વંથલી તાલુકાના ધંધુસર ગામનો શખ્સ નવ ગુનામાં વોન્ટેડ હતો
ખંભાળિયા તથા કલ્યાણપુર પંથકમાં અહીંના બે શખ્સો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી પ્રકરણમાં જૂનાગઢ જિલ્લાના ધંધુસર ગામના ફરાર એવા શખ્સનું નામ ખુલતા અહીંની એલસીબી પોલીસે સઘન કાર્યવાહી કરી ભુપત ઉર્ફે વિપુલ સુત્રેજાની અટકાયત કરી હતી. આ સમગ્ર પ્રકરણની જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સાંપળેલી વિગત મુજબ ખંભાળિયા તેમજ કલ્યાણપુર તાલુકામાંથી આશરે પખવાડિયા પૂર્વે ૪૦૦ પેટી જેટલો વિદેશી દારૂનો તોતિંગ જથ્થો મળી આવ્યો હતો જે પ્રકરણમાં અહીંના સાજા ગઢવી તથા ભોરા ગઢવી નામના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનામાં રાજુ નારણ રબારીનું નામ પણ ખુલવા પામ્યું હતું. આ શખ્સની પૂછપરછમાં દારૂનો આ જથ્થો જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસર ગામે રહેતા ભુપત ઉર્ફે વિપુલ ઉર્ફે કડી સુરાભાઈ કરસનભાઈ સુત્રેજા નામના ૨૨ વર્ષના શખ્સ દ્વારા સપ્લાય કર્યો હોવાની વિગતો મળતા જિલ્લા એલસીબી પોલીસે તાકીદની કાર્યવાહી કરી, ઉપરોક્ત શખ્સને ઝડપી લીધો હતો. એલસીબી પોલીસની તપાસમાં આ શખ્સ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, કલ્યાણપુર તેમજ જૂનાગઢ, પોરબંદર તથા રાજકોટ જિલ્લાના જુદા જુદા નવ જેટલા ગુનામાં સંડોવણી હોવાનું ખુલવા પામ્યું હતું. આમ, દારૂ અંગેના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને એલસીબી પોલીસે દબોચી લઈ, વધુ તપાસ અર્થે ખંભાળિયા પોલીસને સોંપ્યો છે. પોલીસે તેની અદાલતમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા અદાલતે તેને બે દિવસના રિમાન્ડ ઉપર સોંપ્યો છે. આ પ્રકરણમાં જૂનાગઢ જિલ્લાના બુટલેગર ધીરેન કારીયા નામના શખ્સનું પણ નામ ખુલવા પામ્યું છે.