ખંભાળિયા સહિત રાજ્યની ૧૫૭ નગરપાલિકામાં પડતર પ્રશ્નોના ઉકેલ માટે આજથી આંદોલનના મંડાણ : દિવાળી પૂર્વે તમામ સેવા બંધનું એલાન

0

ગુજરાત રાજ્યમાં નગરપાલિકાના કર્મચારીઓ તથા ચીફ ઓફિસર એસોસિએશનના ટેકાથી રાજ્યની તમામ ૧૫૭ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા તાજેતરમાં એકસાથે અંધાર પટના કાર્યક્રમ યોજીને સરકારને ચીમકી આપવામાં આવી હતી. જે પછી પણ રાજ્ય સરકાર દ્વારા પ્રશ્નો ઉકેલવા અંગે કોઈ નક્કર કાર્યવાહી હાથ ન ધરવામાં આવતા આજથી નગરપાલિકાના પ્રશ્નો માટે સમગ્ર રાજ્યની ૧૫૭ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આંદોલનના મંડાણ શરૂ થયા છે. ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મંડળના પ્રમુખ રાજપારભાઈ ગઢવી, એન.આર. નંદાણીયા, દેવેન્દ્રભાઈ વારીયા, જે.બી. ડગરા, રાજુભાઈ વ્યાસ, સલીમભાઈ ખાખી, દેરાજભાઈ કારીયા, કિશોરસિંહ સોઢા, શિવમ પંડિત વિગેરે કર્મચારીઓ દ્વારા નગરપાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસરને લેખિત આવેદન પત્ર પાઠવી, આજથી આ લડતની જાહેરાત કરી હતી. ખંભાળિયાના પાલિકા મંડળના પ્રમુખ રાજપાર ગઢવીએ જણાવ્યું હતું કે, રાજ્યના મોવડી મંડળ દ્વારા સમગ્ર રાજ્યમાં તારીખ ૧૫ થી ૨૧ ઓક્ટોબર સુધી હડતાલનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં તારીખ ૧૫ અને તારીખ ૧૭ના રોજ પેનડાઉન કરી અને કામગીરીનો બહિષ્કાર થશે. તારીખ ૧૮ના રોજ શહેરનો પાણી પુરવઠો બંધ રાખવામાં આવશે. તારીખ ૧૯ના રોજ સ્ટ્રીટ લાઈટ તેમજ તારીખ ૨૦મીના રોજ સફાઈ કામગીરી બંધ રાખવામાં આવશે. જ્યારે ૨૧ ઓક્ટોબરના રોજ તમામ આવશ્યક સેવાની કામગીરી બંધ થશે. પાલિકા કર્મચારીઓની લડતને અનેક સંઘો દ્વારા સમર્થન પણ આપવામાં આવ્યું છે.

error: Content is protected !!