આવતીકાલે શનિવારે ધનતેરસ 

0

આસો વદ બારસને શનિવારે તા.૨૨-૧૦-૨૦૨૨ના દિવસે ધનતેરસ છે. સાંજના ૬ઃ૦૨ વાગ્યા સુધી બારસ છે. ત્યારબાદ તેરસ તિથી છે. ધન તેરસનું મહત્વ પ્રદોષ કાળનું હોવાથી શનિવારે બારસના દિવસે ધન તેરસ માનાવામાં આવશે. ધનતેરસના દિવસે શ્રી યંત્રની પૂજા કરવી ઘરમાં રહેલા સોનાના દાગીનાની પૂજા કરવી, લક્ષ્મી પૂજન કરવું, ચોપડા ખરીદવા, સોના-ચાંદીની ખરીદી કરવી, ગૃહઉપયોગી ચીજવસ્તુઓની ખરીદી કરવી શુભ અને ઉત્તમ ફળદાયક છે. ધન તેરસના દિવસે સવારે નિત્ય કર્મ કરી ત્યારબાદ નિત્ય પૂજા-પાઠ કરી અને શ્રીકૃષ્ણ ભગવાનનાં નામની સાથે રૂકમણીજી, મિત્રવિન્દ, શૈલ્યા, જામ્બવતી, સત્યભામા, લક્ષ્મણ, ભદ્રા, કાલીન્દી નામ બોલવા.

યમદીપ દાન : ધન તેરસના દિવસે સાંજના સમયે યમદીપ દાન કરવું. સાંજના સમયે દિવસ આથમ્યા પછી સાંજના પ્રદોષ કાળે ઘરની બહાર મુખ્ય દરવાજા કે બારણા પાસે માટીનાં કોડીયામાં તલનાં તેલનો દિવો કરવો અને ચોખાની ઢગલી કરી તેનાં ઉપર મુકવો. ત્યારબાદ દક્ષિણ દિશા તરફ મુખ રાખી પ્રાર્થના કરવી, મને અને મારા ઘર પરિવારના સભ્યોને કોઈ દિવસ યમયાતના ન મળે એવી પ્રાર્થના કરવી.  ધનતેરસના દિવસે દીપદાન કરનારને અપમૃત્યું, આકસ્મિક મૃત્યું, અકાળ મૃત્યુંનો ભય રહેતો નથી. ધનતેરસના દિવસે વૈધધન્વન્તરી ઋષિનો જન્મ થયેલો. દેવ-દાનવોના સમૃદ્ર મંથન સમયે સંસારનાં સર્વરોગ નાબુદ કરવા ઔષધિયોનો કળશ લઈ ભગવાન ધન્વન્તરી પ્રગટ થયા હતા. આથી આ દિવસે વૈદ્યો, ડોક્ટર અને બધા જ લોકોનું આયુષ્ય અને આરોગ્ય સારૂ રહે તેવી ભાવના સાથે ભગવાન ધન્વન્તરી પૂજન કરશે. ધન્વન્તરી પૂજન કરવાથી તથા યજ્ઞ કરવાથી વાતાવરણ ચોખ્ખું બને છે.

ધનતેરસના દિવસે ધનપૂજન : ધનતેરસના દિવસે સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ માટે એક બાજાેઠ ઉપર સફેદ વસ્ત્ર પાથરી અને ચાંદીના સિક્કા ઉપર ધનપૂજન કરવું. સામે લક્ષ્મીજીની છબી રાખવી, તેલનો દિવો કરવો, દૂધમાં સાકર નાખી સિક્કા ઉપર શ્રી કમલવાસિન્થે નમઃના જય અથવા શ્રી સૂક્તનાં પાઠ બોલતા-બોલતા અભિષેક કરવો, ત્યારબાદ ચોખ્ખું પાણી ચડાવી સાફ કરી વસ્ત્ર, અબીલ ગુલાલ, કંકુ, ફુલ પધરાવવું, આરતી કરી ક્ષમાયાચના માંગવી. આમ કરવાથી સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.

ધનતેરસના શુભ સમય ચોઘડીયા આ પ્રમાણે છે : શુભ ચોઘડિયા દિવસના શુભ ૮ઃ૧૩ થી ૯ઃ૩૯, ચલ ૧૨ઃ૩૧ થી ૧ઃ૫૭, લાભ ૧ઃ૫૭ થી ૩ઃ૨૩, અમૃત ૩ઃ૨૩ થી ૪ઃ૪૯ છે. રાત્રીના શુભ ચોઘડિયા રાત્રીના લાભ ૬ઃ૧૫ થી ૭ઃ૪૯, શુભ ૯ઃ૨૩ થી ૧૦ઃ૫૭, અમૃત ૧૦ઃ૫૭ થી ૧૨ઃ૩૨, ચલ ૧૨ઃ૩૧ થી ૨ઃ૦૫ છે. બપોરે અભિજીત મુહૂર્ત ૧૨ઃ૦૮ થી ૧૨ઃ૫૪, સાંજે પ્રદોષ કાળનું શુભ મુહૂર્ત ૬ઃ૧૫ થી ૮ઃ૪૫ શાસ્ત્રી છે.

error: Content is protected !!