ખંભાળિયામાં સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકામાં આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખંભાળિયા ખાતે સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં સમગ્ર રાજ્યના તમામ તાલુકામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. તેમજ વડાપ્રધાન દ્વારા પી.એમ.જે.એ.વાય. યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે પ્રાસંગીક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, “વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દેશની સૌથી મોટી આરોગ્ય યોજના છે. એક સમય હતો કે, જરૂરિયાતમંદ લોકો આર્થિક પરિસ્થિતિને કારણે અને વડીલો પુત્ર કે પુત્રીને આર્થિક તકલીફ ના પડે તેમ વિચારી ખર્ચાળ સારવાર કરાવતા નહોતા. પરંતુ આયુષ્યમાન કાર્ડ આવતા વડીલોને કે જરૂરિયાતમંદ લોકો પણ સરળતાથી સારવાર લઈ રહ્યા છે. આ કાર્ડ હેઠળ રૂા.પાંચ લાખ સુધીનો સારવાર ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે.” વધુમાં તેમણે જણાવ્યું કે, “દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલ હોય તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. આજે વિશ્વ પણ ભારતની ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝની નોંધ લઈ રહ્યું છે.” “આજે આપણે ડબલ એન્જીન સરકાર કહીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચી શકે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.” વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે, જાે સ્વસ્થ નાગરિક હશે તો સ્વસ્થ રાષ્ટ્ર બની શકે છે. આજે આપણે આરોગ્યક્ષેત્રે વધુ મજબૂતીથી આગળ વધી રહ્યા છીએ. સાંસદ પૂનમબેન દ્વારા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, તાલુકા પંચાયતના પ્રમુખ રામદેભાઈ કરમુર, ખંભાળિયા યાર્ડના ચેરમેન પી.એસ. જાડેજા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ નકુમ, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેનના પ્રતિનિધિ પ્રતાપભાઈ પિંડારિયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન રસિકભાઇ નકુમ, અનિલભાઈ તન્ના સહિતના આગેવાનો સાથે અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.