વિશ્વ વિખ્યાત યાત્રાધામ દ્વારકાનું ફલક આવે વૈશ્વિક સ્તરે વિસ્તરી રહ્યું છે. તે માટે સ્થાનિક તંત્ર સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પણ અંગત રસ લઈ અને વિકાસ કામોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. દ્વારકા વિસ્તારમાં યાત્રાળુઓ સાથે સ્થાનિક રહીશોની સુવિધામાં વધારો થાય તે માટે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત દ્વારકા નગરપાલિકા વિસ્તારમાં જુદા-જુદા પ્રકારના વિકાસ કાર્યો માટે આશરે રૂપિયા ૫૦ કરોડ જેટલા કામોના લોકાર્પણ તથા ખાત મુહૂર્ત કરવામાં આવ્યા છે. આ સમગ્ર બાબતે દ્વારકા નગરપાલિકાના પ્રમુખ જ્યોતિબેન સામાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા ફાળવવામાં આવેલી સ્વર્ણિમ, અમૃત તેમજ ધારાસભ્ય વિગેરેની ગ્રાન્ટમાંથી જિલ્લા સાંસદ પૂનમબેન માડમ તથા ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા દ્વારા વિવિધ પ્રકારના લોકાર્પણ તથા ખાત મુહૂર્તના કામો કરવામાં આવ્યા છે. જેમાં મટવી ચોક વિસ્તારમાં ૨૦ ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો છે. આ ઉપરાંત દ્વારકા ના જુદા જુદા સર્કલોના ડેવલપમેન્ટ સાથે ખારવા દરવાજામાં હેરિટેજ લુકથી રીનોવેશન કરવામાં આવ્યું છે. દ્વારકાના તમામ સાત વોર્ડમાં અલગ અલગ એનાઉન્સમેન્ટ સિસ્ટમ તથા સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવ્યા છે. દ્વારકા શહેરમાં નલ સે જલ યોજના હેઠળ પ્રજાકીય કામગીરી કરાઈ છે. આ ઉપરાંત સાંસદ પૂનમબેન માડમની જહેમતથી કેન્દ્ર સરકાર દ્વારા દ્વારકાને મળેલી રૂપિયા ૨૦ કરોડની ગ્રાન્ટમાંથી ખારા તળાવનું નામ રૂક્ષ્મણી સરોવર રાખી, અહીં વિવિધ પ્રકારની સુખ સુવિધામાં વધારો થાય તે માટેના ખાતમુહૂર્ત કરાયા છે. આમ, દ્વારકામાં કરોડો રૂપિયાના ખર્ચે સીસી રોડ, પેવર બ્લોક, ગોમતી ઘાટમાં કોબાસ્ટોન ફિક્સ કરવા, પાણીની લાઈન નાખવા, એલીડી લાઇટ સાથેના વીજપોલ ઉભા કરવા, કોમ્યુનિટી હોલ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ વિગેરેના કામ જાહેર જનતા સમક્ષ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત જુદા-જુદા રસ્તાઓને સીસી રોડથી મઢવા, સર્કલ બનાવવા, પાણી પુરવઠાના કામો, પીવાના પાણીની લાઈનો નાખવાના કામો વિગેરેના ખાત મુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા. આમ, સરકાર દ્વારા સાંપળેલી કરોડો રૂપિયાની ગ્રાન્ટથી દ્વારકાના રહીશોમાં સુખાકારીનું વધારો થશે. સાથે સાથે દ્વારકાની શોભામાં પણ અભિવૃદ્ધિ થશે તેમ નગરપાલિકાના પ્રમુખ જ્યોતિબેનએ જણાવ્યું હતું.