માંગરોળની ડૂબી ગયેલી ફિશિંગ બોટ ખલાસીઓને ભારતીય કોસ્ટગાર્ડે બચાવી લીધા

0

નવ દિવસ પહેલાં જખૌ નજીક ભારતીય જળસીમામાં માછીમારી કરી રહેલી માંગરોળની બોટ ઉપર અંધાધૂંધ ફાયરીંગ કરી, માછીમારોનું અપહરણ કરવાનો પાક. નેવીનો નાપાક ઈરાદો કામયાબ નિવડ્યો ન હતો. ફીશિંગ બોટને બે વાર મારેલી ભયાનક ટકકરથી બોટ ડૂબી ગઈ હતી. પરંતુ તેમાં રહેલા યુવાન ખલાસીઓને બેફામ માર માર્યા બાદ બંદુકના નાળચે અપહરણ કરી પાક. લઈ જવાય તે પહેલાં ભારતીય કોસ્ટગાર્ડની સમયસુચકતાએ તમામને બચાવી લીધા હતા. પોલીસ, એસઓજી, નેવી સહિતના વિભાગોની પુછપરછ, નિવેદન સહિતની કાર્યવાહી બાદ આજે વતન પરત જઈ રહેલા ખલાસીઓના ચહેરા ઉપર હરખ સ્પષ્ટ જણાઈ આવતો હતો. સાથે જ ચોતરફ દરીયાના પાણી તેમજ ભય અને ઉચાટ વચ્ચે વિતાવેલા એ પાંચ કલાક જીંદગીમાં ક્યારેય નહીં ભુલાય તેમ પણ જણાવ્યું હતું.
ગત તા.૩૦ના રોજ માંગરોળના હીરૂબેન બાબુભાઈ હોદારની માલિકીની “હરસિદ્ધિ – ૫” બોટ લઈ ઓખાથી ફિશિંગ અર્થે રવાના થયા હતા. હું અને અન્ય છ ખલાસીઓ હતા. દરમ્યાન તા.૬ના વહેલી સવારે પાંચેક વાગ્યા આસપાસ ભારતની જળસીમામાં જખૌથી ૩૦,૩૫ કિ.મિ. દુર માછીમારી કરતા હતા. ત્યારે અચાનક પાક. નેવીની શીપ નજીક આવી પહોંચી હતી. અમે કાંઈ સમજીએ તે પહેલા એ લોકોએ આડેધડ ફાયરીંગ શરૂ કરી દીધું હતું. જીવ બચાવવા અમે બોટમાં સૂઈ ગયા હતા. દરીયામાં પાથરેલી જાળ અમે કાપી નાંખી, ત્યાંથી તાબડતોબ ભાગી છૂટ્યા હતા. પરંતુ દસ જ મિનિટમાં ફુલ સ્પીડે આવી પાક. નેવીના શીપે અમારી બોટને પાછળથી ટકકર મારી હતી. અમારી બોટ આડી થઈ જતાં પ્રેમ વીરાભાઈ બારીયા નામનો ખલાસી દરીયામાં પડી ગયો હતો. બોટમાં પાણી ભરાવા લાગ્યું હતું. શું કરવું સમજણ પડતી ન હતી. આ દરમ્યાન નજીકમાં માછીમારી કરતી આપણી બોટને મેસેજ આપી કોસ્ટગાર્ડને તુરંત જાણ કરવા જણાવ્યું હતું. પાંચેક મિનિટ બાદ ફરીથી મહોરાના ભાગે શીપ અથડાવતા બંને બ્લોક થઈ ગયા હતા. ત્યારબાદ તેઓના પાંચ, છ માણસો અમારી બોટમાં ચઢી ગયા હતા અને અમને બેલ્ટથી માર માર્યો હતો, લોખંડના ડ્રમમાં અમને ભટકાવ્યા હતા. ત્યારબાદ તેઓની બોટમાં લઈ જઈ ત્યાં કેબિનમાં હાથ બાંધી, બેફામ માર માર્યો હતો. અમને હવે બચવાની કોઈ આશા જ ન હતી. પરંતુ ભારતીય કોસ્ટગાર્ડ ઘટનાસ્થળે પહોંચતા ત્યાં દરીયાના પાણીમાં જીવ બચાવવા મથી રહેલા પ્રેમને જાેઈ તેને બચાવી લીધો હતો. તેણે કોસ્ટગાર્ડને આપણા ખલાસીઓને પાક. એજન્સી લઈ ગઈ હોવાનું જણાંવતા અમને બચાવવા કોસ્ટગાર્ડે પાક. નેવીના શિપનો પીછો કર્યો હતો. જ્યાં શીપ નજીક પહોંચ્યા બાદ ખલાસીઓને પરત આપી દેવા તેઓના અધિકારીઓને જણાવ્યું હતું. પરંતુ તેઓએ જુઠ્ઠાણું ચલાવી તમારા માણસો બોટ સાથે ડુબી ગયા છે તેમ જણાંવ્યું હતું. આખરે કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર આવ્યા બાદ ચેતવણી આપતા તેઓએ અમોને કોસ્ટગાર્ડને સોંપ્યા હતા અને અમારો છૂટકારો થયો હતો. ઇન્ડિયન કોસ્ટગાર્ડ અરિંજય – ૨૫૦ની કામગીરી કાબિલેદાદ રહી હતી. બંદુકના નાળચે ખલાસીઓનું અપહરણ કરી પાક. નેવી તમામને પોતાની શીપમાં લઈ ગઈ હતી. જ્યાં ખલાસીઓ પાસે બોટમાં પાણી ભરાતું હતું અને પાક. નેવીએ તેઓને બચાવ્યા હોવાનું ધરાર બોલાવી વિડીયો બનાવ્યો હતો.

error: Content is protected !!