ખંભાળિયાની સગીરાના અપહરણ તથા દુષ્કર્મ પ્રકરણમાં આરોપીને વીસ વર્ષની સખત કેદ તથા દંડ : ભોગ બનનારને રૂા.ત્રણ લાખનું કમ્પન્સેસન

0

ખંભાળિયા શહેરમાં એક સગીરાનું અપહરણ કરીને લઈ ગયા બાદ દુષ્કર્મ ગુજારવાના એક વર્ષ પૂર્વેના પ્રકરણમાં આરોપીને અદાલતે ૨૦ વર્ષની સખત કેદ તેમજ રૂા.૧૫,૦૦૦નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયામાં રહેતા એક પરિવારની આશરે સાડા પંદર વર્ષની એક સગીરાનું અપહરણ ગત વર્ષે થયું હતું. આ પ્રકરણમાં સગીરાના પિતાએ પોતાની પુત્રીને લલચાવી ફોસલાવી અને બદકામ કરવાના ઇરાદાથી અપહરણ કરી જવા સબબ ખંભાળિયામાં રહેતા વીરૂગીરી સંજયગીરી ગોસાઈ નામના શખ્સ સામે ધોરણસર ફરિયાદ નોંધાવી હતી. ઉપરોક્ત આરોપી તેમજ સગીરાની ભાળ મેળવીને પોલીસે ત્રણેક દિવસ બાદ આરોપીની ધરપકડ કરી હતી. સગીરાની તબીબી તપાસણી તેમજ પૃથ્થકરણ સંદર્ભેની કાર્યવાહી પછી ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. જે પછી આ કેસ પોકસો કોર્ટમાં ચાલ્યો હતો. આ વચ્ચે આરોપીએ હાઇકોર્ટમાંથી જામીન મેળવી અને છૂટ્યા બાદ ફરિયાદી પરિવારને કેસ પાછો ખેંચી લેવાના મામલે મારી નાખવાની ધમકી આપતા તેના જામીન રદ થયા હતા અને તેને પૂર્નઃ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં ભોગ બનનાર સગીરાની જુબાની, જરૂરી આધાર-પુરાવાઓ સાથે અહીંના સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ પ્રકારની દલીલોને ગ્રાહ્ય રાખી, અદાલતે આરોપી વીરૂગીરી સંજયગીરીને અપહરણ તથા દુષ્કર્મ અને પોક્સો એક્ટની જુદી જુદી કલમ હેઠળ તકસીરવાન ઠેરવી, વીસ વર્ષની સખત કેદ તથા રૂપિયા ૧૫,૦૦૦ નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આટલું જ નહીં, ભોગ બનનાર સગીરાને સામાજિક, આર્થિક તથા માનસિક પુનર્વસન માટે સરકારની કમ્પન્સેસન સ્કીમ હેઠળ રૂપિયા ત્રણ લાખ ચૂકવવા પણ હુકમ કરવામાં આવ્યો છે.

error: Content is protected !!