દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ખાતે ગત તારીખ ૧થી એક સપ્તાહ સુધી તંત્ર દ્વારા બેટ દ્વારકા ખાતે ડિમોલિશન કામગીરી કર્યા બાદ થોડા દિવસોના વિરામ પછી પૂર્નઃ તંત્રએ દબાણ દૂર કરવાની કમાન હાથમાં લીધી છે. જેમાં ગુરૂવારે તથા ગઈકાલે શુક્રવારે પણ જુદા જુદા વિસ્તારોમાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. બેટ દ્વારકાના બાલાપર સહિતના જુદા-જુદા વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશના શુક્રવારે બીજા રાઉન્ડના બીજા દિવસમાં વધુ એક ડઝન જેટલા નાના-મોટા દબાણ હટાવાયા હતા. ગુરૂવારે તેમજ શુક્રવારે બે દિવસમાં કુલ ૨૨ જેટલા બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. આશરે ૧૦ હજાર ફૂટ જેટલી કરવામાં આવેલી આ જગ્યાની કિંમત આશરે ૨૪ લાખ જેટલી ગણવામાં આવી છે. હાલની પરિસ્થિતિમાં આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેનાર છે. તંત્ર દ્વારા અગાઉ કરવામાં આવેલા સર્વે બાદ તેના લિસ્ટમાં બાકી રહી ગયેલા તમામ ગેરકાયદે બાંધકામો દૂર કરવા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આ માટે જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, ડીવાયએસપી સમીર સારડા તથા તેમની ટીમ દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થા સાથે સધન કામગીરી કરવામાં આવી રહી છે.