓ તેમની દિકરી ધૈર્યાને અભ્યાસ અર્થે ઘાવા ગામ નજીકની શાળામાં એડમીશન કરાવી તેના મોટા ભાઈ સાથે રહેવા મુકી ગયા હતા. બાદમાં ચારેક દિવસ પૂર્વે તા.૮ના ઘાવા ગામેથી ભાવેશના મોટાભાઈ દિલીપભાઈ અકબરીએ ટેલીફોનીક માસુમના નાના વાલજીભાઈ ડોબરીયાને માસુમ ધૈર્યાનું ચેપીરોગના કારણે મૃત્યું થયાની જાણ કરી હતી. જેથી તેઓ પરીવારજનો સાથે ઘાવા ગામે પહોંચેલ ત્યારે જાણવા મળેલ કે સુરત રહેતી તેમની દિકરી એવી માસુમની માતા કપિલાબેનની પણ રાહ જાેયા વગર તેમની દોહીત્રી ધૈર્યાના અગ્નિ સંસ્કાર પણ તેના પિતાએ ઘરમેળે કરી નાંખ્યા હતા. બાદમાં સાંજે તેમની પુત્રી સુરતથી આવતા તેણીને મળીને તેઓ પરત નીકળી ગયા હતા. અમારી દિકરીના મૃત્યુંની જણાવાયેલ વિગતોથી કંઈ અઘટિત થયાની શંકા વાલજીભાઈ ડોબરીયા અને તેમના પરીવારજનોને લાગતી હતી. દરમ્યાન ગઈકાલે વાલજીભાઈ ઘાવા ગામ જતા ત્યાં વાતોવાતમાંથી જાણવા મળેલ કે, તેમની દોહીત્રી ધૈર્યાનું મૃત્યું બીમારી નહીં પરંતુ તાંત્રિક વિધીના બહાને તેમના જમાઈ ભાવેશ અને તેના ભાઈ દિલીપે તેની જ વાડીમાં કરી હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે વાલજીભાઈએ જમાઈના મોટાભાઈ દિલીપભાઈને પુછતા તેઓએ જણાવેલ કે, ૧૪ વર્ષીય ધૈર્યાને વળગાડ હોવાથી તેના ભાઈ ભાવેશના કહેવાથી ધૈર્યાના જુના કપડા સાથે વળગાડ કાઢવા માટે તા.૧-૧૦-૨૨ના રોજ બપોરના ત્રણેક વાગ્યે અમારી વાડીએ લઈ ગયેલ હતો. ત્યાં હાજર ભાવેશે વળગાડ કાઢવા માટે ધૈર્યાના કપડા તથા અન્ય સામાનને વાડીના મકાનની સામે રહેલા પથ્થર ઉપર સળગાવેલ હતી. બાદમાં બે કલાક સુધી આ આગ પાસે માસુમ ધૈર્યાને નજીક ઉભી રાખેલ હતી. જેના કારણે માસુમ દિકરીના પગમાં તથા હાથમાં ફોડલા પડવા લાગતા રાડો નાખવા લાગેલ હતી. ત્યારે માસુમને ધમકાવી શાંત કરી હતી. બાદમા એ જ દિવસે આખી રાત વળગાડ કાઢવા માટેની વિધી કરી હતી. ત્યારપછી બીજા દિવસે તા.૨ના રોજ સવારે ૬ વાગ્યે હું તથા ભાવેશે માસુમ ધૈર્યાને લાકડી તથા વાયર વડે માર મારી વાડીમાં આવેલ શેરડીના વાડની વચ્ચે લઈ ગયેલ હતા. જ્યાં માસુમ ધૈર્યાના માથાના વાળમાં ગાંઠો મારી લાકડી બાંધી તેની બંને બાજુ ખુરશી રાખી શેરડીના વાડમાં બેસાડી દીધેલ હતી. બાદમાં બે-ત્રણ દિવસ સુધી માસુમ દિકરીને ખાવા-પીવાનું કે પાણી આપેલ નહીં અને કયારેક કયારેક તેની હાલત જાેવા બંને ભાઈ જતા હતા પરંતુ માસુમ દિકરી વાડમાં આંખો બંધ કરી કાંઈ બોલતી ન હતી. બાદમાં તા.૫ના રોજ સવારના અગ્યારેક વાગ્યાના ભાવેશ અને તેનો ભાઈ દિલીપ માસુમ દિકરી ધૈર્યાને જાેવા જતા તેણી વાડમાં આડી પડી ગયેલ જાેવા મળતા જીવિત હોવાનું સમજીને બંને પરત ફરી ગયા હતા. બાદમાં તા.૭ના રોજ સવારના આશરે દશેક વાગ્યાના સમયે બંને ભાઈઓ ફરી જાેવા ગયેલ તે સમયે માસુમ ધૈર્યા મરણ ગયેલ હાલત જાેવા મળેલ અને તેના શરીરમાં જીવાત પડી ગયેલ હતી. આથી માસુમ ધૈર્યાના મૃત્યુંની કોઈને જાણ ન થાય તે માટે લાશને પ્લાસ્ટીકની કોથળી, કાપડાના બ્લેન્કેટ તથા ગોદડામાં વીંટીને અંતિમવીધી કરવાનું નકકી કર્યુ હતું. તેમના કુંટુંબીજનોને માસુમ ધૈર્યાનું મૃત્યું ચેપી રોગના કારણે થયેલ હોવાનું કહ્યું હતું. બાદમાં મોડી રાત્રીના ત્રણેક વાગ્યે સફેદ કલરની તેમની કારની ડેકીમાં માસુમ ધૈર્યાની લાશ લઈને ગામના સ્મશાને લઈ જઈ અંતિમવિધિ કરી નાંખી હતી. જાે કે, માસુમ ધૈર્યાના મૃત્યું અંગે બંને ભાઈઓએ જણાવેલ થિયરી કુંટુંબીજનો સાથે ગ્રામજનોને ગળે ઉતરતી ન હોવાથી માસુમની તાંત્રિક વિધિના બહાને હત્યા કરાઈ હોવાની વાતો વહેતી થઈ હતી. જાે કે, માસુમ ઉપર સાત દિવસ સુધી તાંત્રિક વિધિના બહાને કરાયેલ અમાનુષી અત્યાચારની સમગ્ર હચમચાવતી ઉપરોકત વિગતો સાથે માસુમ ધૈર્યાના નાના વાલજીભાઈ ડોબરીયાએ તેના જમાઈ ભાવેશ અકબરી અને તેના મોટાભાઈ દિલીપ અકબરી સામે ફરીયાદ નોંધાવતા તાલાલા પોલીસે આઈપીસી કલમ ૩૦૨, ૨૦૧, ૧૧૪ અને જીપીએક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ પી.જી. બાંટવાએ હાથ ધરી છે. આ ચકચારી ઘટનામાં થયેલા મોટા ખુલાસા બાદ પણ અનેક સવાલો લોકોના મનમાં ચર્ચાય રહ્યા છે. જેમાં ૧૪ વર્ષીય માસુમ દિકરી ઉપર સાત સાત દિવસ સુધી અમાનુષી અત્યાચાર કરતા પિતાનો જીવ કેમ ચાલ્યો ? આ અત્યાચારના સમગ્ર ઘટનાક્રમથી માસુમની સુરત રહેતી માતાને જ અજાણ કેમ રાખી ? પિતા દ્વારા અપાયેલ દિકરીને વળગાડનું કારણ ખરેખર સાચુ છે કે, પછી અન્ય કોઈ કારણ છે ? પિતાએ તાંત્રિક વિધિ કોની પાસે કરાવી ? તે શખ્સ કોણ છે ? આવા અનેક સવાલોના જવાબો મેળવવા પોલીસ મથી રહી છે.