વેરાવળ પંથકમાં વ્યવસાય વેરાનું લાયસન્સ કાઢી આપવાના બદલામાં લાંચ માંગનાર તલાટી મંત્રીને રૂા.૨૭ હજારની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ એસીબીની ટીમએ ઝડપી પાડયો

0

સુપાસી-ડાભોર ગામના તલાટી મંત્રીએ રૂા.૧ લાખની લાંચ માંગેલ જેમાં રકઝકના અંતે રૂા.૬૦ હજાર નક્કી થયેલ : અરજદારે ફરીયાદ કરતા એસીબીની ટીમએ છટકું ગોઠવેલ

વેરાવળ તાલુકાના સુપાસી તથા ડાભોર ગામનો તલાટી મંત્રીને એન્ટી કરપ્શન બ્યુરોની બોટાદ ટીમએ ગોઠવેલ છટકામાં રૂા.૨૭ હજારની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયો છે. જેમાં તલાટી મંત્રીએ વ્યવસાય વેરાનું લાયસન્સ કાઢી આપવાના બદલામાં રૂા.૧ લાખની લાંચ માંગેલ જે પેટે પ્રથમ ૩૦ હજાર આપવાનું નકકી થયેલ હતું. આ મામલે પકડાયેલા તલાટી મંત્રી વિરૂધ્ધ વેરાવળ એસીબી કચેરીમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એસીબીની આ કાર્યવાહીના પગલે પંથક સહિત જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો છે. રાજ્યમાં સરકારી હોદાનો દુરૂપયોગ કરીને કાળી કમાણી કરતા સરકારી અધિકારી અને કર્મચારીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા એસીબી સક્રીય છે. દરમ્યાન ઘણા લાંબા સમય બાદ વેરાવળ પંથકમાં એન્ટી કરપ્શન બ્યુરોની ટીમએ લાંચ લેતા કર્મચારીને ઝડપી પાડયો છે. જે અંગે પ્રાપ્ત વિગત મુજબ એક અરજદારે વ્યવસાય વેરાનું લાયસન્સ કઢાવવા માટે ગ્રામ પંચાયતમાં અરજી કરી હતી. જેને લઈ વેરાવળ તાલુકાના સુપાસી તથા ડાભોર ગામના તલાટી મંત્રી પરેશભાઈ નાથાભાઈ ચાવડાએ અરજદાર પાસેથી અરજી મંજૂર કરી લાયસન્સ કાઢી આપવા માટે રૂા.૧ લાખની લાંચની માંગણી કરી હતી. જેમાં રકજકના અંતે રૂા.૬૦ હજાર આપવાનું નક્કી થયેલ હતું. આ નક્કી લાંચની રકમ પૈકી રૂા.૩૦ હજાર પહેલા આપવાના તથા બાકીની રૂા.૩૦ હજારની રકમ અરજી મંજૂર થયા બાદ આપવાનું નક્કી થયેલ હતું. જાે કે, અરજદાર આ લાંચની રકમ આપવા ન માંગતા હોવાથી તેમણે એન્ટી કરપશન બ્યુરોનો સંપર્ક કરી વિગતો જણાવી હતી. જેના આધારે એસીબીના મદદનીશ નિયામક બી.એલ.દેસાઈ ના માર્ગદર્શન હેઠળ બોટાદ એસીબીના પીઆઈ આર.ડી. સગરએ તેમની ટીમ સાથે છટકાનું આયોજન કર્યુ હતું. જેમાં તલાટી મંત્રી પરેશ ચાવડા અરજદાર સાથે વાતચીત કરી લાંચની નક્કી થયેલ રૂા.૩૦ હજારની રકમ વેરાવળ-કોડીનાર હાઈવે ઉપર એસ્સાર પંપ પાસે મધુવન પાન એન્ડ કોલ્ડ્રિંકસની દુકાને સ્વીકારી તેમાંથી રૂા.૩ હજારની રકમ પરત આપી હતી. તે સમયે એસીબીની ટીમએ સ્થળ ઉપર આવી તલાટી મંત્રી પરેશ ચાવડાને રૂા.૨૭ હજારની લાંચની રકમ સાથે રંગેહાથ ઝડપી લીધો હતો. બાદમાં તેને ડીટેઈન કરીને તલાટી મંત્રી સામે વેરાવળ એસીબીમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. એસીબીની આ કાર્યવાહીના પગલે સરકારી કર્મચારીઓમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ હતી.

error: Content is protected !!