લોહાણા રઘુવંશી સમાજનાં ઈષ્ટદેવ અને સંત શીરોમણી પૂજય જલારામ બાપાની રર૩મી જન્મ જંયતીની ભાવભેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવનાર છે. આગામી તા.૩૧ ઓકટોબરનાં રોજ જન્મ જયંતી પ્રસંગ હોય આ દિવસે જૂનાગઢ સહિત સમગ્ર સોૈરાષ્ટ્રમાં પૂજય જલારામ બાપાની જન્મ જયંતી ઉજવણી કરવામાં આવશે. પૂજય જલારામ બાપાનાં કર્મસ્થાન એવા વીરપુર ખાતે પૂજય જલારામ બાપા અને વીરબાઈ માતાજીનાં મંદિરે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કમરવામાં આવેલ છે. સમગ્ર વીરપુરમાં અનેરી સજાવટ કરવામાં આવી છે. લોકોએ પોતાનાં ઘરોને સજાવી અને પૂજય જલારામ બાપાની જન્મ જયંતી ઉજવવા ભારે થનગટાન જાેવા મળી રહ્યો છે. આગામી સોમવારે જલારામ જયંતી પ્રસંગે વહેલી સવારથી જ પૂજય જલારામ બાપાનું પૂજન, અર્ચન, આરતી, અન્નકુટ અને પ્રસાદ-ભોજન સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવનાર છે. વીરપુર જલારામ બાપાની જગ્યાનાં ગાદીપતિ પૂજય રઘુરામ બાપાનાં માર્ગદર્શન હેઠળ જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
જૂનાગઢમાં જલારામ જયંતી પર્વ પ્રસંગે વિવિધ કાર્યક્રમો
જૂનાગઢમાં આગામી તા.૩૧ ઓક્ટોબરને સોમવારે જલારામ બાપાની ૨૨૩મી જન્મ જયંતી નિમિત્તે સવારથી બપોર સુધી માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે. કાર્યક્રમ અંતર્ગત હવેલી ગલી જલારામ મંદિરે સવારથી રાત સુધી અન્નકૂટ દર્શન યોજાશે. આ ઉપરાંત માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે સવારે જલારામ બાપાની ૨૨૩ દીવડાઓની મહા આરતી, ગાયો અને પશુઓની સેવા કરતી સેવાભાવી સંસ્થાઓને ચેક અર્પણ, ઉપરાંત રક્તદાન શિબિર અને નિઃશુલ્ક થેલેસેમિયા ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે લોહાણા મહાજન અને કાર્યરત જ્ઞાતિ સંસ્થાઓના ઉપક્રમે સમૂહ નાત ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. જલારામ જયંતિ ઉજવણી અંતર્ગત પોસ્ટ ઓફિસ રોડ ઉપરથી બપોરે જલારામ બાપાની ભવ્ય શોભા યાત્રા શહેરના માર્ગો ઉપર નીકળશે. લોહાણા મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂના માર્ગદર્શન હેઠળ યોજાનારા વિવિધ કાર્યક્રમની તૈયારીઓને લઈ આખરી ઓપ અપાય રહી છે. જેને લઇ શહેરમાં જય જલારામનો નાદ ગુંજી ઉઠશે.
શ્રી જલારામ ભકિતધામ જલારામ મંદિર ખાતે જલારામ જયંતી મહોત્સવ
જૂનાગઢમાં ઝાંઝરાડા ચોકડી ખાતે આવેલા શ્રી જલારામ ભકિતધામ જલારામ મંદિર ખાતે તા.૩૧-૧૦-ર૦રર સોમવારનાં રોજ જલારામ જયંતી મહોત્સવ અંતર્ગત સમુહ પ્રસાદનું સાંજનાં ૭ કલાકથી આયોજન કરેલ છે. લોહાણા સમાજ અને જલારામ ભકતો માટે સમુહ પ્રસાદનો આ કાર્યક્રમ યોજાશે. જેમાં સોૈ જલારામ ભકતોને પધારવા શ્રી જલારામ પરિવાર ટ્રસ્ટ જૂનાગઢનાં મેનેજીંગ ટ્રસ્ટી પ્રો. પી.બી. ઉનડકટે ભાવભર્યું નિમત્રંણ પાઠવેલ છે.
જલારામ જયંતીની સર્વત્ર ઉજવણી
સંત શીરોમણી પૂજય જલારામ બાપાની જન્મજયંતી પ્રસંગે જૂનાગઢ શહેર અને જીલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે. લોહાણા રઘુવંશી સમાજ દ્વારા ઘર આંગણે અનેરી સજાવટ સાથે સવારથી જ દરેક ઘરોમાં પૂજય જલારામ બાપાનું પૂજન અને થાળ ધરાવાશે તેમજ સોસાયટી વિસ્તારોમાં પણ જલારામ જયંતી નિમિતે વિવિધ કાર્યક્રમો રઘુવંશી પરિવારો દ્વારા આયોજીત કરવામાં આવેલ છે. જૂનાગઢ જીલ્લા બિલખા, કેશોદ, માણાવદર, બાંટવા, વિસાવદર સહિતનાં વિવિધ શહેરોમાં જલારામ જયંતી પર્વ પ્રસંગે પૂજન, અર્ચન, આરતી, નાતજમણ સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવનાર છે.