દીપાવલીનાં તહેવારો નજીક આવી રહ્યા છે. બજારોમાં એક તરફ તેજીનો દોર શરૂ થવાની આશા વેપારીઓ રાખી રહ્યા છે અને દરેક બજારોમાં રોશનીનો ઝગમગાટ અને શણગારવામાં આવેલ છે. પરંતુ જાેઈએ તેવી ઘરાકી જાેવા મળતી નથી. સાંજનાં સમયે બજારો ભરચક તો હોય છે પરંતુ જાેઈએ તેવી ખરીદી થતી ન હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. બે વર્ષ કોરોનામાં કાઢયા બાદ આ વર્ષે ઉત્સાહ પૂર્વક દરેક તહેવારોની ઉજવણી થઈ રહી છે અને હવે ઘર આંગણે પહોંચી ગયેલા દીવાળીનાં તહેવારો પણ ઉમંગભર્યા રીતે ઉજવવામાં આવે તેવી શકયતા વચ્ચે મોંઘવારીનો એટમ બોમ્બ રોજ ત્રાટકી રહ્યો છે ત્યારે આ વર્ષે દીવાળીનાં તહેવારો ઉજવણી મોંઘી બની જવાની છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનાં હાયકારો બોલાવી દેતા ભાવોએ ગૃહીણીઓનાં બજેટ ખોરવી નાખ્યા છે. જાેકે, ચોમાસા બાદ શાકભાજીમાં થોડીઘણી રાહત થઈ છે પરંતુ એકલા શાકભાજીથી ભોજનનો પ્રબંધ થતો નથી. એક વ્યકિતની રસોઈ માટે પણ ચટણી, મીઠુથી લઈ બળતણ સુધીની અનેક વસ્તુઓ જાેઈતી હોય છે. સરેરાશ સર્વે કરવામાં આવે તો એક વ્યકિતનાં ભોજન ખર્ચ પાછળ રોજીંદો કમસેકમ ૧પ૦ રૂપિયાનો ખર્ચો થાય એ પણ એક વખતનું જમવામાં તો વધારે સંખ્યા હોય તેમ વધુ ખર્ચો થવાને છે. આ ઉપરાંત વીજળી ખર્ચ, ઘરવેરો, બાળકોનાં ભણતરનો ખર્ચ, સાજુ-માંદુ કોઈ બિમાર હોય તો આરોગ્ય ખર્ચ આ તમામ ખર્ચને પહોંચી વળવા આભે તારા દેખાય જતા હોય છે. ત્યારે મોજશોખની બીજી વસ્તુઓની વાત જ શું કરવી. આજે તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે લોકોને ઘર સજાવટ, વસ્ત્રોની ખરીદી તેમજ જરૂરિયાત મુજબની તમામ ચીજવસ્તુઓ ખરીદવા માટે નાણાંની જરૂર પડવાની છે. દૂધથી લઈ અને અનેક પ્રકારની ચીજવસ્તુઓ સતતને સતત મોંઘી બની રહી હોય, ઉપરાંત પેટ્રોલ-ડીઝલનાં ભાવો, બળતણનાં ભાવો આ બધો જ માર આમ જનતા ઉપર પડી રહ્યો છે. તહેવારો આવે એટલે ખાસ કરીને આર્થિક રીતે ગરીબ અને મધ્યમ વર્ગની જનતાને માથે તો હથોડો પડે તેવી વેદના થતી હોય તેમ છતાં સુખ-દુઃખમાં પણ આ લોકો મોઢે તમાંચા મારી અને મોઢુ હસતું રાખે છે તેવા સંજાેગો આજે દિન પ્રતિદિન અનેક સમસ્યાઓ વચ્ચે આ લોકો પીસાઈ રહ્યા છે. દીવાળીનાં તહેવારોમાં ખાસ કરીને બાળકો માટે ફટાકડાનો જુમખો આપી દો એટલે બાળકો ખુશ-ખુશાલ બની જતા હોય છે. અગાઉ વર્ષો પહેલા ૧૦૦ રૂપિયામાં એક સુડલો ભરાય તેટલા ફટાકડા આવતા હતા ત્યારે આજે રૂા.૧૦૦૦ ખર્ચવા છતાં પાસેરામાં પુણી માફક ફટાકડા ઉપલબ્ધ થાય છે ત્યારે ફટાકડાની બજાર પણ મંદીમાંથી પસાર થઈ રહી છે.
જાેકે, તહેવાર નજીક આવશે તેમ છેલ્લા બે દિવસ ફટાકડા બજારમાં પણ ખરીદી લેવાની સંભાવના છે. આ વર્ષે દીપાવલી અને નૂતન વર્ષનાં તહેવારોમાં લોકો ઉમંગ અને ઉત્સાહ દર્શાવશે પરંતુ ખરીદી બજારમાં મોંઘવારીનાં એટમ બોમ્બને લઈ તહેવારોનાં આગલા દિવસ સુધી મંદીનું મોઝું રહે તો નવાઈ
નહી.